ગુજરાતના સુરત શહેરમાં એક પાવર સ્ટેશનનો 30 વર્ષ જૂનો કૂલિંગ ટાવર મંગળવારે કન્ટ્રોલ એક્સપ્લોઝિવ ટેકનોલોજી બ્લાસ્ટ વડે તોડી પાડવામાં આવ્યો છે. ગેસ આધારિત પાવર સ્ટેશન ખાતે આવેલો આશરે 72 મીટર વ્યાસ ધરાવતો 85 મીટર ઊંચો RCC ટાવર સવારે 11:10 વાગ્યે ધ્વસ્ત કરવામાં આવ્યો છે.
220 કિલો વિસ્ફોટનો ઉપયોગ કરાયો
અધિકારીઓએ જણાવ્યું હતું કે, 85 મીટર ઉંચા કુલિંગ ટાવરને તોડી પાડવા માટે તેના ટાવરના 72 પિલોરમાં એક સાથે બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા, જેની માટે 220 કિલો કોમર્શિયલ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કન્ટ્રોલ એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેકનોલોજીની મદદથી 85 મીટર ઉંચો RCC ટાવર માત્ર સાત સેકન્ડની અંદર ધડાકા સાથે ધ્વસ્ત થઇ ગયો હતો. ટાવર ધ્વસ્ત થયા બાદ તેની આસપાસના વિસ્તારમાં દૂર સુધી ધૂળના રજકણો હવામાં ઉડવા લાગ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે, પીલરનું ખોદકામ કર્યા બાદ તેમાં વિસ્ફોટક પદાર્થને ગોઠવવામાં આવ્યા હતા અને આ કામગીરીમાં નિષ્ણાંતોની મદદ લેવાઇ હતી.
ઇન્ચાર્જ એડિશનલ ચીફ એન્જિનિયર આર.આર. પટેલે જણાવ્યું કે, “આ કુલિંગ ટાવર, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનના 135 મેગાવોટ પાવર પ્લાન્ટનો ભાગ હતો અને તેનો ઉપયોગ ઠંડક માટે કરવામાં આવતો હતો. તેની ઊંચાઈ 85 મીટર હતી અને નીચેનો વ્યાસ 72 મીટર હતો.” તેમણે ઉમેર્યું કે, ગેસ આધારિત પાવર પ્લાન્ટમાં 375 મેગાવોટ ક્ષમતાનો બીજો પ્લાન્ટ છે અને હાલ કાર્યરત છે.
લોકોને ટાવરથી દૂર લઇ જવામાં
85 મીટર ઉંચા કુલિંગ ટાવરને બ્લાસ્ટ વડે ડિમોલિશન કરતી વખતે કોઇ અનિચ્છનિય ઘટના ન બને તેની ખાસ સાવચેતી રાખવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે, તાપી નદીના કિનારે સ્થિત પાવર સ્ટેશનની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને ટાવરથી લગભગ 250-300 મીટર દૂર લઇ જવામાં આવ્યા હતા.
ટાવરનું નિર્માણ 1993માં થયું, શા માટે ધ્વસ્ત કરાયો
વર્ષ 1993માં પાવર પ્લાન્ટમાં કુલિંગ ટાવરનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જો કે સમયાંતરે ટેકનો-કોમર્શિયલ કારણોસર તેનું ડિમોલેશન કરવું જરૂરી બન્યું. આ ટાવરને કન્ટ્રોલ એક્સપ્લોઝિવ બ્લાસ્ટ વડે તોડી પાડવા માટે વર્ષ 2017માં સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીની મંજૂરી મેળવવામાં આવી હતી. સપ્ટેમ્બર 2021માં ડિમોલિશન પ્રક્રિયા શરૂ થઈ અને બોઈલર, જનરેટર, ટર્બાઈન અને ટ્રાન્સફોર્મર્સ તોડી પાડવામાં આવ્યા હતા.
કન્ટ્રોલ એક્સપ્લોઝિવ બ્લાસ્ટ શું છે?
કન્ટ્રોલ એક્સપ્લોઝિવ ટેકનોલોજીએ કોઇ બ્લાસ્ટ કે વિસ્ફોટ કરીને કોઇ વસ્તુને જમીનદોસ્ત કરવાની એક રીત છે. વિદેશમાં વર્ષથી પ્રચલિત આ ટેકનોલોજીનો ઉપયોગ હવે ધીમે ધીમે ભારતમાં પણ શરૂ થયો છે. આ સાયન્ટિફિક ટેકનોલોજીનો ઉપયોગ ઉંચી બિલ્ડિંગો અને ગંગનચુંબ ઇમારતોને સુરક્ષિત રીતે ગણતરીની સેકન્ડોમાં કરવા માટે કરાયા છે. આ ટેકનોલોજીમાં કોઇ પણ બિલ્ડિંગ કે ઇમારતન દરેક પિલરમાં વિસ્ફોટ વડે એક સાથે બ્લાસ્ટ કરવામાં આવે છે. બ્લાસ્ટ થાય ત્યાર ઇમારતનો કાટમાટ એક સાથે જમીન પર નીચે પડે છે. આ ટેકનોલોજીમાં જે ઇમારત કે બિલ્ડિંગ ધ્વસ્ત કરવામાં આવે છે તેની આસપાસના ઘર-મકાનોને કે કોઇ અન્ય બાંધકામને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી.