Gujarat Today News in Gujarati, 4th July 2024 : ગુજરાતના આજના લેટેસ્ટ સમાચારોની વાત કરીએ તો, રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ યથાવત છે, તો અમદાવાદમાં રથયાત્રાની તાડામાર તૈયારી ચાલી રહી છે, પોલીસ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવશે. આ બાજુ ભરૂચમાં પતિ પત્ની વચ્ચે ઝગડા બાદ પત્નીએ આત્મહત્યા કરી તો પતિએ બાળકની હત્યા કરી ટ્રેન નીચે પડતું મુકતા પૂરો પરિવાર ખતમ થઈ ગયો. તો જામનગરમાં કોલેરા ફાટી નીકળ્યો છે. સાત કેસ નોંધાતા સરકારી તંત્ર દોડતુ થયું, અનેક પ્રતિબંધો લાદ્યા. આ સિવાય કચ્છમાં બુટલેગરને દારૂની હેરાફેરીમાં સાથ આપનાર સીઆઈડી મહિલા કોન્સ્ટેબલને જામીન મળી ગયા છે, પરંતુ નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. તો વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીનો ગાળિયો કસાયો છે.
ગુજરાત વરસાદ : ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જબરદસ્ત બેટિંગ
ગાંધીનગર : સૌપ્રથમ વરસાદની વાત કરીએ તો, રાજ્યમાં વહેલી સવારથી ઉત્તર ગુજરાત, અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે, તો રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદી વાતાવરણ છવાયું છે. આજે સવારથી બપોર સુધીમાં સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં 8 ઈંચ વરસાદ તો નર્મદાના તીલકવાડામા પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી બાજુ હવામાન વિભાગે આજે ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી રેડ એલર્ટ જાહેર કર્યું છે.
અમદાવાદ રથયાત્રા : 12600 પોલીસ કર્મચારીઓ-અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત હશે, રવિવારે રથયાત્રા રૂટ નો-પાર્કિંગ ઝોન
અમદાવાદ રથયાત્રા રવિવારે યોજાશે, જેને પગલે જગન્નાથ મંદિરમા તાડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે રથયાત્રા રંગેચંગે પૂર્ણ થાય તે માટે સુરક્ષાને લઈ પોલીસ તંત્ર પણ સજ્જ થઈ ગયું છે. રથાયાત્રાના બંદોબસ્ત માટે 12600 જેટલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ જોડાશે, ત્યારે સાથે એસઆરપીની 30 કંપનીઓ રથયાત્રાના બંદોબસ્તમાં ભાગ લેશે. આ સિવાય રથયાત્રાના રૂટ ને નો પાર્કિંગ ઝોનજાહેર કરવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નરે તા. 6 જુલાઈ 2024 ના રોજ, રથયાત્રા શરૂ થાય ત્યારથી પૂર્ણ થાય ત્યાં સુધી આ આદેશ રહેવાની જાહેરાત કરી છે.
ભરૂચ સામુહિક આપઘાતથી અરેરાટી! પત્નીએ આત્મહત્યા કરી, પતિએ બાળકની હત્યા કરી ટ્રેન નીચે પડતુ મુક્યું
ભરૂચ માં એક જ પરિવારના ત્રણ લોકોના મોતના સમાચારથી શહેરમાં અરેરાટી ફેલાઈ હતી. ભરૂચના રેલવે કોલોની વિસ્તારમાં પતિ પત્ની વચ્ચે થયેલા ઝગડા બાદ પૂરો પરિવાર ખતમ થઈ ગયો છે. મળતી માહિતી અનુસાર, ઝગડા બાદ પહેલા પત્નીએ આપઘાત કર્યો ત્યારબાદ પતિએ માસૂમ પુત્રની હત્યા કરી દીધી હોવાની શંકા લગાવવામાં આવે છે, અને પછી પોતે પણ ટ્રેન નીચે પડતુ મુકી મોતને ભેટ્યો છે. પોલીસે આ મામલે ત્રણેની લાશને પીએમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે.
જામનગર : શહેરમાં કોલેરા ફાટી નીકળ્યો, અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા
રાજકોટ પછી, જામનગર શહેરમાં કોલેરા ફાટી નીકળ્યો હોવાની જાણ થતા રાજ્યનું આરોગ્ય તંત્રથી લઈ વહીવટી તંત્ર દોડતુ થઈ ગયું છે. રાજકોટ બાદ જામનગર સૌરાષ્ટ્રનો બીજો જિલ્લો બન્યો છે. જ્યાં કોલેરાના કેસ જોવા મળ્યા છે. કલેક્ટર અનુસાર, શહેરમાં કોલેરાના સાત કેસો નોંધાયા છે, જેને પગલે આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. કલેક્ટરે આ મામલે અસરગ્રસ્ત વિસ્તારના બે કિમીના એરિયામાં આરઓ પાણી, તથા છૂટક કાપીને વેચવામાં આવતા ફળ તથા અનપેકિંગ ફૂડના વેચાણ પર પ્રતિબંધનો આદેશ જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારને તથા તે પહેલા કચ્છના માંડવીમાં પણ કોલેરાના કેસ નોંધાયા હતા. તંત્ર દ્વારા ઉકાળેલુ પાણી પીવાની અને વાસી ખોરાક ન ખાવાની સલાહ આપવામાં આવી છે.
કચ્છ દારુ હેરાફેરી મામલો: સીઆઈડી મહિલા કર્મીને જામીન મળ્યા, સેવામાંથી સસ્પેન્ડ કરાઈ
કચ્છ ના ભચાઉમાં પોલીસ દ્વારા ગાડી ચેકિંગ થાર કાર દ્વારા પોલીસને કચડવાનો પ્રયાસ કરી ભાગવાની કોશિસ કરનાર થાર કારને પોલીસે આંતરી જપ્તી કરી હતી. આ કારમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, આ કેસમાં કારમાં હાજર બુટલેગર અને એક મહિલા સીઆઈડી પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. આ કેસમાં કોર્ટે મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીને જામીન આપ્યા છે, પરંતુ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તેણીને પોલીસ સેવામાંથી સસ્પેન્ડ કરવામા આવી છે.
વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસ મામલો: પૂર્વ નગરપાલિકા અધિકારીઓના તપાસની દરખાસ્ત
ગુજરાત હાઈકોર્ટે ગયા અઠવાડિયે હરણી તળાવના વિકાસ અને સંચાલન માટે કોટિયા પ્રોજેક્ટ્સને કોન્ટ્રાક્ટ આપવા બદલ વડોદરા મ્યુનિસિપલ કમિશનરને ક્લીન ચિટ આપતા તપાસ અહેવાલ પર નારાજગી વ્યક્ત કર્યા પછી, જ્યાં જાન્યુઆરીમાં બોટ પલટી જવાથી 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મોત થયા હતા. 19, રાજ્ય સરકારે બુધવારે કોર્ટને જણાવ્યું હતું કે તે તત્કાલિન પૂર્વ કમિશનરો સામે શિસ્તબદ્ધ તપાસ હાથ ધરવાની દરખાસ્ત કરે છે. તમને જણાવી દઈએ કે, મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેંચે મુખ્ય સચિવ (શહેરી વિકાસ) અશ્વિની કુમાર દ્વારા રજૂ કરાયેલ તપાસ અહેવાલ અને તત્કાલીન કમિશનરોના અંતે કોઈ ખામી સ્પષ્ટપણે સ્પષ્ટ કરવામાં રિપોર્ટની નિષ્ફળતા પ્રત્યેની નારાજગીને પુનરાવર્તિત કર્યા પછી સરકાર દ્વારા આ રજૂઆત આવી હતી.
આ પણ વાંચો – ગુજરાત વરસાદ : સાવધાન! આજે ચાર જિલ્લામાં રેડ એલર્ટ, તો 15 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
સુરત : સિમેન્ટ કોંક્રીટથી ભરેલા પ્લાસ્ટિકના ડ્રમમાંથી મહિલાની લાશ મળતા ચકચાર
સુરતના સચિન ખાતે મંગળવારે સાંજે એક મહિલાનો મૃતદેહ સિમેન્ટ કોંક્રીટથી ભરેલા 200 લીટરના પ્લાસ્ટિકના બેરલમાં ફેંકાયેલો મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, સ્થાનિક રહેવાસી આફતાબ આલમ સૈયદ જ્યારે ભાનોદ્રા ગામ પાસે હતો ત્યારે તેણે બેરલને જોયો હતો. એક અધિકારીએ નામ જાહેર ન કરવાની વિનંતી કરતાં જણાવ્યું હતું કે, “જ્યારે તેણે બેરલ તપાસ્યું, ત્યારે તેને પગ સિમેન્ટ કોંક્રીટમાંથી ચોંટેલા જોવા મળ્યા. ત્યારબાદ તેણે સચિન પોલીસને જાણ કરી હતી, તો હોસ્પિટલે શરીર પર પોસ્ટમોર્ટમ પરીક્ષા હાથ ધરી અને અહેવાલ આપ્યો કે મૃત્યુનું કારણ ગળું દબાવવામાં આવ્યું હતું”. પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી.





