Gujarat Important News : ગુજરાતના મહત્ત્વના સમાચાર પર નજર કરીએ તો, ધોરણ ધોરણ-12 સાયન્સમાં પાસ થયેલા 8 હજાર જેટલા પાસ થયેલા વિદ્યાર્થી પૂરક પરીક્ષા આપી પોતાનું પરિણામ સુધારવા પ્રયત્ન કરશે, તો પાટણ જિલ્લાના શંખેશ્વરમાં 12 વર્ષથી રિસાઈને પિયર જતી રહેલ પરણિતાએ સમાધાન હેઠળ સાસરીમાં આવી બદલો લેવા સાસરીયાઓને જમવામાં ઝેર આપી મારી નાખવાનો પ્રયાસ કર્યો, જેમાં એકનું મોત તો બીજો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે, આ બાજુ કાળઝાળ ગરમીના કારણે જંગલના રાજા સિંહની હાલત પાણી વગર ખરાબ થઈ રહી છે. તો ગુજરાતમાં ભાજપના બે કોર્પોરેટરોને બાળકો વિશે ખોટી માહિતી આપતા ગેરલાયક ઠેરવી પદ છીનવી લેવામાં આવ્યા છે.
ગુજરાતમાં પ્રથમ વખત ધોરણ 12 સાયન્સમાં પાસ થયેલા વિદ્યાર્થી પરિણામ સુધારવા ફરી પરીક્ષા આપશે
સૌપ્રથમ ધોરણ 12 સાયન્સ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાની વાત કરીએ તો, 8 હજાર જેટલા પાસ થયેલા વિદ્યાર્થી પોતાનું પરિણામ સુધારવા માટે ફરી પરીક્ષા આપશે, તો તેમની સાથે નાપાસ થયેલા અને ગેરહાજર રહેલા હોય તેવા પણ 26 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પૂરક પરીક્ષા આપશે. આમ ધોરણ-12 સાયન્સની 24 જૂનના રોજથી શરૂ થનારી પૂરક પરીક્ષા માટે રાજ્યના 34 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. મહત્તવની વાત એ છે કે, શિક્ષણ બોર્ડ દ્વારા પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષા આપી શકે તેવો નિર્ણય લેવાયો હતો, જે અંતર્ગત પ્રથમ વખત પાસ થયેલા 8 હજાર વિદ્યાર્થી પરિણામ સુધારવા પરીક્ષા આપવા જઈ રહ્યા છે.
પાટણ : શંખેશ્વરમાં રિસાયેલી પરિણીતાએ સાસરીયાને જમવામાં ઝેર આપ્યું, દિયરનું મોત, સસરા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા
પાટણના શંખેશ્વર તાલુકામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે, જેમાં પરિણાતાએ સાસરીયા સાથે બદલો લેવા જમવામાં ઝેરી પદાર્થ ભેળવી દઈ આખા પરિવારને પતાવી દેવાનો પ્લાન બનાવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, શંખેશ્વરના ધનોરા ગામમાં આરોપી મહિલા જયાબેન ગોસ્વામી, જે 12 વર્ષથી રિસાયી પિયરે રહેતી હતી, સમાજે સમાધાન કરાવી સાસરીમાં મોકલી, તેને સાસરીમાં જવું ન હતું, જેથી બદલો લેવા તેણે સાસરીયાને પતાવી દેવા જમવામાં ઝેરી પદાર્થ ભેળવી દીધો, જે જમતા દીયર મહાદેવગીરીનું મોત થયું છે, જ્યારે સસરા ઈશ્વરગીરીએ પણ ઝેરવાળુ ભોજન લેતા હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
અમરેલી, સાવરકુંડલા : કાળઝાળ ગરમીમાં જંગલના રાજા સિંહના પાણી માટે વલખા
કાળઝાળ ગરમીથી રાજ્ય સહિત દેશના તમામ લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે અમરેલીથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જંગલનો રાજા સિંહ પાણી માટે વલખા મારી રહ્યો છે. આ વીડિયો અમેરલી જિલ્લાના સાવરકુંડલાના ઘોબા ગામની મેરામણ નદીની આસપાસનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જ્યાં સિંહ ખાડો ગાળીને ગરમીથી બચવા પ્રયત્ન કરી રહ્યો છે.
ગુજરાત : દામનગર નગરપાલિકાના બે કાઉન્સીલરે બાળકો વિશે ખોટી માહિતી આપતા પદ ગુમાવ્યું
ગુજરાતના અમરેલી જિલ્લાની દામનગર નગરપાલિકાના કાઉન્સિલર ખીમા કસોટિયા અને મેઘના બોખા 2021 માં નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા હતા, તેમણે તેમના સોગંધનામામાં બે બાળકો હોવાનો ઉલ્લેખ કર્યો હતો, જોકે, બંને કાઉન્સિલરને ત્રીજુ બાળક હોવાથી અમરેલી જિલ્લા કલેક્ટરે બંને કાઉન્સિલરોને ગેરલાયક ઠેરવી કાર્યવાહી શરૂ કરી છે. બંને દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે, અમે કાયદાથી અજાણ હતા, અને કલેક્ટરના આદેશને સ્વિકારી કહ્યું કે, સભ્ય તરીકે ફરજ બજાવતા સમયે ત્રીજુ બાળક જન્મે તો તેની પદ પર અસર ન થવી જોઈએ, અમે કાયદા અને નિયમ મુજબ કોર્ટમાં કેસને પડકારીશું.
આ પણ વાંચો – Gujarati News 24 May 2024 LIVE : અકસ્માત : વૈષ્ણોદેવી જતી બસ ટ્રોલી સાથે અથડાઈ, એક જ પરિવારના 7 ના મોત, 20 ઘાયલ
મોડાસામાં નકલી કચેરી કૌભાંડમાં ભાજપના નેતાના વેવાઈની સંડોવણી
અરવલ્લી જિલ્લાના મોડાસાામાં ઈ સિંચાઈ વિભાગની નકલી કચેરી કૌભાંડનો પર્દાફાશ થયો છે. મહત્વની વાત એ છે કે, ભાજપના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જ જનતા રેડ પાડી આ કચેરીનો પર્દાફાશ કર્યો છે. સૂત્રો અનુસાર, ભાજપના નેતા ભીખાજી ઠાકોરના વેવાઈની આ કચેરીમાં સંડોવણી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ બાજુ પોલીસે મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરૂ કરી છે, ગાંધીનગર સચિવ કક્ષાથી કલેક્ટરને તપાસના આદેશ આપવામાં આવ્યા છે, ભાજપના ધારાસભ્યએ સરકારી અધિકારીઓની આમાં સંડોવણીનો આક્ષેપ કર્યો છે, આ મામલે અરવલ્લી જિલ્લાનું રાજકારણ ગરમાઈ ગયું છે.





