Gujarat Weather : પાંચ દિવસ અતિભારે વરસાદની સંભાવના, ગુજરાતમાં સિઝનનો કેટલા ટકા વરસાદ નોંધાયો?

Gujarat Weather watch : ગુજરાતમાં આગામી પાંચ દિવસ અતિભારે વરસાદની સંભાવનાને પગલે સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ખાતે તંત્રની બેઠક યોજાઈ, એનડીઆરએફ અને એસડીઆરએફ સહિત ટીમોને એલર્ટ કરવામાં આવી.

Written by Kiran Mehta
July 17, 2024 15:30 IST
Gujarat Weather : પાંચ દિવસ અતિભારે વરસાદની સંભાવના, ગુજરાતમાં સિઝનનો કેટલા ટકા વરસાદ નોંધાયો?
ગુજરાત વેધર વોચ (ફોટો - એક્સપ્રેસ)

Gujarat Weather : ગુજરાતમાં ચોમાસાની સિઝનના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર વરસાદ થઈ રહ્યો છે. જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાત માં હજુ પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ હજુ પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે સાવચેતીના ભાગરૂપે સરકાર દ્વારા સતત વેધર પર વોચ રાખી જરૂરી પગલા લેવા અને સમીક્ષા માટે બેઠક યોજવામાં આવી હતી.

રાહત નિયામક આઈ. એસ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

આ બેઠકમાં IMD ના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અનારાધાર વરસાદ વરસી રહ્યો છે. આગામી સપ્તાહ દરમિયાન પણ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

આઈએમડી અધિકારીએ કહ્યું કે, આગામી તા.17 થી તા. 22 જુલાઈ, 2024 સુધી સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ, પોરબંદર,દેવભૂમિ દ્વારકા તથા દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના છે. જે સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા તેમણે જણાવ્યું છે.

NDRF અને SDRF ટીમ એલર્ટ

એન.ડી.આર.એફ.ના અધિકારીએ જણાવ્યું હતું કે, રાજયમાં ભારે વરસાદની ચેતવણીના ભાગ રૂપે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એન.ડી.આર.એફ. તથા એસ.ડી.આર.એફ.ની ટીમોનું જિલ્લાકક્ષાએ તહેનાત કરી જિલ્લા વહીવટીતંત્રના આદેશ મુજબ રાહત તથા બચાવની કામગીરી હાથ ધરવામાં આવશે.

ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં કેટલો વરસાદ પડ્યો?

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી સેન્ટરના આંકડા અનુસાર, ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 31.93 ટકા નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ 39.74 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છ ઝોનમાં 39.10 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 37.65, પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 22.26 જયારે ઉત્તર ગુજરાત ઝોનમાં 21.52 ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ