ગુજરાતની વિધાનસભાની ચૂંટણી સમયે જ ભાજપના ઉમેદવાર અને પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપી છે. ગુજરાત હાઇકોર્ટે હાર્દિક પટેલને જામીનની શરતોમાં રાહત આપવાની સાથે સાથે મહેસાણામાં પ્રવેશવાની પણ મંજૂરી આપી છે. હાર્દિક પટેલને મળેલી રાહતોનો ભાજપ હાલની ચૂંટણીમાં ભરપૂર ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે.
ચૂંટણી ટાણે હાર્દિક પટેલને રાહત, ભાજપ ફાયદો ઉઠાવશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વિરમગામ બેઠક પરના ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલને શુક્રવારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીનની શરતમાં કામચલાઉ છૂટછાટ આપવામાં આવી હતી, જેમાં તેને મહેસાણાની હદમાં પ્રવેશવા પર પ્રતિબંધ હતો. હવે જામીનની શરતોમાં આ છુટછાટ નવેમ્બર 2023 સુધીના એક વર્ષ માટે લાગુ રહેશે.
હાર્દિક પટેલે અદાલતમાં રજૂઆત કરી હતી કે જ્યારે જામીનની શરત લાદવામાં આવી હતી ત્યારે અદાલત સમક્ષ કેસની ટ્રાયલ પેન્ડિંગ હતી અને ત્યારે તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો, જેમાં વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન સંબંધિત થયેલી એફઆઇઆરમાં વિસનગરની કોર્ટે જુલાઇ 2018માં તેને બે વર્ષની કેદની સજા ફટકારી હતી. જો કે ગુજરાત હાઈકોર્ટે ઓગસ્ટ 2018માં વિસનગરની અદાલતે સંભળાવેલી સજા સ્થગિત કરી અને દોષિત ઠરાવવા વિરુદ્ધ હાર્દિક પટેલે કરેલી અપીલ હાલ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટે આ વર્ષે એપ્રિલમાં હાર્દિક પટેલને દોષી ઠેરવવાના આદેશને સ્થગિત કરી દીધો હતો.
હાર્દિક પટેલે તેના એડવોકેટ રફીક લોખંડવાલા મારફત એવી રજૂઆત કરી કે, તે ભાજપનો સભ્ય છે, તેને વિધાનસભાની ચૂંટણી લડવા માટે ભાજપ દ્વારા ઉમેદવારી આપવામાં આવી છે, પ્રચાર અને રાજકીય જવાબદારીઓ પુરી કરવા માટે મહેસાણા સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પ્રવાસ કરવો પડશે.
એવી રજૂઆત પણ કરી હતી કે ઉમિયા માતાજીનું મંદિર પણ મહેસાણાના ઊંઝામાં આવેલું છે અને જામીનની કડક શરતોને કારણે હાર્દિક સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપી શકતો નથી, તેમ છતાં તેને મહેસાણામાં સંખ્યાબંધ વિવિધ કાર્યક્રમોમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.
શુક્રવારે ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ એસએચ વોરા ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલને જામીનની શરતમાં એક વર્ષ માટે છૂટછાટ આપી છે. હાર્દિકે જામીનની શરતને દૂર કરવા માટે પણ અરજી દાખલ કરી છે, જે હાલ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે, આ કેસમાં આગામી સુનાવણી જાન્યુઆરી 2023માં હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
શું છે સમગ્ર મામલો?
આ કેસ વર્ષ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન અને ત્યારબાદ થયેલી હિંસક ઘટનાઓ સાથે સંકળાયેલો છે. વર્ષ 2015માં હાર્દિક પટેલે ગુજરાતની ભાજપ સરકારની વિરુદ્ધ રાજ્યમાં અનામત આંદોલન શરૂ કર્યું હતું. 23 જુલાઇ 2015ના રોજ હાર્દિક અને તેના સાથીયો એ ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરી હતી. તે સમયે વિસનગરની કોર્ટે હાર્દિક અને તેના સાથીઓને દોષી ગણ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જો કે આ ચૂકાદાની વિરુદ્ધ હાર્દિક પટેલે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી અને ત્યાં તેને રાહત આપવામાં આવી હતી.