Gujarat Rain Forecast (ગુજરાતમાં વરસાદની આગાહી): ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે સમાપ્ત થયું છે જોકે, વરસાદની અસર ક્યાંક ક્યાંક દેખાઈ રહી છે. બનાસકાંઠાના માત્ર ધાનેરા તાલુકામાં વરસાદ 8 એમએમ વરસાદ નોંધાયો હતો. આજના દિવસે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
બનાસકાંઠાના ધાનેરામાં 8 એમએમ વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં બનાસકાંઠાના ધાનેરાને છોડી સમગ્ર ગુજરાતમાં ક્યાંય વરસાદ નોંધાયો નથી. બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં 8 એમએમ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતના આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
નવરાત્રી દરમિયાન હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં એકદમ સામાન્ય વરસાદ પડવાની શક્યતા સેવી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે 9 ઓક્ટોબર 2024, બુધવારના રોજ દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, નવસારી, દમણ, અને દાદરા નગર હવેલીમાં એકદમ સામાન્ય અથવા વરસાદી છાંટા પડવાની શક્યતા છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું રહશે.
ગુજરાતમાં રાજકોટમાં 23.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે શિયાળાનું ધીમી ગતિએ આગમન થઈ રહ્યું છે. અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી અનુભવાય છે. ગુજરાતમાં ધીમે ધીમે તાપમાન ઘટી રહ્યું છે. ગુજરાતમાં 23.5 ડિગ્રી થી લઈને 27.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
રાજકોટમાં 23.5 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું જે ગુજરાતનું સૌથી નીચુ તાપમાન ગણી શકાય. આ ઉપરાંત અમદાવાદમાં 26 ડિગ્રી, ડિસામાં 25.4 ડિગ્રી, ગાંધીનગરમાં 24.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.