/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/Gujarat-Heavy-Rain.jpg)
ગુજરાતમાં ભારે વરસાદ
Gujarat Rain : ગુજરાતમાં અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા પાંચ-છ કલાકથી સળંગ વરસાદ વરસી રહ્યો છે જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ બાજુ મધ્ય ગુજરાતમાં પંચમહાલ, મહિસાગર જિલ્લામાં સવારથી સૌથી વધુ વરસાદ ખાબકી રહ્યો છે. જેને પગલે રસ્તાઓ નદી જેવા બન્યા છે. જન જીવન અસ્ત વ્યસ્ત થયેલું જોવા મળી રહ્યું છે. તો જોઈએ વરસાદને પગલે ક્યાં કેવી સ્થિતિ છે.
અમદાવાદ ભારે વરસાદ
અમદાવાદની વાત કરીએ તો, મોડી રાત્રથી અમદાવાદમાં સતત વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના અનેક રસ્તા નદી જેવા બન્યા છે. આજે રવિવાર હોવાથી તંત્ર પણ જાણે રજાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. નાગરીકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે અધિકારીઓ જોવા મળી રહ્યા નથી. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રહીશો હાલાકી ભોગવી રહ્યા છે. શહેરના રાણીપ, ઉસ્માનપુરા, વાડજ, ચાંદલોડીયા, પાલડી, એલિસબ્રિજ, નિર્ણયનગર તો પશ્ચિમ વિસ્તારમાં ઓઢવ, રખિયાલ, વિરાટનગર, રામોલ, મેમકો સહિતના વિસ્તરોમાં વધારે વરસાદ નોંધાયો છે.
મધ્ય ગુજરાતમાં અનેક ગામોમાં હાલત ખરાબ
મધ્ય ગુજરાતમાં ગઈકાલથી જ ભારે વરસાદ થઈ રહ્યો છે. દાહોદ, પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે. પંચમહાલના શહેરા, મોરવાહડફ અને ગોધરા તાલુકામાં સૌથી વરસાદ નોંધાયો છે. તો મહિસાગરના વીરપુરમાં પણ ભારે વરસાદથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જિલ્લાના અનેક ગામો પાણી-પાણી થઈ ગયા છે. હજુ પમ બે દિવસ ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે.
24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના મોરવા હડફમાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો છોટા ઉદેપુર શહેર, પંચમહાલના શહેરા અને દાહોદમાં 9 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ બાજુ, દાહોદના લીમખેડા, પંચમહાલના ગોધરા, મહિસાગરના લુણાવાડા, દાહોદના ગરબાડા, પંચમહાલના જાંબુઘોડામાં 6થી 7 ઈંચ વરસાદ નોંધયો છે. મહિસાગરના સંતરામપુર અને વીરપુરમાં 6 ઈંચથી વધુ, દાહોદના ફેતેપુરા અને ઝાલોદમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. છોટા ઉદેપુરના જેતપુર પાવી, દાહોદના દેવગઢ બારિયા, અરવલ્લીના બાયડ અને ધનસુરા, દાહોદના સિંઘવાડ, મહિસાગરના બાલાસિનોર, છોટાઉદેપુરના બોડેલી, કાવંત, નર્મદાના સગબારા, દાહોદના ધાનપુર, સંજેલીમાં ચારથી પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય સાત તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/image-16.png)
સરદાર સરોવર ડેમમાં પાણી છોડાતા અનેક ગામોમાં સ્થળાંતર
સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નળીયા કિનારાના ડભોઈ તાલુકાના ગામડાઓ અસર પામ્યા છે. કરનાળી ગામે SDRF અને પોલીસ સ્ટાફની મદદથી નાગરિકોનું રેસક્યું કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કલેકટર અતુલ ગોર સહિત અધિકારીઓ નદી કિનારાના ગામોની પરિસ્થિતિ ઉપર સતત દેખરેખ રાખી કોઈ જાનહાનિ ન થાય તે માટેની તમામ કાળજી લેવા સાથે બચાવ કામગીરી માટે NDRF અને SDRF ની ટીમો અસરગ્રસ્ત ગામડાંઓમાં તૈનાત કરવામાં આવી છે.
નર્મદા નદીમાં પાણીનાં પ્રવાહને ધ્યાને રાખીને રાત્રીથી જ નદી કાંઠાના નીચાણવાળા ઘરોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. શનિવારના રાત્રીના ૧૦.૩૦ વાગ્યા સુધીમાં ૨૫૦ લોકોના એક જથ્થાને સલામત સ્થળે લઇ જવામાં આવ્યા હતા. પ્રાથિમક શાળાઓ કે આશ્રમોમાં આ લોકોને આશ્રય આપવામાં આવ્યો હતો.
ખાસ કરીને કરજણ તાલુકાના નાની કોરલ આખા ગામને સ્થળાંતરિત કરવામાં આવ્યું છે. રાહત અને બચાવની કામગીરીમાં એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા પણ તુરંત કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૮ લોકોનો બચાવ કરવામાં આવ્યો છે. જેમાં સાયર ગામે ૧૦, દિવાબેટ ખાતે ૩, કરનાળી ખાતેથી ૨ અને અંબાલી ગામેથી ૧૩ વ્યક્તિઓને પાણીમાંથી બહાર કાઢી સલામત સ્થળે લઇ જવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૧૪૦૦થી વધુ લોકોને વિવિધ સ્થળોએ આશ્રય આપવામાં આવ્યો છે.
નર્મદા જિલ્લાની તમામ શાળા-કોલેજો બંધ રાખવા આદેશ
ભારે વરસાદની આગાહીને પગલે તંત્રએ નર્મદા જિલ્લાની શાળા-કોલેજો બે દિવસ માટે બંધ રાખવા આદેશ કર્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. 16થી 18 સુધી નર્મદા જિલ્લા તેમજ મધ્યપ્રદેશના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી (રેડ એલર્ટ) આપવામાં આવેલ છે. ભારે વરસાદના પગલે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલ આંગણવાડી, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આઇ.ટી.આઇ. તથા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો હુકમ નર્મદા જિલ્લા અધિક મેજીસ્ટ્રેટરી સી.એ. ગાંધી દ્વારા એક જાહેરનામા દ્વારા કરાયો છે. આ જાહેરનામાનો બંધ કરનાર વ્યક્તિ તથા કૃત્ય માટે પ્રેરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ ની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us