Gujarat Weather Updates, IMD forecast : ગુજરાતમાં ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરું કરી દીધું છે. દિવસે ને દિવસે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધતું જાય છે ત્યારે હવે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ગરમીના પારાએ 40 ડિગ્રીનો આંકડો પાર કરી દીધો છે. ત્યારે આજે 18 એપ્રિલે ગરમીની વાત કરીએ તો આજે પણ ગરમી 40 ડિગ્રીની ઉપર રહેશે. જેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ આપી છે. અને હવામાન વિભાગે ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
અમરેલીમાં ગરમીએ 44 ડિગ્રી સપાટી સ્પર્શી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં ગુજરાતમાં ફરી એકવાર ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં 40થી 44 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં ગુજરાતમાં સૌથી વધારે તાપમાન અમરેલીમાં નોંધાયું હતું. અહીં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.
અમદાવાદમાં ગરમી 42.2 ડિગ્રી પહોંચી
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદમાં બુધવારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી પહોંચી ગયું હતું. જોકે, લઘુત્તમ તપામાન 26 ડિગ્રી નોંધાયું હતું. ગરમીના કારણે અમદાવાદમાં લૂ લાગવાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો.
ગુજરાતમાં બુધવારે ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
શહેર મહત્તમ લઘુત્તમ અમદાવાદ 42.2 26.0 ડીસા 40.7 25.7 ગાંધીનગર 40.4 25.5 વલ્લભ વિદ્યાનગર 41.5 27.1 વડોદરા 43.6 25.0 સુરત 42.1 29.0 વલસાડ – – દમણ 36.4 26.0 ભુજ 41.6 26.0 નલિયા 39.6 23.4 કંડલા પોર્ટ 36.8 26.5 કંડલા એરપોર્ટ 42.2 26.0 અમરેલી 44.0 27.6 ભાવનગર 41.7 28.2 દ્વારકા 31.2 26.2 ઓખા 33.9 25.7 પોરબંદર 39.6 26.0 રાજકોટ 43.8 24.5 વેરાવળ 34.2 26.7 દીવ 35.2 26.5 સુરેન્દ્રનગર 43.4 27.0 મહુવા 43.4 23.9 કેશોદ 42.7 25.3
ગુજરાતમાં હીટ વેવની ચેતવણી
ગુજરાતમાં ગરમીના પ્રમાણને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ગુજરાતમાં હીટ વેવની આગાહી કરી છે. આ ઉપરાંત કોઈ ઈમર્જન્સી હોય તો જ ઘરમાંથી બહાર નીકળવાની સલાહ આપી છે. કામ ન હોય તો ઘરમાં જ રહેવું અને ગરમીથી બચવાના પ્રિકોશન લેવા માટે પણ અધિકારીઓએ જણાવ્યું છે. આગામી દિવસોમાં હજી પણ ગરમી વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
આ પણ વાંચોઃ- UPSC Results : અમદાવાદના સરદારધામમાંથી આઠ પાટીદાર યુવકોએ યુપીએસસીનું સપનું કર્યું સાકાર
ગુજરાતમાં ગરમી : હીટ સ્ટ્રોકના કેસોમાં વધારો
અત્યારે મે-જૂન મહિનાની ગરમી બાકી છે. એપ્રિલ મહિનાના છેલ્લા 15 દિવસની વાત કરીએ તો હીટ સ્ટ્રોક, ચક્કર આવવા, પેટમાં દુખાવો, માથાનો દુખાવો, ઉલ્ટી અને તાવના 3200 થી વધુ કેસ 108 ઈમરજન્સી સેવામાં આવ્યા છે. ગરમીથી બચવા માટે સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાઈડલાઈન જારી કરવામાં આવી છે.
આ ઉપરાંત બસ સ્ટોપ અને આરોગ્ય કેન્દ્રો પર ORS પેકેટના વિતરણની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે. રહેવાસીઓને હળવા અને ઢીલા-ફિટિંગ કપડાં પહેરવા, સ્પ્રે બોટલ અથવા ભીના સ્પોન્જની મદદથી ત્વચાને ભેજવાળી રાખવા અને ઠંડા પાણીથી સ્નાન કરવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત તેમને શક્ય એટલું પાણી પીવાની પણ સલાહ આપવામાં આવી છે.