Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં ખાનગી લક્ઝરી બસ પલટી ખાઇ જતા 5 મુસાફરોના મોત થયા છે. આ બસમાં લગભગ 50 મુસાફરો હતા. બીજી તરફ મહાકુંભ માટે ગુજરાતના શ્રદ્ધાળુઓને તમામ સેવાઓ અને સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકારે દ્વારા બસ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવેલ છે. 4 ફેબ્રુઆરીથી નવી પાંચ બસ દોડાવાશે. જેમાં અમદાવાદથી વધુ એક બસ ઉપરાંત સુરતથી 2 અને વડોદરા-રાજકોટથી 1-1 બસ શરુ કરવામાં આવશે.
ડાંગમાં લક્ઝરી બસ પલટી જતા 5 લોકોના મોત
ડાંગ જિલ્લામાં ખાનગી લક્ઝરી બસ પલટી ખાઇ જતા 5 મુસાફરોના મોત થયા છે. પ્રાપ્ત જાણકારી મુજબ ડાંગ જિલ્લામાં સાપુતારા-માલેગામ ઘાટ માર્ગ પર વહેલી સવાર 4 વાગે આસપાસ ખાનગી બસ પલટી ખાઇ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બસમાં લગભગ 50 મુસાફરો હતા. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે, જેમા બે મહિલા અને 3 પુરુષ છે. અકસ્માતની જાણ કરતા પોલીસ અને ડોક્ટર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ઘાયલ લોકોને નજીકના હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
મહાકુંભ માટે 4 ફેબ્રુઆરીથી વધુ નવી પાંચ બસ દોડાવાશે
મહાકુંભ માટે ગુજરાતના શ્રદ્ધાળુઓને તમામ સેવાઓ અને સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકારે દ્વારા બસ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવેલ છે. 4 ફેબ્રુઆરીથી નવી પાંચ બસ દોડાવાશે. જેમાં અમદાવાદથી વધુ એક બસ ઉપરાંત સુરતથી 2 અને વડોદરા-રાજકોટથી 1-1 બસ શરુ કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને જાણકારી આપી છે. (વધુ સમાચાર અહીં વાંચો)
GHCLના ત્રણ કર્મીઓનું રેસ્ક્યુ
સરક્રિકમાં બીએસેફે જીએસલીએલના ત્રણ કર્મીનું દિલધડક રેસ્ક્યુ કર્યું છે. કચ્છના મુધાન નજીક ખાડી વિસ્તારનો સર્વે કરી રહેલા ખાનગી કંપની GHCLના ત્રણ કર્મચારીઓ મોડી રાત્રે ખાડી વિસ્તારમાં બોટ પલટી જતાં ગુમ થઈ ગયા હતા. BSF અને પોલીસ સહિતની એજન્સીઓ 16 કલાક સુધી કરેલી શોધખોળ બાદ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પિલર નંબર 1170 પાસે ત્રણેય કર્મચારીઓ સુરક્ષિત મળી આવ્યા હતા.
સાયબર ક્રાઇમના ગુનામાં પશ્ચિમ કચ્છ LCB પોલીસની મોટી કાર્યવાહી
સાયબર ક્રાઇમના ગુનામાં પશ્ચિમ કચ્છ LCB પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જેમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ રજૂ કરીને અલગ-અલગ 17 બેંકોમાં 55 જેટલાં એકાઉન્ટ ખોલાવીને ફ્રોડ આચરતાં રાજસ્થાનના બે યુવકોની ધરપકડ કરી લેવાઈ છે. પોલીસે આરોપી પાસેથી એક લેપટોપ, 1 પેન ડ્રાઈવ, 8 મોબાઈલ ફોન, 16 આધાર કાર્ડ, 13 પાન કાર્ડ, 42 ડેબિટ કાર્ડ, 26 પાસબૂક, 47 ચેકબુક, વિવિધ બેંક ખાતાની વિગતો લખેલી 2 ડાયરી સહિતના ડોક્યુમેન્ટ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરામાં નિવૃત્ત એરફોર્સના જવાન દ્વારા પત્ની પર ફાયરિંગ
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ફાયરીંગની ઘટના બની હતી. જેમાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. પતિએ જ પત્નીને ગોળી મારી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. પતિ પત્ની વચ્ચેની માથાકૂટમાં વચ્ચે પડેલા અન્ય યુવકને પણ ગોળી વાગી હતી.