IMD Weather Forecast, Gujarat winter : ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વધતો જાય છે. ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધતી જાય છે. ઠંડા પવનના કારણે લોકો ઠંડીમાં ઠુંઠવાય છે. ત્યારે ગુજરાતમાં ફરીથી 10 ડિગ્રીથી નીચે તાપમાન ગયું છે. આગામી દિવસોમાં ઠંડી વધવાનું હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે. ઉત્તર ભારતની વાત કરીએ તો ઠંડી સતત વધતી જાય છે. આગામી દિવસોમાં પણ ઠંડીમાંથી રાહત મળવાની સંભાવના નથી. હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં આગામી ત્રણ દિવસોમાં હિમવર્ષા ચાલું રહેશે.
ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન?
ઉત્તર ભારતમાં કોલ્ડવેવના પગલે ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાઇ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાતમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન નીચું જશે. ઉત્તરાયણના દિવસે પણ ઠંડો પવન રહેશે. લોકો ધાબા ઉપર પણ ઠુંઠવાશે. બુધવારે નલિયામાં સૌથી નીચું તાપમાન 9.4 ડિગ્રી નોંધાયું છે જ્યારે અમદાવાદમાં 13.7 ડિગ્રી, ગાંધીનગરમાં 12.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે.
ગુજરાતમાં બુધવારે ક્યાં કેવી ઠંડી નોંધાઈ
શહેર | મહત્તમ | લઘુત્તમ |
અમદાવાદ | 30.5 | 13.7 |
ડીસા | 28.5 | 13.9 |
ગાંધીનગર | 29.8 | 12.3 |
વલ્લભ વિદ્યાનગર | 28.4 | 13.3 |
વડોદરા | 30.2 | 11.4 |
સુરત | 30.4 | 15.0 |
વલસાડ | 30.5 | 13.0 |
દમણ | 27.0 | 13.4 |
ભુજ | 30.5 | 14.8 |
નલિયા | 27.2 | 9.4 |
કંડલા પોર્ટ | 28.0 | 16.6 |
કંડલા એરપોર્ટ | 31.0 | 15.0 |
ભાવનગર | 28.8 | 15.4 |
દ્વારકા | 25.1 | 19.4 |
ઓખા | 26.0 | 20.4 |
પોરબંદર | 29.0 | 16.0 |
રાજકોટ | 30.0 | 14.1 |
વેરાવળ | 31.6 | 18.6 |
દીવ | 28.6 | 14.0 |
સુરેન્દ્રનગર | 30.0 | 15.0 |
મહુવા | 31.4 | 13.9 |
હિમાચલમાં હિમવર્ષા ચાલું રહેશે
ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિ અને કિન્નૌરના કેટલાક વિસ્તારોમાં 3 દિવસ સુધી હિમવર્ષા ચાલુ રહેશે. ઊંચા વિસ્તારોમાં મધ્યમ હિમવર્ષા જ્યારે અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ/બરફ પડવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં હળવો વરસાદ પડશે અને હિમવર્ષાની શક્યતા ઓછી છે.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ અને જીજા બાઇની જન્મજયંતિ, રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી
અન્ય વિસ્તારોમાં હવામાન કેવું છે?
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર અંબાલા, હિસાર, બહરાઇચ અને ગયા જેવા શહેરોમાં પણ ગાઢ ધુમ્મસની સ્થિતિ જોવા મળી રહી છે. આ શહેરોમાં વિઝિબિલિટી 50 મીટરની આસપાસ નોંધાઈ છે. ઉત્તર પ્રદેશના લખનૌમાં વિઝિબિલિટી 100 નોંધવામાં આવી છે. આ અપડેટ સિવાય ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગુરુવારથી પૂણે, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ભાગોમાં ઠંડી વધશે.
ઉત્તર ભારતના આ રાજ્યોમાં કોલ્ડવેવની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં 15 અને 16 જાન્યુઆરીએ કોલ્ડવેવની શક્યતા છે. તેમજ બિહાર અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ઠંડી વધવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં રાત્રી અને સવારના સમયે જુદા જુદા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. આગામી 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, પશ્ચિમ મધ્ય પ્રદેશમાં પણ ધુમ્મસની શક્યતા છે. 11 અને 12 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ઠંડીની અસર ખૂબ જ મજબૂત રહેવાની શક્યતા છે.