Gujarat Rain : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 126 તાલુકાઓમાં 2 થી 12 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. રાજ્યના 80 ડેમ, જળાશયોમાં 90% થી વધુ ભરાયા છે. નર્મદા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ વચ્ચે ભરૂચનો ગોલ્ડન બ્રિજ અડધી સદીનો રેકોર્ડ તોડીને નર્મદાના નીર 41 ફૂટથી ઉપર પહોંચ્યા છે. રાજ્યમાં નિચાણવાળા વિસ્તારોમાંથી 12 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સંજોગોમાં રાજ્યના ઉત્તર ગુજરાત, કચ્છ, મોરબી અને આજે પણ ભારે વરસાદની સંભાવના છે.
આજે સવારથી અત્યાર સુધી ક્યાં કેટલો વરસાદ નોંધાયો
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સવારના 6 થી બપોરના 12 વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો, આજે સૌથી વધુ વરસાદ કચ્છના રાપરમાં નોંધાયો છે. રાપરમાં 4.50 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે મોરબી જિલ્લાના માળિયા, હળવદમાં 3 ઈંચથી વદુ વરસાદ નોંધાયો છે. જ્યારે મોરબી શહેર અને ટંકારામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય પોરબંદર શહેર, સુરતના બારડોલી, બનાસકાંઠાા વાવ, મોરબીના વાંકાનેર, નવસારીના ગાંડેવીમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય 25 તાલુકામાં અડધા ઈંચ આસપાસ વરસાદ નોંધાયો છે.

વરસાદ આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ભારે વરસાદ, સાબરકાંઠામાં ભારે વરસાદ તેમજ મોરબી અને કચ્છમાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ થઇ રહ્યો છે. વરસાદી હેલી જેવો માહોલ છવાયો છે. નિચાણવાળા વિસ્તારો પાણી પાણી થઇ ગયા છે અને રસ્તા ઉપર પણ પાણી ભરાઇ ગયા છે.
આજે ક્યાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે
હવામાન વિભાગ અનુસાર, આજે કચ્છ અને મોરબી જિલ્લામાં રેડ એલર્ટ છે, એટલે કે અતિભારે વરસાદની આગાહી છે. તો રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, આ સિવાય ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટ તો સુનેન્દ્રનગર અને જુનાગઢમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો – ગુજરાત વરસાદ આગાહી Update : આ જિલ્લાઓ માટે હજુ બે દિવસ ભારે, વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાશે
આવતીકાલે ક્યાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર, આવતીકાલે બુધવારે વરસાદનું જોર ગુજરાતમાં ઓછુ રહેશે, પરંતુ સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે, તો અન્ય જિલ્લામાં ક્યાંક ક્યાંક હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે.





