/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-Top-Headline-News.jpg)
Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)
Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ ભરતીની દોડમાં ફેલ થતાં એક યુવકે આપઘાત કરી લીધો છે. યુવક ભરતીની શારીરિક કસોટી આપવા જામનગર પહોંચ્યો હતો. ત્યાં સમયસર દોડ પૂરી ન કરી શકતા તે નાપાસ થયો હતો. છેલ્લાં 8 વર્ષથી પોલીસની પરીક્ષા આપી રહ્યો હતો. બીજી તરફ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે. આ કાઇટ ફેસ્ટિવલ 14 જાન્યુઆરી સુધી ચાલશે. આ સિવાય અન્ય ગુજરાતના મહત્વના સમાચારો અહીં વાચો.
ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે. આ કાઇટ ફેસ્ટિવલ 14 જાન્યુઆરી સુધી ચાલશે. આ ફેસ્ટિવલમાં ભાગ લેવા 47 દેશમાંથી 143 જ્યારે દેશનાં 11 રાજ્યમાંથી 52 પતંગબાજો અમદાવાદ પહોંચ્યા છે. (અહીં વાંચો)
સુરેન્દ્રનગરના ચુડામાં સગા ભાઈ-બહેન રમતા રમતા કૂવામાં પડતા મોત
સુરેન્દ્રનગરના ચુડામાંથી બે બાળકોના મોતની ઘટના સામે આવી છે. ચુડાના વિજયનગરમાં આવેલા ભાડિયામાં કૂવામાંથી બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. સગા ભાઈ-બહેન ઘરની નજીક આવેલા કૂવા પાસે રમી રહ્યા હતા તે સમયે કૂવામાં પડી ગયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. બાળકો કઈ રીતે કૂવામાં પડ્યા તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.
દ્વારકા-બેટ દ્વારકામાં ગૌચરની જમીન પરના દબાણો હટાવ્યા
દ્વારકા-બેટ દ્વારકામાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું. તંત્રએ આશરે 450 લોકોને દબાણ હટાવવા નોટિસ ફટકારી હતી. તેમ છતા દબાણો દૂર ન થતા તંત્ર દ્વારા બુલડોઝર ફરવવામાં આવ્યું હતું. અનેક મકાનો જમીનદોસ્ત કરી સરકારી ગૌચરની જમીન ખુલ્લી કરાઈ છે. સુરક્ષાના ભાગ રૂપે એક હજાર જેટલા સુરક્ષાકર્મીઓ તહેનાત રહ્યા હતા.
આ પણ વાંચો - અમદાવાદ ફ્લાવર શો વધુ બે દિવસ લંબાવાયો, પ્રિ-વેડિંગ શૂટીંગ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા
પોલીસ ભરતીની દોડમાં ફેલ થતાં યુવકનો આપઘાત
પોલીસની પરીક્ષાનાં નાપાસ થતા યુવાને આત્મહત્યા કરી હોવાના ઘટના સામે આવી છે. જૂનાગઢના માણાવદર તાલુકાના દગડ ગામના 29 વર્ષીય પરેશ કાનગડે શારીરિક કસોટીમાં નાપાસ થવાના કારણે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. યુવકના આપઘાતથી પરિવાર તેમજ ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે. 9 જાન્યુઆરીએ ભરતીની શારીરિક કસોટી આપવા જામનગર પહોંચ્યો હતો. ત્યાં સમયસર દોડ પૂરી ન કરી શકતા તે નાપાસ થયો હતો. છેલ્લાં 8 વર્ષથી પોલીસની પરીક્ષા આપી રહ્યો હતો.
અમદાવાદના પોશ વિસ્તારમાં અસામાજીક તત્વોએ જાહેરમાં તલવારો વડે આતંક માચાવ્યો
અમદાવાદના પોશ વિસ્તારમાં એસજી હાઇવે પર આવેલા પેલેડિયમ મોલ ખાતે કેટલાંક અસામાજીક તત્વોએ જાહેરમાં તલવારો વડે આતંક માચાવ્યો હતો. વાહનોમાં તોડફોડ કરીને હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ પછી વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us