/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Gujarat-Today-Rainfall-Updates.jpg)
ગુજરાત વરસાદ અપડેટ્સ
Gujarat Rain Updates : ગુજરાત માં વરસાદ ની આગાહી મુજબ રાજ્યભરમાં શ્રીકાર વર્ષા થઈ છે. 246 તાલુકાઓમાં મનમુકીને વરસાદ ખાબક્યો છે. મધ્ય ગુજરાતમાં તો રીતસર મેઘરાજાએ તાંડવ મચાવ્યું હોય તેમ 56 તાલુકાઓ પાણી-પાણી થઈ ગયા છે. રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સૌથી વધુ વરસાદ પંચમહાલના મોરવા હડફમાં 13 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે, તો વડોદરા અને આણંદ જિલ્લાના પાદરા, બોરસદ અને વડોદરામાં પણ 12 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને તંત્ર દ્વારા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી, આ બેઠકમાં આગામી સમયમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
સરકાર દ્વારા જિલ્લામાં થયેલ ભારે વરસાદના કારણે સર્જાયેલા માનવ મૃત્યુ, નદી અને ડેમની સ્થિતિ, વીજળી પુરવઠા, પશુમૃત્યુ, એન.ડી.આર.એફ તેમજ એસ.ડી.આર .એફની ટીમોની કામગીરી અંગે સમીક્ષા કરી યોગ્ય માર્ગદર્શન આપી સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કર્યું હતું.
ભારે વરસાદને પગલે આવતી કાલે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવા અનુરોધ કર્યો હતો સાથોસાથ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજો જિલ્લામાં વરસાદ અંગેની પરિસ્થિતિ જાણીને તેમને શરૂ રાખવા સૂચનો કર્યા હતા.
તો વરસાદ બંધ થયા બાદ પાણી ભરાઈ ન રહે, રોગચાળો ન ફેલાય, બંધ રોડ-રસ્તા સત્વરે પૂર્વવત થાય, વીજ પુરવઠો ખોરવાય તો સત્વરે પૂર્વવત થાય, ડેમમાં પાણીની આવક થતાં પાણીની સપાટીનું સતત મોનીટરીંગ થાય, તે અંગે સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટને જરૂરી કાર્યવાહી કરવા મુખ્ય સચિવએ આદેશ આપ્યો હતો.
ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત
ગુજરાતમાં ભારે વરસાદને લઈ રેલવે વ્યવહાર પણ પ્રભાવિત થયો છે, રેલવે ટ્રેક પર પણી ફરી વળતા 7 જેટલી ટ્રેનો રદ કરવાની ફરજ પડી છે. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર વધુ પડતા પાણી ભરાવાને કારણે ટ્રેનોને અસર પહોંચી છે. તો જોઈએ કઈં કઈ ટ્રેનો રદ કરવી પડી છે?
રદ કરવામાં આવેલી ટ્રેનો
- ટ્રેન નંબર 19255 સુરત- 26 ઓગસ્ટ 2024ની મહુવા એક્સપ્રેસ
- ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ - 26 ઓગસ્ટ 2024ની હાપા એક્સપ્રેસ
- ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ - 26 ઓગસ્ટ 2024ની જામનગર એક્સપ્રેસ
- 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19033 વલસાડ-અમદાવાદ એક્સપ્રેસ
- ટ્રેન નંબર 09021 ઉધના- 26 ઓગસ્ટ 2024ની વડોદરા મેમુ
- 26 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 20950 એકતાનગર-અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ
- 27 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 20947 અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસ
ટ્રેનના ડાયવર્ટ કરેલા રૂટ
- ટ્રેન નંબર 12479 જોધપુર-બાંદ્રા ટર્મિનસ સૂર્યનગરી એક્સપ્રેસ ચંદેરિયા-રતલામ-ગોધરા-વડોદરા-સુરત થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
- ટ્રેન નંબર 22473 બિકાનેર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ચંદેરિયા-રતલામ-ગોધરા-વડોદરા-સુરત થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
- ટ્રેન નંબર 20483 ભગત કી કોઠી – દાદર એક્સપ્રેસ ચંદેરિયા-રતલામ-ગોધરા-વડોદરા-સુરત થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
- ટ્રેન નંબર 19028 જમ્મુતાવી-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ચંદેરિયા-રતલામ-ગોધરા-વડોદરા-સુરત થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
- ટ્રેન નંબર 22497 શ્રી ગંગાનગર-તિરુચિરાપલ્લી એક્સપ્રેસ ચંદેરિયા-રતલામ-ગોધરા-વડોદરા-સુરત થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
- ટ્રેન નંબર 22664 જોધપુર-ચેન્નાઈ એગમોર એક્સપ્રેસ ચંદેરિયા-રતલામ-ગોધરા-વડોદરા-સુરત થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
જન્માષ્ટમી - આજે ક્યાં કેવો વરસાદ પડ્યો? ચાર તાલુકાઓમાં 12 ઈંચથી વધુ વરસાદ
ગુજરાતમાં આજે સૌથી વધુ વરસાદ પંચમહાલના મોરવાહડફમાં 328 મીમી (13 ઈંચથી વધુ), આ સિવાય અન્ય ત્રણ તાલુકા જેમાં વડોદરાના પાદરામાં 309 મીમી, આણંદના બોરસદમાં 305 મીમી, વડોદરામાં 302 મીમી વરસાદ નોંધાયો હતો. ગોધરામાં 289 મીમી, નડીયાદમાં 278 મીમી, ખંભાતમાં 267 મીમી, આણંદમાં 261 મીમી, આણંદના તારાપુરમાં 240 મીમી, ટંકારામાં 233 મીમી, નખત્રાણામાં 232 મીમી, કચ્છના માંડવીમાં 216 મીમી, ખેડાના વાસોમાં 214 મીમી વરસાદ નોંધાયો હતો.
તો 22 તાલુકાઓમાં 6 ઈંચથી વધુ વરસાદ
આજે 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હોય તેવા તાલુકાની વાત કરીએ તો, સોજીત્રા 198 મીમી, શેહરા 197 મીમી, મોરબીમાં 195 મીમી, ગલતેશ્વર 194 મીમી, પેટલાદમાં 186 મીમી, હાલોલમાં 185 મીમી, ઝાંબુઘોડામાં 184 મીમી, સંતરામપુરમાં 182 મીમી, ઘોગંબામાં 182 મીમી, લીમખેડામાં 176 મીમી, દેસરમાં 174 મીમી, મહુધામાં 170 મીમી, બાલાસિનોરમાં 163 મીમી, સિંઘવાડ, મેહમદાબાદ અને ઉમરેઠમાં 161 મીમી, તો માતરમાં 157 મીમી, વઘાઈમાં 155 મીમી, ખેડામાં 154 મીમી, વાંકાનેરમાં 154 મીમી, ફતેપુરમાં 153 મીમી અને ધોળકામાં 152 મીમી વરસાદ નોંધાયો છે.
પાંચ તાલુકામાં 5 ઈંચ, તો 16 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ
વડોદરાના સાવલીમાં 144 મીમી, આણંદના આંકલાવમાં 144 મીમી, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 143 મીમી, અરવલ્લીના મેઘરજમા 141 મીમી તો પંચમહાલના કાલોલમાં 130 મીમી વરસાદ એમ પાંચ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ બાજુ પાટણના સિદ્ધપુરમાં 122 મીમી, ડાંગના સુબિરમાં 122 મીમી, અમદાવાદના દસક્રોઈમાં 122 મીમી, અમદાવાદ શહેરમાં 120 મીમી, જોડિયામાં 119 મીમી, ડાંગ-આહવામાં 118 મીમી, ખાનપુરમાં 115 મીમી, છોટા ઉદેપુર અને વાઘોડિયામાં 114 મીમી, રાજકોટમાં 113 મીમી, થાનગઢ, સંજેલી અને કઠલાલમાં 112 મીમી, ધંધુકામાં 108 મીમી, ઝાલોદમાં 106 મીમી અને ચોટીલામાં 105 મીમી વરસાદ ખાબક્યો છે.
આ સિવાય રાજ્યમાં 27 તાલુકામાં 3 ઈંચથી વધુ, તો 42 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ બાજુ 23 તાલુકામાં 1.50 ઈંચ વરસાદ, તો 20 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ અને 77 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
મંગળવારે કયા જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે સોમવારે રાજ્યના તમામ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું તો, હવે મંગળવાર માટે પણ 28 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ખેડા, મહિસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ તો દમણ અને દદાર નગર હવેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો - ગુજરાત વેધર અપડેટ્સ: 11 જિલ્લામા રેડ એલર્ટ, તમામ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રોડ રસ્તા જળમગ્ન, ડેમ ઓવરફ્લો
મંગળવારે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર, મંગળવારે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેથી છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ જોવા મળી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us