ગુજરાત વરસાદ : નાગરિકોની સલામતી માટે વહીવટી તંત્ર સજ્જ, કેવી છે રાહત-બચાવ કામગીરી

Gujarat Rain : ભારે વરસાદના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 23,871 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમજ 1696 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે

Written by Ashish Goyal
August 27, 2024 19:33 IST
ગુજરાત વરસાદ : નાગરિકોની સલામતી માટે વહીવટી તંત્ર સજ્જ, કેવી છે રાહત-બચાવ કામગીરી
Gujarat rain : રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતી સામે નાગરિકોની સલામતી માટે રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ છે (EXPRESS PHOTO BY BHUPENDRA RANA)

Gujarat Rain : રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતી સામે નાગરિકોની સલામતી માટે રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે રાહત-બચાવ માટે ટીમો ખડેપગે તૈનાત છે. ભારત સરકાર દ્વારા પણ રાહત-બચાવ કામગીરી માટે આર્મીની 6 કોલમ ક્રમશ: દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં ડીપ્લોય કરવામાં આવી છે.

આ ઉપરાંત NDRFની 14 પ્લાટૂન અને SDRFની 22 પ્લાટૂન પણ આપત્તિ વ્યવસ્થાપનના કામમાં જોડાઈ છે. સાથે જ કોસ્ટગાર્ડ અને નેવીની ટીમો પણ રાહત બચાવના કામમાં જોડાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 23,871 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમજ 1696 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.

MGVCLના 1700થી વધુ વીજ કર્મીઓ વીજ પુરવઠો પૂર્વવત કરવા કાર્યરત

અનરાધાર વરસાદથી પંચમહાલ, ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાના વિવિધ સબ સ્ટેશનમાં પાણી ભરાવાના અને વીજ પોલ પડી જવાના કારણે કુલ 569 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. આ તમામ ગામોમાં તાત્કાલિક ધોરણે વીજપુરવઠો પુનઃ સ્થાપિત કરવા MGVCLની 536 ટીમોના 1700થી વધુ વીજ કર્મીઓ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે.

વડોદરા આરોગ્ય તંત્રનો માનવીય અભિગમ

વડોદરામાં વરસી રહેલા અનરાધાર વરસાદમાં કોઇપણ સગર્ભા મહિલાને તકલીફ ન પડે તેવા પ્રયત્નો જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. હાલના સમયમાં પ્રસુતિ થવાની શક્યતા ધરાવતી આશરે 45 જેટલી સગર્ભા મહિલાઓને તંત્ર દ્વારા નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી છે. આ કેન્દ્રો ખાતે તબીબી નિરીક્ષણ હેઠળ સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.

વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે પીવાના પાણીના સ્ત્રોતોમાં ક્લોરીનેશનની કામગીરી પણ કરવામાં આવી રહી છે. વરસાદી પાણીથી પ્રભાવિત ગામોમાં આશ્રય સ્થાનો ઉપર રાખવામાં આવેલા ગ્રામજનોનું પણ તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ માટે આરોગ્યકર્મીઓ દ્વારા આશ્રય સ્થાનોની મુલાકાત લેવામાં આવી રહી છે.

આ પણ વાંચો – ગુજરાત વરસાદ : હજુ બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્ર માટે ભારે, હવામાન વિભાગની ખતરનાક આગાહી

રાજ્યભરમાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી રાહત-બચાવ કામગીરી

  • બોટાદના ખાંબડા ડેમામાંથી પાણી છોડવામાં આવે તો નીચાણવાળા ભાગોમાં રહેતા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતાઓને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા બરવાળા તાલુકાના ખાંબડા ગામના 198 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

  • મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે માળિયા તાલુકાના મોટા દહીંસરા 132 કે.વી. સબ સ્ટેશનમાં ફસાયેલા 6 કર્મચારીઓને બનતી ત્વરાએ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. બચાવ બાદ આ કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

  • ભારે વરસાદથી જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા, ફાયર વિભાગની 10 ટીમ ઉપરાંત એન.ડી.આર.એફના જવાનોએ 70 જેટલા નાગરિકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા.

  • દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પ્રસુતિની સંભાવના ધરાવતી 30 જેટલી સગર્ભા મહિલાઓને તબીબી નિરીક્ષણ માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી છે.

  • પંચમહાલ જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા આશરે 4,000 જેટલા નાગરિકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરાયા છે. આ ઉપરાંત અગમચેતીના ભાગરૂપે 20 જેટલા રસ્તાઓના કોઝ-વે પણ બંધ કરાયા છે.

  • મોરબી જિલ્લામાં મચ્છુ નદીનું જળ સ્તર વધતા સાવચેતીના ભાગરૂપે સામખીયાળીથી માળીયા સુધીના નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાંથી 10 ખાસ ટીમો દ્વારા નાગરીકોનું રહેવા, જમવા જેવી સુવિધા ધરાવતા 30 સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.

  • જામનગરમાં વહીવટી તંત્ર દ્વારા એરફોર્સની મદદથી વાડી વિસ્તારમાં ફસાયેલા 11 નાગરિકોનું રેસ્ક્યુ કરાયું હતું. લાલપુર તાલુકાના નવાગામમાં વાડી વિસ્તારમાં નાના બાળકો સહિત 11 લોકો ફસાયા હતા, જેની ગંભીરતા સમજી એરફોર્સના હેલિકોપ્ટરથી તેઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.

  • વડોદરા જિલ્લામાં નીચાણવાળા અને નદીની આસપાસ વસતા કુલ 8361 નાગરિકોને સલામત સ્થળે ખસેડી આશ્રય આપવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આ નાગરીકો માટે ભોજન, નાસ્તો સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ સાથે તેમનું હેલ્થ સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ