IMD Ahmedabad Today Rain Forecast in Gujarat : ગુજરાતમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 23 ટકાથી વધુ પડી ગયો છે, જોકે જૂનમાં 15 ટકા જેટલી ઘટ નોંધાઈ હતી, પરંતુ જુલાઈમાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય રહેતા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી આપી છે.
હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી
હવામાન વિભાગની આજની આગાહી અનુસાર, રાજ્યમાં મધ્ય ગુજરાતના બે જિલ્લા તથા દક્ષિણ ગુજરાતના 6 જિલ્લા તથા દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી આપતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો ઉત્તર ગુજરાતના તમામ 6 જિલ્લા, મધ્ય ગુજરાતના 6 જિલ્લા,દક્ષિણનો 1 જિલ્લો તથા સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.
ક્યાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ચેતવણી અનુસાર, આજે મધ્ય ગુજરાતના દાહોદ અને છોટા ઉદેપુરમાં અતિભારે વરસાદ થઈ શકે છે. તો દક્ષિણ ગુજરાતમાં નરમદા સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ એમ તમામ જિલ્લા. આ સિવાય કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

ક્યાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે સાથે જણાવ્યું છે કે, 17 જિલ્લાામાં ભારે વરસાદની શક્યતા છે, જેને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે. આ બાજુ દક્ષિણ ગુજરાતમાં ભરૂચમાં અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં પણ છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો – Gujarat Monsoon: ગુજરાતના ઘણા વિસ્તારો હજી પણ કોરાધાકોર, ભાભર – ઉંઝા સહિત ઘણા તાલુકામાં 1 ટકાથી પણ ઓછો વરસાદ
આજે ક્યાં કેવો વરસાદ નોંધાયો
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આજના વરસાદના આંકડા પર નજર કરીએ તો, સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ કચ્છના ભૂજમાં 23 મીમી અને નખત્રાણામાં 21 મીમી વરસાદ નોંધાયો છે. તો વલસાડના પારડી અને કપરાડાાં 16 મીમી, ડાંગના આહવા અને વઘઈમાં 15-15 મીમી, તો વલસાડના વાપીમાં પણ 15 મીમી વરસાદ નોંધાયો છે. આ બાજુ જુનાગઢ શહેર અને જિલ્લામાં 13 મીમી વરસાદ નોંધાયો છે. તો અરવલ્લીના માલપુરમાં 11 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય 41 તાલુકામાં 1 થી 9 મીમી વરસાદ નોંધાયો છે.





