Gujarat weather winter news, IMD forecast : ઉત્તર ભારતમાં હિમવર્ષા થવા જઈ રહી છે ત્યારે ગુજરાતમાં ઠંડીમાં નજીવો ઘટાડો થયો છે. જોકે, પવનના કારણે ઠંડીનો ચમકારો અનુભવાય છે. ઉત્તર ભારતની વાત કરીએ તો ઉત્તર ભારતમાં આગામી પાંચ દિવસમાં કોલ્ડવેવ ઓછી થશે અને દિલ્હી સહિતના વિસ્તારોમાં 23 તારીખથી વરસાદની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા કલાકો દરમિયાન ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને જમ્મુ અને કાશ્મીરમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ હતી. 21 થી 26 જાન્યુઆરી સુધી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હિમવર્ષા થવાની સંભાવના છે.
ગુજરાતમાં ઠંડીમાં નજીવો ઘટાડો, નલિયમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું
ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીમાં નજીવો ઘટાડો થતો જાય છે. જોકે, પવનના કારણે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. ગુજરાતમાં નલિયામાં 7.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું જ્યારે ઓખા 19.9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે સૌથી ગરમ શહેર નોંધાયું હતું. આ ઉપરાંત ગુજરાતના વિવિધ શહેરોમાં 10થી 15 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
શહેર | મહત્તમ | લઘુત્તમ |
અમદાવાદ | 28.3 | 13.4 |
ડીસા | 28.4 | 10.7 |
ગાંધીનગર | 26.2 | 11.7 |
વલ્લભ વિદ્યાનગર | 28.4 | 10.6 |
વડોદરા | 30.0 | 12.6 |
સુરત | 31.4 | 13.8 |
વલસાડ | 30.0 | 13.0 |
દમણ | 27.0 | 15.0 |
ભુજ | 30.8 | 11.7 |
નલિયા | 28.6 | 7.2 |
કંડલા પોર્ટ | 27.6 | 12.4 |
કંડલા એરપોર્ટ | 29.2 | 10.3 |
ભાવનગર | 28.6 | 12.0 |
દ્વારકા | 29.2 | 15.7 |
ઓખા | 24.5 | 19.9 |
પોરબંદર | 30.4 | 10.9 |
રાજકોટ | 32.0 | 11.9 |
વેરાવળ | 28.3 | 15.4 |
દીવ | 27.1 | 11.3 |
સુરેન્દ્રનગર | 30.3 | 13.3 |
મહુવા | 31.4 | 11.9 |
ઉત્તર ભારતના રાજ્યોમાં કેવું છે હવામાન
હવામાન વિભાગ (IMD) અનુસાર ગુરુવારે દક્ષિણ હરિયાણા, પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશના ઉત્તરીય ભાગ અને બિહારના કેટલાક વિસ્તારોમાં શીત લહેરનો પ્રકોપ ચાલુ રહ્યો હતો. ઉત્તર મધ્ય પ્રદેશના કેટલાક ભાગો અને પૂર્વ ઉત્તર પ્રદેશ અને હરિયાણાના અલગ-અલગ ભાગોમાં લઘુત્તમ તાપમાન બે થી પાંચ ડિગ્રી સેલ્સિયસ હતું. દિલ્હીનું તાપમાન 5.6 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 1.4 ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. પરંતુ આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ભારતમાં શીત લહેર આવવાની કોઈ શક્યતા નથી.
શું છે હવામાન વિભાગની આગાહી?
હવામાન વિભાગે જણાવ્યું હતું કે તીવ્ર પશ્ચિમી વિક્ષેપ 20 જાન્યુઆરીથી 26 જાન્યુઆરીની રાત્રિ દરમિયાન પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર અને 23 થી 26 જાન્યુઆરી, 2023 દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોને અસર કરે તેવી સંભાવના છે. વિભાગે કહ્યું કે તેના પ્રભાવ હેઠળ 20 થી 22 જાન્યુઆરીએ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવોથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.
આ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગ પ્રમાણે 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. દરમિયાન, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાનના ભાગો અને દિલ્હીમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે, જેનાથી શીત લહેરોની સ્થિતિમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થયો છે, જ્યારે પાલમમાં લઘુત્તમ તાપમાન નવ ડિગ્રી પર પહોંચી ગયું છે. પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાના ભાગોમાં મધ્યમ ધુમ્મસ જોવા મળ્યું હતું.