/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Gujarat-Unseasonal-rain-forecast-1.jpg)
ગુજરાત કમોસમી વરસાદ આગાહી (ફાઈલ ફોટો - એક્સપ્રેસ)
Gujarat Today Unseasonal Rain Forecast : ગુજરાત માં ભર ઉનાળે વાતાવરણમાં આવેલા પલટાથી કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. ગઈકાલે કચ્છ સહિત ઉત્તર ગુજરાતના જિલ્લામાં હળવા ઝાપટા પડ્યા હતા. તો આજે કયા જિલ્લામા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે તે જોઈએ.
હવામાન વિભાગ આગાહી
હવામાન વિભાગ અનુસાર, ગઈકાલનું દક્ષિણ રાજસ્થાન અને અડીને આવેલા ઉત્તર ગુજરાત પરનું ચક્રવાતી પરિભ્રમણ હવે દક્ષિણ - પશ્ચિમ રાજસ્થાન અને પાડોશમાં પ્રેરિત નીચા દબાણ ક્ષેત્ર તરીકે હજુ યથાવત છે, જેથી આ વિસ્તારમાં આજે ભારે પવન સાથે વરસાદની પુરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આજે ક્યાં કમોસમી વરસાદ પડી શકે છે
હવામાન વિભાગ અનુસાર, આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને સુરત જિલ્લામાં તથા સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં, તો આ બાજુ કચ્છના કેટલાક તાલુકાઓમાં તો દીવમાં પણ વીજળીના કડાકા ભડાકા અને 30-40 કિમીની ઝડપે પવન સાથે હળવા વરસાદની સંભાવના છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Today-Weather-15-April-2024.jpg)
રવિવારે ક્યાં વરસાદ પડ્યો
રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે ગઈકાલે રવિવારે કચ્છ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા, પાટણ જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. ચૈત્ર મહિનામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સતત બીજા દિવસે કચ્છમાં વરસાદ પડ્યો છે. કચ્છ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અતિભારે પવનની સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. સાબરકાંઠામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.
અમદાવાદમાં ધૂળની ડમરીઓ ઉડી હતી
અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મોડી સાંજે તેજ ગતિથી પવન ફૂંકાયો હતો. તેજ પવન ના લીધે રસ્તા ઉપર ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી હતી. કમોસમી વરસાદ થતાં કેરી સહિતના કેટલાક પાકોને નુકસાન પહોંચ્યુ છે.
ખેડૂતો ચિતિંત
ગુજરાતના વાતાવરણમાં પલટાથી અને વાવાઝોડા વરસાદથી અમરેલી ગીર સોમનાથ જિલ્લામાં કેરીના પાકને નુકશાન થવાના, તો આ બાજુ ઉત્તર ગુજરાતમાં ઘઊં અને એરંડાના પાકને નુકશાન પહોંચતા ખેડૂતો ચિંતિત બન્યા છે.
આ પણ વાંચો - ગુજરાત વેધર : ચૈત્ર મહિનામાં ચોમાસા જેવો માહોલ, કચ્છ સહિત આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે જણાવ્યું છે કે, મંગળવારથી રાજ્યનું વાતાવરણ ધીમે ધીમે શુષ્ક બનતા ફરી રાજ્યમાં ગરમીનું તાપમાન વધશે. આગામી દિવસમાં દરિયા કિનારા સહિતના વિસ્તારમાં ભેજવાળા વાતાવરણથી ઉકળાટનો અહેસાસ થઈ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us