Gujarat Weather Updates : ગુજરાત સહિત દેશભરમાં ચોમાસાને પગલે મોસમ સુહાનું જોવા મળી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, દ્વારકા તથા દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારીમાં મેઘરાજાએ બે-ત્રણ દિવસથી ધમાકેદાર બેટિંગ કરતા ઠેર ઠેર રોડ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. જોકે, આજે વહેલી સવારથી મેઘરાજાનો વિરામ જોવા મળી રહ્યો હતો. પરંતુ સવારના 10 વાગ્યા બાદ મેઘરાજાએ પાટણ વેરાવળમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે અને બે કલાકમાં જ સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો સૂત્રાપાડા અને વલસાડના ઉમરગામમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટો છવાયો હળવો વરસાદ પડી રહ્યો છે. પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર, હજુ પણ જુનાગઢ, પોરબંદર, દ્વારકા અને વલસાડ સહિતના જિલ્લામાં વરસાદી સંકટ ટળ્યું નથી.
જુનાગઢ, દ્વારકા, પોરબંદર પાણી પાણી
સૌરાષ્ટ્રમાં દ્વારકા, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પોરબંદરના બોખીરા જળમગ્ન થઈ ગયું હતુ, તો દ્વારકાના પણ રોડ રસ્તા પાણીમાં સમાયેલા જોવા મળ્યા હતા. જુનાગઢમાં ભારે વરસાદને પગલે દામોદર કુંડ છલકાઈ ગયો હતો. તો પ્રભાસ પાટણનો ત્રિવેણી સંગમ પણ છલકાઈ ગયો છે.
પાટણ-વેરાવળમાં બે કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ, સૂત્રાપાડા અને ઉમરગામમાં પોણા બે ઈંચ
મેઘરાજા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તોફાની બેટીંગ બાદ આજે સવારથી વિરામ મોડ પર જોવા મળી રહ્યા હતા. પરંતુ સવારે 10 વાગ્યા બાદ ગીર સોમનાથના પાટણ વેરાવળમાં ધમાકેદાર એન્ટ્રી કરી માત્ર બે કલાકમાં સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ જોવા મળ્યો છે. જ્યારે જિલ્લાના સૂત્રાપાડામાં પોણા બે ઈંચથી વધુ વરસાદ જોવા મળ્યો છે. આ બાજુ દક્ષિણ ગુજરાતમાં વલસાડના ઉમરગામમાં પણ બે કલાકમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે.
તમને જણાવી દઈએ કે, સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 9 તાલુકાઓમાં તાલુકાઓમાં છૂટો છવાયો હળવો વરસાદ જોવા મળ્યો હતો, જેમાં વલસાડના ઉમરગામમાં 13 મીમી, સુરતના બારડોલી અને ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 7 મીમી, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 6 મીમી, કપરાડામા 4 મીમી, તો સૂત્રાપાડા અને વલસાડ શહેરમાં 3 મીમી, તો જુનાગઢ જિલ્લા અને શહેરમાં 2 મીમી વરસાદ નોંધાયો છે. તો હવે બપોર 12 વાગ્યા સુધીના ડેટામાં 22 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રના બે અને દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં વરસાદી સંકટ યથાવત
હવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્રમાં દ્વારકા અને પોરબંદર જિલ્લામાં રેડ એલર્ટ આપેલુ છે. તો રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસદની આગાહી કરી છે. આ બાજુ દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને દમણ – દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરી છે. તો સુરતમાં ઓરેન્જ એલર્ટ આપયું છે. આ સિવાય 13 જિલ્લામાં યલો એલર્ટ સાથે છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની પણ આગાહી કરી છે.
આ પણ વાંચો – Gujarat Rain : સૌરાષ્ટ્રમાં વરસાદની જમાવટ, દ્વારકામાં 6.5 ઇંચ અને જૂનાગઢમાં 5 ઇંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેવો વરસાદ નોંધાયો
ગુજરાતમાં ગઈકાલ સવાર 6 વાગ્યાથી આજે સવાર 6 વાગ્યા સુધીના વરસાદના ડેટા પર નજર કરીએ તો, 99 તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકામાં 6.5 ઈંચ જોવા મળ્યો છે. ત્યારબાદ જુનાગઢમાં 133 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે પાટણ વેરાવળ અને તલાલામાં પણ 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો વંથલી, મેંદરડા અને માણાવદરમાં 3 ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય માંગરોળમાં 62 મીમી, વાપીમાં 53 મીમી, પારડીમાં 45 મીમી, માલિયા હાટિનામાં 41 મીમી, ઉમરગામમાં 40 મીમી, રાણાવાવામાં 31 મીમી, ઉપલેટા અને પોરબંદમાં 30 મીમી, વલસાડમાં 27 મીમી, બરવાળામાં 26 મીમી, ચીખલી અને ગણદેવીમાં 25 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય 16 તાલુકામાં અડધા ઈંચથી વધુ તો, 63 તાલુકામાં અડધા ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.