Gujarat Tourist Place : દિવાળીની રજાઓમાં ગુજરાતમાં અંબાજી, દ્વારકા, SOU સહિતના પ્રવાસન સ્થળો છલકાયા, કઈ જગ્યાએ કેટલા પ્રવાસીઓ ઉમટ્યા?

Gujarat Tourist Place in Diwali Holidays : દિવાળીની રજાઓમાં ગુજરાતના તમામ પ્રવાસન સ્થળો પર ભારે ઘસારો જોવા મળ્યો, રાજ્યના 18 ફરવા લાયક સ્થળો પર 10 દિવસમાં 42 લાખ લોકોએ મુલાકાત લીધી, તો જોઈએ કયા સ્થળે કેટલા પ્રવાસીઓ ઉમટ્યા.

Written by Kiran Mehta
November 22, 2023 14:32 IST
Gujarat Tourist Place : દિવાળીની રજાઓમાં ગુજરાતમાં અંબાજી, દ્વારકા, SOU સહિતના પ્રવાસન સ્થળો છલકાયા, કઈ જગ્યાએ કેટલા પ્રવાસીઓ ઉમટ્યા?
ગુજરાતના પ્રવાસન સ્થળ (ફોટો સોર્સ - ગુજરાત ટુરિઝમ)

Gujarat Tourist Place in Diwali Holidays : ગુજરાતીઓ સૌથી વધારે ખાવાના અને ફરવાનો શોખ ધરાવતા હોય છે. ત્યારે દિવાળીની રજાઓ હોય અને ફરવા જવાનું મન ન બનાવે તેવું ભાગ્યે જ બને, જેને પગલે દિવાળીના રજાઓમાં ગુજરાતના તમામ પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળ્યો. માત્ર ગુજરાતીઓ જ નહી દેશ-વિદેશના સહેલાણીઓમાં પણ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ પણ વિકસિત કરવામાં આવી છે. જેના પરિણામે, ઉત્તરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે. આ વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન, તા. 11થી 20 નવેમ્બર 2023 સુધી દસ દિવસના સમયગાળામાં, રાજ્યના 18 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 42 લાખ 75 હજાર 952 લોકોએ મુલાકાત લીધી હતી.

ગુજરાતના કયા પ્રવાસન સ્થળોએ સૌથી વધુ મુલાકાતીઓ પહોંચ્યા

આ સમયગાળામાં ગુજરાતના પ્રસિદ્ધ આકર્ષણો જેમ કે, સ્ટેચ્યુ ઑફ યુનિટી, સ્મૃતિ વન, સીમાદર્શન-નડાબેટ, ગિરનાર રૉપ વે, સાસણગીર અને દેવળીયા પાર્ક, દાંડી સ્મારક, સૂર્ય મંદિર, રાણ કી વાવ, સોમનાથ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, દ્વારકા મંદિર, સાયન્સ સિટી-અમદાવાદ, અટલ બ્રિજ, કાંકરિયા તળાવ, વડનગર, ડાયનાસોર પાર્ક તેમજ અમદાવાદ મેટ્રો રેલવેનો આનંદ લેવા માટે બહોળી સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં. આ બધામાં અંબાજી અને દ્વારકા ખાતે સૌથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી.

કઈ જગ્યાએ કેટલા પ્રવાસી પહોંચ્યા?

ક્રમાંકપર્યટન સ્થળમુલાકાતીની સંખ્યા(11/11/2023 થી 20/11/2023)
1સ્ટેચ્યુ ઑફ યુનિટી3,03,894
2સ્મૃતિ વન – ભુજ36,391
3સીમાદર્શન – નડાબેટ57,948
4ગિરનાર રૉપ-વે – જુનાગઢ59,307
5સાસણગીર અને દેવળીયા પાર્ક70,634
6દાંડી સ્મારક – નવસારી27,972
7સૂર્ય મંદિર – મોઢેરા31,969
8રાણ કી વાવ – પાટણ36,659
9સોમનાથ મંદિર4,87,974
10અંબાજી મંદિર6,35,760
11પાવાગઢ મંદિર5,25,410
12દ્વારકા મંદિર6,18,460
13સાયન્સ સિટી – અમદાવાદ83,111
14અટલ બ્રિજ – અમદાવાદ1,81,692
15કાંકરિયા તળાવ – અમદાવાદ4,45,144
16વડનગર – ઐતિહાસિક નગર46,453
17ડાયનાસૌર પાર્ક – બાલાસિનોર7,678
18અમદાવાદ રેલ-મેટ્રો6,19,496

પ્રવાસન ક્ષેત્ર, તથા યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રોના વિકાસ માટે બજેટ ફાળવણીમાં 346 ટકા વધારો

તમને જણાવી દઈએ કે, રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે અને સંલગ્ન પ્રવૃત્તિઓને વેગ આપીને, રોજગારીની નવી તકો ઊભી કરવા માટે રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે. વર્ષ 2023-24ના રાજ્યના બજેટમાં પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રોના ફંડમાં 346% નો વધારો પણ કરવામાં આવ્યો છે. હેરિટેજ અને ઇકો ટુરિઝમ માટે રૂપિયા 10 હજાર કરોડ સૂચિત કરવામાં આવ્યા છે. યાત્રાધામની મુલાકાતે જતા શ્રધ્ધાળુઓના અનુભવને બહેતર બનાવવા માટે યાત્રાધામ વિકાસ માટે રૂ 2077 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં આકર્ષક પ્રવાસન સ્થળો, ધાર્મિક, સાંસ્કૃતિક અને એડવેન્ચર આકર્ષણો તેમજ ઇકો ટુરિઝમનો વિકાસ કરવામાં આવશે.

G-20 બેઠકોના આયોજનથી રાજ્યના પ્રવાસન આકર્ષણો દુનિયાભરમાં પહોંચ્યા

તાજેતરમાં, ભારતની યજમાનીમાં આયોજિત થયેલી G-20 બેઠકોનો એક દોર ગુજરાતમાં પણ રહ્યો હતો. રાજ્ય સરકારે, કચ્છના ધોરડો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વકક્ષાના પ્રવાસન સ્થળોએ G-20 બેઠકોનું સફળતાપૂર્વક આયોજન કરીને, G-20 દેશના પ્રતિનિધિઓને રાજ્યના સમૃદ્ધ વારસાનો પરિચય કરાવ્યો હતો. G-20 પ્રતિનિધિઓએ ધોળાવીરા, મોઢેરા સૂર્યમંદિર, અમદાવાદનો ઐતિહાસિક વારસો, ગિફ્ટ સિટી અને દાંડી કુટીર સહિતના આકર્ષણોની મુલાકાત લઇને તેની સરાહના કરી હતી. પ્રાચીન નગરોની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણું બની હતી અને તેમના પ્રતિભાવોમાં તેમણે જણાવ્યું હતું કે, આ સમગ્ર વિશ્વની ધરોહર છે, જેને આવનારી પેઢી માટે સાચવી રાખવી જરૂરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ