Young people die of heart attacks in Gujarat : યુવાનોમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાર્ટ એટેકની સમસ્યા પહેલા વૃદ્ધ લોકોમાં જોવા મળી રહી હતી, પરંતુ કેટલાક સમયથી ભારતમાં યુવાનોમાં પણ આનો ભોગ બની રહ્યા છે. તેમાં પણ કોરોના કાળ પછી યુવાનોમાં હાર્ટ એટેકની સમસ્યા વધારે જોવા મળી છે. હાર્ટ એટેકથી ગુજરાતમાં 30 દિવસમાં 6 યુવાનોના મોત થયા છે. જેમાં પાંચ યુવાનોના ક્રિકેટ રમતા અને એક યુવાનનું ફૂટબોલ રમતા સમયે મોત થયું છે. તો જોઈએ કે, હાર્ટ એટેક કેમ થાય છે? તેના માટે શું કાળજી રાખવી જોઈએ? કેમ યુવાનોમાં હાર્ટ એટેકની સમસ્યા વધી રહી? કઈ કઈ જગ્યાએ હાર્ટ એટેકથી યુવાનના મોત થયા? જોઈએ તમામ પ્રશ્નોના જવાબ.
30 દિવસમાં 6 યુવાનોના ક્રિકેટ-ફૂટબોલ રમતા હાર્ટ એટેકથી મોત
અમદાવાદમાં 1 યુવાનનું ક્રિકેટ રમતા મોત
અમદાવાદના ભાડજમાં એક યુવાનનું શનિવારે ક્રિકેટ રમતા-રમતા હાર્ટ એટેકથી મોતનો મામલો સામે આવ્યો હતો. આ યુવાનનું નામ વસંત રાઠોડ હોવાનું સામે આવ્યું છે. તે સરકારી નોકરી કરતો હતો. અમદાવાદ બચત ભવનનો કર્મચારી હતો અને ભાડજના મેદાનમાં GST ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ટીમ વચ્ચે ક્રિકેટ રમાઈ રહી હતી તે સમયે તે બોલીંગ નાખી રહ્યો હતો તે સમયે તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત નિપજ્યું.
રાજકોટમાં 4 યુવાનોના મોત
રવિવારે 19 માર્ચે મયૂર મકવાણા નામના યુવકનુંમોત નિપજ્યું છે. સોની કામ કરતા પરણિત યુવાનનું પણ રાજકોટના રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ રમતા અચાનક આવેલા કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત થઈ ગયું.
રાજકોટમાં આ પહેલા રવિવારે એક યુવાનનું ક્રિકેટ રમતા મોત નિપજ્યું હતુ. આ યુવાનનું નામ જીગ્નેશ ચૌહાણ હતુ. રાજકોટના રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ રમતા-રમતા હાર્ટ એટેક આવ્યો હતો, જીગ્નેશ મીડિયા ગ્રુપમાં નોકરી કરતો હતો.
રાજકોટથી જ અન્ય એક યુવાનનું 15 ફેબ્રુઆરીએ ક્રિકેટ રમતા મોત નિપજ્યું હતુ. ડીસાનો એક યુવાન જે રાજકોટમાં તેના ભાણેજના લગ્ન પ્રસંગ માટે આવ્યો હતો, જેનું નામ ભરત બારૈયા છે. જેને ક્રિકેટ રમતા અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થયું હતુ.
રાજકોટની ચોથી ઘટનાની વાત કરીએ તો. રવિ વાગડે નામનો યુવક 30 જાન્યુઆરીએ મિત્રો સાથે રેસક્રોસ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા ગયો હતો, જ્યાં ટેનિસનો બોલ તેને છાતીમાં વાગ્યો હતો. તો પણ તેને રમવાનું ચાલુ રાખ્યું હતુ. ત્યારબાદ છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેનું મોત થયું હતુ.
ફૂટબોલ રમતા એક યુવકનું મોત
થોડા દિવસ પહેલા ફૂટબોલ રમતા-રમતા એક યુવાનનું મોત થયું હતુ. ફૂટબોલ રમતી વખતે હાર્ટ ઍટેક આવતા મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા મૂળ ઓરિસ્સાના 21 વર્ષીય યુવક વિવેક કુમારનું મોત થયું હતુ.
સુરતમાં એકનું મોત
સુરતથી પણ એક યુવાનનું ક્રિકેટ રમતા મોત થયાના સમાચાર ગત રવિવારે સામે આવ્યા હતા. આ ઘટનામાં પ્રશાંત નામનો યુવાન જે કેનેડામાં સિવિલ એન્જિનિયરીંગનો અબ્યાસ કરતો હતો. કેનેડાથી થોડા દિવસ પહેલા જ સુરત આવ્યો હતો, અને મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો. અહીં છાતીમાં દુખાવો ઉપડ્યો અને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતુ. ડોક્ટરોએ મોતનું કારણ હાર્ટ એટેક કહ્યું હતુ.
અન્ય દેશ કરતા ભારતમાં હાર્ટ એટેકની 33 ટકા વધારે સમસ્યા
ઈન્ડિયન હાર્ટ એસોસિએશનનું કહેવું છે કે, ભારતીયોમાં અન્ય દેશોના લોકોની તુલનામાં 33 ટકા વધારે હાર્ટ એટેકની સમસ્યા થાય છે. અનેક રિસર્ચમાં વાત સામે આવી છે કે, ભારતીય યુવાનોમાં હાર્ટ એટેકની સમસ્યા સૌથી વધારે છે. તો જોઈએ કેમ યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે.
યુવાનોમાં હાર્ટ એટેક વધવાનું કારણ શું છે
અનેક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે, ખરાબ જીવનશૈલી, ડાયાબિટિસ, આલ્કોહોલનું વધારે પડતુ સેવન, સ્મોકિંગ, અને હાઈપરટેન્શનના કારણે યુવાનોમાં નાની ઉંમરે યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે.
હાર્ટ એટેક કેમ આવે છે
હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડો. ગાંધીએ જણાવ્યું કે, જ્યારે શરીરની નશોમાં લોહીનો પ્રવાહ તેની યોગ્ય ક્ષમતા પ્રમાણે વહેતો નથી અને નસોમાં લોહી જામવા લાગે છે, જેને ક્લોટિંગ કહેવાય છે. આ ક્લોટિંગના કારણે લોહીને હૃદય સુધી પહોંચવામાં પરેશાની થાય છે. આ સાથે હૃદયને ઓક્સિજન મળવાનું બંધ થાય છે, જે હાર્ટ એટેકનું કારણ બને છે.
આ પણ વાંચો – સતીશ કૌશિકનું હૃદયરોગના હુમલાથી થયું અવસાન: 60 થી વધુ ઉંમરના લોકો માટે કેટલાક ચેતવણી ચિહ્નો, જાણો અહીં
હાર્ટ એટેકથી બચવા શું કાળજી રાખવી જોઈએ
- યુવાનોએ ધુમ્રપાન અને નશિલા પદાર્થથી દુર રહેવું જોઈએ
- હાર્ટને હેલ્થી રાખવા ડાયટનું ધ્યાન રાખવું જોઈએ. ડાયટમાં વધારેમાં વધારે ફળ અને શાકભાજીનું સેવન કરવું જોઈએ.
- બોડીને એક્ટિવ રાખો. વારંવાર કસરત કરવાનું રાખો
- વજન ઓછુ કરવું. જંક ફૂડ ખાવાનું ટાળો
- ડાયાબિટિસ, હૃદય રોગ અને હાઈ બીપીથી પીડિત હોવ તો, ડાયટને કંટ્રોલ કરો અને દવાઓનું સમયસર સેવન કરો.