IMD Weather Forecast, Gujarat winter : ગુજરાતમાં ફરીથી શીત લહેર શરુ થઈ ગઈ છે. ઠંડા પવનો ફૂંકાતા લોકો ઠુંઠવાયા હતા. શુક્રવારે વહેલી સવારથી જ ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થયું હતું. આગામી દિવસોમાં પણ ઠંડા પવનો ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે. ગુરુવારે ગુજરાતમાં ઠંડી ઓછી થઈ હતી. ઠંડીનો પારો ઉચકાયો હતો. ગુજરાતમાં નલિયામાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે ગુજરાતનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. જ્યારે દ્વારકામાં 22.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ઉત્તર ભારતની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 જાન્યુઆરીથી દિલ્હી સહિત પડોશી રાજ્યોના વિવિધ ભાગોમાં ઠંડીની લહેર પ્રવર્તે તેવી શક્યતા છે.
ગુજરાતમાં ઠંડીનો પારો ત્રણ ડિગ્રી જેટલો ઉચકાયો
હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં બુધવારની તુલનાએ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઠંડીનો પારો આશરે ત્રણ ડિગ્રી જેટલો ઉચકાયો છે. જોકે ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે ઠંડીનો ચમકારો લાગી રહ્યો છે. ગુરુવારે ગુજરાતમાં નલિયામાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે ગુજરાતનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. જ્યારે દ્વારકામાં 22.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં બુધવારે 13.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું જે ગુરુવારે વધીને 17 ડિગ્રી નોંધાયું હતું.
ગુજરાતમાં ગુરુવારે ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
શહેર મહત્તમ લઘુત્તમ અમદાવાદ 29.4 17.0 ડીસા 27.0 17.8 ગાંધીનગર 28.5 16.2 વલ્લભ વિદ્યાનગર 27.8 14.5 વડોદરા 28.6 14.4 સુરત 29.5 16.0 વલસાડ 30.5 13.0 દમણ 26.0 16.0 ભુજ 26.5 17.6 નલિયા 24.6 14.8 કંડલા પોર્ટ 26.6 16.5 કંડલા એરપોર્ટ 29.2 16.2 ભાવનગર 29.3 17.4 દ્વારકા 24.2 22.2 ઓખા 24.8 21.8 પોરબંદર 28.2 17.0 રાજકોટ 28.9 18.7 વેરાવળ 28.4 19.3 દીવ 27.0 17.0 સુરેન્દ્રનગર 28.6 19.0 મહુવા 28.8 16.3
ઉત્તર ભારતના રાજ્યોમાં ઘાઢ ધુમ્મસ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કોલ્ડવેવના કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમ યુપીમાં ધુમ્મસની સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. જ્યારે પૂર્વ યુપી અને બિહારમાં હજુ પણ ગાઢથી ગાઢ ધુમ્મસ છવાયેલુ છે. ભારતીય હવામાન વિભાગે ગુરુવારે ઉત્તર ભારતમાં આવતા સપ્તાહથી શીત લહેરનો નવો તબક્કો શરૂ થવાની અને તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે.
શીત લહેર ચાલુ રહેશે
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 15-16 જાન્યુઆરી સુધી ઠંડીનું મોજું ચાલુ રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે વર્તમાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં ધરખમ ફેરફારો થયા છે. તેમણે કહ્યું કે અમે આવતીકાલ (13 જાન્યુઆરી)થી પશ્ચિમી વિક્ષેપ પૂર્વ તરફ આગળ વધવાની અપેક્ષા રાખીએ છીએ. જેથી 48 કલાક બાદ તાપમાનમાં ઘટાડો શરૂ થશે. તેવી જ રીતે, 15મી અને 16મી જાન્યુઆરીથી સમગ્ર ઉત્તર-પશ્ચિમ ભારતમાં શીત લહેરોની સ્થિતિ ફરી ઉભી થવાની સંભાવના છે.
ઘણા રાજ્યોમાં કોલ્ડ વેવની ચેતવણી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 15, 16 અને 17 જાન્યુઆરીએ, ઉત્તર રાજસ્થાનના કેટલાક ભાગોમાં અને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢના અલગ-અલગ સ્થળોએ ઠંડા મોજાથી ગંભીર શીત લહેરની સ્થિતિની અપેક્ષા છે. વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને અડીને આવેલા મધ્ય ભારતના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નથી અને 14 જાન્યુઆરીથી તેમાં 3-5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગે 12 અને 13 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના આસપાસના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે.





