Gujarat Rain : હવામાન વિભાગની આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ ચાલુ છે. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં અનારાધાર વરસાદ વરસી રહ્યો છે. સવારથી અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ ખંભાળીયા તાલુકામાં 9 ઈંચ વરસાદ નોંધાયો છે, ત્યારબાદ બીજા નંબરે દેવભુમિ દ્વારકા જિલ્લાના જ કલ્યાણપુરામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી પરિસ્થિતિની વાત કરીએ તો, ખંભાળીયા શહેર સહિત આજુબાજુના ગામોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ખંભાળીયા શહેરમાં રામનાથ સોસાયટી, સોની બજાર વિસ્તારમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો તથા રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ બાજુ શહેરની નજીક પસાર થતી ઘી નદીના ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતા તંત્રએ ખામનાથ પાસે ડેમના દરવાજા ખોલ્યા છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં રસ્તા પર જાણે નદીઓ વહી રહી છે. તાલુકાના કેટલાક ગામના રોડ પર પાણી ફરી વળતા જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે વરસાદી સ્થિતિનું નિરિક્ષણ કર્યું
આ બાજુ છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ જુનાગઢ, ગીર સોમનાથ પંથકમાં તારાજી સર્જી હતી. જેને પગલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્ના જૂનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારોમાં થયેલ ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિ નું હવાઈ નિરીક્ષણ કર્યું હતું તેમણે વેરાવળ સોમનાથ માંગરોળ ઘેડ સહિત ના વિસ્તારો નું હવાઈ નિરીક્ષણ કરી વરસાદી સ્થિતિ નો ક્યાસ મેળવ્યો હતો.
સવારથી અત્યાર સુધી ક્યાં કેટલો વરસાદ નોંધાયો
સવારથી અત્યાર સુધીના વરસાદના આંકડા પર નજર કરીએ તો, સૌથી વધુ ખંભાળીયામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે, તો કલ્યાણપુરામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, તો દ્વારકા શહેરમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય પોરબંદરના રાણાવાવમાં 2.50 ઈંચ વરસાદ નોંધાયો છે. આ બાજુ જુનાગઢમાં મોટા ભાગના વિસ્તારમાં 2 ઈંચથી વધુ વરસાદ પડી ચુક્યો છે. ગીર સોમનાથના તલાલામાં પણ 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મોટા ભાગના સ્થળોએ વરસાદ પડ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને નવસારીમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો – અમદાવાદ: ઈસ્કોન બ્રિજ અકસ્માત – આરોપી તથ્ય પટેલ કોણ છે? પિતા પ્રજ્ઞેશ પટેલ સામે પણ ગેંગરેપનો આરોપ
24 કલાકમાં ક્યાં કેવો વરસાદ નોંધાયો
ગઈકાલ સવારથી આજે સવાર સુધીમાં 24 કલાકની વાત કરીએ તો, દેવભૂમિ દ્વારકામાં જ સૌથી વધુ 9.50 ઈંચ વરસાદ પડ્યો છે. આ સિવાય પોરબંદર શહેરમાં 6.50, જુનાગઢના કેશોદમાં 6.25 ઈંચ, ખંભાળીયામાં 5 ઈંચથી વધુ, જુનાગઢના માણાવદર, માંગરોળમાં પણ 5-5 ઈંચથી વધુ, તો કચ્છના અબડાસા, રાજકોટના જામકંડોરણામાં, જામનગરના દ્રોલ અને જામજોધપુર, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરા અને ભાવનગરના મહુવામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. તો અમદાવાદના ધોલેરા, જુનાગઢના વંથલી, રાજકોટના ઉપલેટા અને કોટડાસાંગણી અને ધોરાજી, અમરેલી શહેર અને કચ્છના ભચાઉમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય 14 તાલુકામાં 2 ઈંચથી વધુ, તો 4 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.





