ગુજરાત ટૂર : દિવાળી તહેવાર એટલે આનંદ ઉત્સાહનો તહેવાર, એમાંય વળી વેકેશનની મજા. જો આ વેકેશનની મજાને તમે વધુ યાદગાર બનાવવા ઇચ્છતા હોવ તો અહીં તમારા માટે છે સરસ ટૂર પ્લાન. લોકો રજાઓની આ મોસમમાં હરવા-ફરવાનો પ્લાન બનાવતા હોય છે. અનેક પ્રવાસીઓ ગીર અભ્યારણમાં સિંહ દર્શન કરવા આવે છે. તો આજે અમે તમને ગિર અભ્યારણમાં સિંહ દર્શન કરવા જવું હોય તો, કેવી રીતે અને ક્યાંથી ઓનલાઈન બુકિંગ કરાવી શકાય? કેટલો ખર્ચ આવે? કેવી રીતે અને ક્યાંથી ગિર અભ્યારણ જવાય? ગિર અભ્યારણમાં કયા-કયા પ્રાણીઓ જોવા મળે? આ તમામ બાબતો પર એક નજર કરીએ.
ઓનલાઈન બુકિંગ ક્યાંથી અને કેવી રીતે કરાવી શકાય?
એશિયાટીક સિંહનું નિવાસ સ્થાન એટલે ગીર અભયારણ્ય, અને તેમા પણ સાસણ ગીર અભયારણ્ય પ્રવાસીઓનુ માનીતું સ્થળ છે. અહી વર્ષ દરમિયાન લાખો પ્રવાસીઓ ગીર અભયારણ્યની મુલાકાતે આવે છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે અનેક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. તો ગિર અભયારણ્ય ની મુલાકાત માટે પ્રવાસીઓ ગમે તે સ્થળેથી ઓન લાઇન બુકીંગ કરાવી શકે છે. આ https://girlion.gujarat.gov.in/ વેબ લીંક પર ક્લિક કરવાથી બુકીંગ સહિતની માહિતી મળે છે અને પ્રવાસીઓ પોતાની વિગત – કેટલા વ્યક્તિ પ્રવાસ આવવાના છે, તારીખ, સમય જેવી વગેરે વગેરે માહિતી માંગી હોય તે ભરવાની હોય છે. મહત્ત્વની વાત એ છે કે, તમે જાતે જ તારીખ, સમય, નક્કી કરી ઓન લાઇન બુકીંગ કરાવી શકો છો. ઉદા. રેલવે રિઝર્વેશન ટિકિટ બુક કરાવતા હોવ એજ રીતે અલગ-અલગ તારીખ જોઈ, બુકિંગ અવેલેબલ છે કે નહીં તે તમે જોઈ શકો છો.

કેટલો ખર્ચ થાય?
હવે વાત કરીએ બુકીંગ થયા બાદ પ્રવાસીઓને કેટલો ખર્ચ આવે છે. સાસણ સિંહ સદન ખાતે ઓન લાઇન બુકીંગમા પેમેન્ટ જમા કરાવવું પડે છે. ગીર જંગલ સફારી માટે એક વ્યક્તિની જિપ્સી દ્વારા જવા માટેની એન્ટ્રી ફી 800 રૂપિયા, આ સિવાય જિપ્સીના રૂપિયા 2000 (એક જીપ્સીમાં 6 લોકો મુસાફરી કરી શકે છે – એટલે 6 વ્યક્તિના 2000 રૂપિયા અને બે વ્યક્તિ જ એક જીપ્સીમાં જાઓ તો પણ 2000 ચાર્જ) અને ગિર અભયારણ્યમા પ્રવાસીઓ સાથે જતી મહીલા ગાઈડના 400 રૂપિયા, એટલે 3200 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. તમને જણાવી દઈએ કે, શની, રવી અને તહેવારોમાં 800ને બદલે 1000 ચાર્જ થાય છે.
સાસણ ગીર અભ્યારણ સમય અને રૂટ
હવે ગીર અભયારણ્યમા સવારે. 6.30, 9.30 અને બપોરે 3.30 ત્રણ ટ્રીપમા પ્રવાસીઓને ગિર અભયારણમાં લઈ જવામાં આવે છે. એક ટ્રીપમા 50 એટલે ત્રણ ટ્રીપમાં 150 પ્રવાસીઓ ગિરની મુલાકાતે જાય છે. ગિર અભયારણ્યમાં અલગ અલગ 13 રૂટ પર અંદાજીત 30 કીલોમીટરનો પ્રવાસ પ્રવાસીઓ કરે છે. જે લગભગ 2થી 2.30 કલાકનો રહે છે.

સાસણ ગીર અભિયારણમાં સિંહ સહિત કયા પ્રાણીઓ જોવા મળી શકે?
સાસણ ગીર અભયારણ્યમાં સિંહ સાથે અનેક હિંસક પ્રાણીઓ વસવાટ કરે છે, જેમા ખાસ દીપડા મોટા પ્રમાણમાં છે પણ ભાગ્યે જોવા મળે છે, સાથે અહી સાબર, ચીતલ, હરણની પણ ખૂબ મોટી વસ્તી છે તે પ્રવાસીઓને જોવા મળે છે તેમજ 375 જેટલી અલગ અલગ પક્ષીઓની પ્રજાતી વસવાટ કરે છે અને ગાઢ જંગલ અને અલભ્ય વૃક્ષો અને વનસ્પતિઓનો નજારો જોવા મળે છે.

સાસણ કેવી રીતે જવાય?
સાસણ આવવા માટે બાય રોડ, રેલવે અને પ્લેન મારફતે સાસણ પહોંચી શકાય છે. બાય રોડ જૂનાગઢથી મેંદરડા થઈ સાસણ જવાય છે, જે અંદાજીત 55 કીલોમીટર જેટલુ થાય છે. સાસમ જવા માટે નજીકમાં કેશોદ એરપોર્ટ છે, અહીંથી જૂનાગઢ અથવા સીધુ સાસણ જવાય છે. એરપોર્ટની સુવિધા જૂનાગઢ જિલ્લાના કેશોદમાં છે. હાલ દીવસની ત્રણ ફ્લાઇટ મુંબઈથી આવે છે. રેલ માર્ગે પણ જૂનાગઢ ઉતરી ત્યાર બાદ બાય રોડ સાસણ પહોચાય છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ થી પણ વાયા તાલાલા રોડ માર્ગ સાસણ પહોચાય છે.
આ પણ વાંચો – લુલુ ગ્રુપ અમદાવાદમાં બનાવશે ભારતનો સૌથી મોટો મોલ, શું હશે ખાસ? જાણો બધુ જ
ઉલ્લેખનીય છે કે, છેલ્લી સિંહ ગણતરી મુજબ પુરા ગીર અભયારણ્ય. દરીયા કાંઠે અને રેવન્યુમાં વિહરતા સિંહની સંખ્યા 674 જેટલી નોંધાઇ હતી. હાલમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં સિંહની વસ્તી સામે આવી છે.