Gujarat Accident : ગુજરાતના સુરેન્દ્રનગરના લખતર તાલુકાના વણા ગામ પાસે રાજ્ય પરિવહન (ST) બસ પલટી જતાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે 40 પોલીસ તાલીમાર્થીઓ ઘાયલ થયા હતા. બસ બનાસકાંઠાથી શરૂ થઈને જૂનાગઢ જઈ રહી હતી.
મૃતક વ્યક્તિની ઓળખ 35 વર્ષીય કેલા ભુવા તરીકે થઈ છે. તે એસટી બસનો કંડક્ટર હતો. આ વ્યક્તિએ રાજકોટ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ જીવ ગુમાવ્યો હતો.
ગિરીશ પંડ્યા, પોલીસ અધિક્ષક (સુરેન્દ્રનગર) એ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “અકસ્માત મધ્યરાત્રિની આસપાસ થયો હતો. જ્યારે અકસ્માત બન્યો ત્યારે અમારી પ્રાથમિકતા ઘાયલોને હોસ્પિટલ લઈ જવાની હતી. બસ પલટી જવા પાછળનું કારણ સમજવા માટે હાલમાં તપાસ ચાલી રહી છે.”
તપાસ અધિકારી નીતિનદન ગઢવીએ જણાવ્યું હતું કે, “ચાલીસ પોલીસ તાલીમાર્થીઓ તેમના ડેપ્યુટી સેક્શન ઓફિસરની પરીક્ષા આપીને એસટી બસમાં પાછા આવી રહ્યા હતા, ત્યારે અકસ્માત થયો હતો. પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરની બેદરકારીના કારણે અકસ્માત થયો હોવાનું જણાય છે.”
મોટાભાગના ઘાયલોને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં અને એકને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો – Road Accident : ગુજરાતના અરવલ્લીથી નજીક રાજસ્થાન રતનપુર બોર્ડર પાસે જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત, 9 ના કરૂણ મોત
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર રતનપુર ચેકપોસ્ટ પાસે જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 9 લોકોના મોત થયા હતા, જ્યારે 10 જેટલા લોકો ઘાયલ થયા હતા. પોલીસ અનુસાર, જીપની બ્રેક ફેઈલ થતા જીપ ટ્રક પાછળ ઘુસી ગઈ હતી જેમાં જીપમાં બેઠેલા મુસાફરો અકસ્માતનો ભોગ બન્યા હતા, તથા જીપમાં તેની કેપિસીટી કરતા ડબલ પેસેન્જર બેઠેલા હતા.





