Gujarat Weather : ફેબ્રુઆરીના સામાન્ય સ્તર કરતાં પારો લગભગ નવ ડિગ્રી વધી ગયો હતો કારણ કે રવિવારે કેટલાક શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું હતું, આ સિવાય રાજ્યના મોટાભાગના જિલ્લામાં 35 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું હતું – છેલ્લા પાંચ દાયકામાં ફેબ્રુઆરીમાં આ સૌથી વધુ તાપમાન માનવામાં આવે છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના પ્રાદેશિક નિર્દેશક મનોરમા મોહંતીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “આ વર્ષે ફેબ્રુઆરીમાં ખૂબ જ ઊંચું તાપમાન નોંધાયું છે જે રાજ્યમાં સામાન્ય કરતાં 9 ડિગ્રી વધારે છે, જે છેલ્લા કેટલાક દાયકાઓમાં સૌથી વધુ છે. અમદાવાદમાં, ફેબ્રુઆરીમાં છેલ્લા 50 વર્ષમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે.”
રાજકોટમાં મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં નવ ડિગ્રી વધુ હતું, જ્યારે અમરેલીમાં 39.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઊંચા તાપમાન ધરાવતા અન્ય શહેરોમાં સુરેન્દ્રનગર અને કેશોદ 39 ડિગ્રી સેલ્સિયસ અને ભુજમાં 38.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતુ.
IMD અનુસાર, બે દિવસમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી.
IMDની આગાહીમાં કહેવામાં આવ્યું છે કે, “આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. ત્યારબાદ, આગામી ત્રણ દિવસ દરમિયાન 2-3 ડિગ્રી સેલ્સિયસથી ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે. આગામી બે દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 37-39 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં રહેવાની શક્યતા છે.
સુરત 38.4 ડિગ્રી, અમદાવાદ 38.2 ડિગ્રી, કંડલા એરપોર્ટ 38.4 ડિગ્રી, વલસાડ 38 ડિગ્રી, મહુવા 36.8 ડિગ્રી, પોરબંદર 36 ડિગ્રી અને વેરાવળ 35.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટ અને ભુજમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું હતું. જ્યારે અમરેલી અને અમદાવાદમાં તે સામાન્ય કરતાં આઠ ડિગ્રી વધુ હતું. ડીસામાં 36.4 ડિગ્રી અને પાટણમાં 36.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતાં સાત ડિગ્રી વધુ હતું.
કંડલા, નલિયા, સુરત, પોરબંદર અને વેરાવળમાં પણ સામાન્યથી છ ડિગ્રી વધુ તાપમાન નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતા વધુ હતું. રાજ્યમાં સૌથી વધુ લઘુત્તમ તાપમાન વેરાવળમાં 20.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધુ હતું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં છ ડિગ્રી વધુ હતું, જ્યારે ભુજમાં 17.8 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 17 ડિગ્રી સેલ્સિયસ અને વેરાવળમાં 20.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધુ હતું.