/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Rain-Forecast-in-Gujarat-30th-June-1.jpg)
ગુજરાત વરસાદ
Gujarat Weather Forecast : સાતમ-આઠમના તહેવારમાં રાજ્યમાં ફરી એક વખત વરસાદનો નવો ધમાકેદાર રાઉન્ડ શરુ થયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો રવિવારને 25 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 133 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે નવસારીના ખેરગામમાં 11 ઇંચ (263 મીમી) વરસાદ વરસ્યો છે. રાજ્યના 52 તાલુકામાંથી બે ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ખેરગામમાં 263 મીમી (11 ઇંચ), ડેડિયાપાડા 222 મીમી (9 ઇંચ), સાગબારા 203 મીમી (8 ઇંચ), કપરાડા 184 મીમી (7.5 ઇંચ), વલસાડ 174 મીમી (7 ઇંચ), ચોટીલા અને ધરમપુર 172 મીમી (7 ઇંચ), રાજકોટ 163 મીમી (6.5 ઇંચ), નાંદોદ 162 મીમી (6.5 ઇંચ), ડાગ આહવા 156 મીમી (5 ઇંચ), કુકરમુંડા 154 મીમી (5 ઇંચ) અને વઘઇ 150 મીમી (5 ઇંચ)વરસાદ વરસ્યો છે.
ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલાયા
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે સુરતના ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 1.50 લાખ કયૂસેક કરતાં પણ વધારે પાણી છોડવામાં આવ્યું છે. બીજી તરફ આજવા ડેમની સપાટીમાં વધારો થતાં વિશ્વામિત્રી નદીની સપાટી 18 ફૂટે પહોંચી છે. જોકે નદી ભયજનક સપાટીથી હજી 8 ફૂટ દૂર છે.
આ પણ વાંચો - ગુજરાત સાવધાન! પરબલાના પાંચે દિવસ ધોધમાર, આ જિલ્લાઓમાં અતિથી અતિભારે વરસાદની આગાહી
નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે, ઉપરવાસમાંથી 4,80,233 ક્યુસેક પાણીની આવક થઇ છે. જેના કારણે નર્મદા ડેમની જળ સપાટી 135.40 મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમના 15 ગેટ 1.65 મીટર ખોલાયા છે. નર્મદા નદીમાં કુલ 2.20 લાખ ક્યૂસેક પાણી છોડાતાં નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે.
26 ઓગસ્ટના રોજ વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જન્માષ્ટમીના દિવસે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સોમવારે રાજ્યના 7 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ અને 26 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us