/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Gujarat-heavy-rain-1-2.jpg)
Gujarat Weather Update (હવામાન સમાચાર): ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને આગાહી - Express photo
Gujarat Weather Forecast, ગુજરાત વરસાદ આગાહી, હવામાન વિભાગની ચેતવણી : છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને બે દિવસથી વરસાદે આખા ગુજરાતને ગમરોળી નાખ્યું છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને મંગળવારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો હતો જેના પગલે આખું સૌરાષ્ટ્ર જળબંબાકાર થયું હતું. આજે સવારના 6 વાગ્યા સુધીમાં 250 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે, આજે પણ અમદાવાદ સહિત મધ્ય અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ વિસ્તારોમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યમાં 196 તાલુકામાં વરસાદ, દેવભૂમિ દ્વારકામાં બારે મેઘ ખાંગા
આજે સવારથી જ મેઘરાજા સૌરાષ્ટ્ર વિસ્તારમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને દેવભૂમી દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 28 ઓગસ્ટ 2024, બુધવારે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં સૌથી 196 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં પોણા 7 ઇંચ, ખંભાળિયામાં સાડા પાંચ ઇંચ, ભાણવડમાં 4 ઇંચ, કલ્યાણપુરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.
આજે સવારે 6થી 8 વચ્ચે ગુજરાતના 140 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 28 ઓગસ્ટ 2024, બુધવારના રોજ સવારે 6થી 8 વાગ્યા વચ્ચે ગુજરાતના 140 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ રાજકોટના ધોરાજીમાં દોઢ ઈંચ, સુરતના કામરેજમાં સવા ઈંચ, દેવભૂમી દ્વારાકના કલ્યાણપુરમાં સવા ઈંચ, સુરતના ઉમરપાડામાં એક ઈંચ, જામનગરના લાલપુરમાં એક ઈંચ, દેવભૂમી દ્વારકાના ભાણવડમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.
દેવભુમી દ્વારકાના કંભાળિયા અને જામનગરમાં સાડા 14 ઈંચ વરસાદ
ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવાામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા 22 કલાકમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર વિસ્તારમાં પડ્યો છે. જેમાં ખાસ કરીને દેવભૂમી દ્વારકાના ખંભાળિયા અને જામનગરમાં સાડા 14 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જામનગરના જામજોધપુરમાં સાડા 12 ઈંચ વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં રાજ્યના 250 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમી દ્વારકાના કંભાળિયામાં 18 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
13 તાલુકામાં 8 ઈંચથી 15 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
મળતા આંકડા પ્રમાણે છેલ્લા 22 કલાકમાં વરસાદે આખા સૌરાષ્ટ્રને ગમરોળી દીધું છે ત્યારે કૂલ 247 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ વિસ્તારોમાં 13 તાલુકામાં 8 ઈંચથી 15 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. અહીં આપેલા કોષ્ટકમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
| જિલ્લો | તાલુકો | વરસાદ(mm) |
| દેવભુમી દ્વારકા | ખંભાળીયા | 368 |
| જામનગર | જામનગર | 362 |
| પોરબંદર | રાણાવાવ | 284 |
| જામનગર | કાલાવડ | 275 |
| રાજકોટ | લોધિકા | 261 |
| જામનગર | લાલપુર | 258 |
| દેવભૂમિ દ્વારકા | ભાનવડ | 254 |
| દેવભૂમિ દ્વારકા | કલ્યાણપુર | 245 |
| પોરબંદર | પોરબંદર | 245 |
| રાજકોટ | રાજકોટ | 237 |
| દેવભૂમી દ્વારકા | દ્વારકા | 226 |
| રાજકોટ | કોટડા સંગાણી | 222 |
21 તાલુકામાં 4થી 8 ઈંચ વચ્ચે વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે બુધવારે સવારે 4 વાગ્યા સુધીમાં 247 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 21 તાલુકા એવા છે જ્યાં 4 ઈંચથી 8 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.
સવારના 4 વાગ્યા સુધીમાં 247 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને આજે બુધવારે સવારે 4 વાગ્યા સુધીમાં 247 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર વિસ્તારમાં પડ્યો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ
28 ઓગસ્ટને બુધવારના રોજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છ, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, બોટાદ, પોરબંદર, ગીર સોમનાથ, દીવમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ જિલ્લાઓમાં પડશે ભારેથી અતિ ભારે વરાસદની આગાહી
જ્યારે અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
અહીં પડશે ભારે વરસાદ
આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર અને દાહોદમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us