Cyclone Biparjoy: ચક્રવાત બિપરજોય એક ખતરનાક વાવાઝોડું છે જે આગામી દિવસોમાં ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. જો તમે એવા વિસ્તારમાં રહો છો કે જે જોખમમાં છે, તો તૈયારી કરવા માટે પગલાં લેવાનું મહત્વપૂર્ણ છે. વાવાઝોડાની સ્થિતિમાં પોતાને અને પરિવારને કેવી રીતે સુરક્ષિત રાખવો ખાસ જરૂરી છે. વહીવટી તંત્ર દ્વારા અપાતી સુચનાઓનું પાલન કરવું ખાસ જરૂરી છે.
ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં બિપરજોય સાયક્લોનનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ અને રાજ્યના જિલ્લાઓમાં અગામી દિવસો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 40-50 કિમી સ્પીડે પવન ફૂંકાવાની પણ જાહેરાત કરી છે. ક્યાં કેટલી ઝડપે પવન ફૂંકાશે? વરસાદ થશે? સહિત મુદ્દે હવામાન વિભાગે આગાહી જાહેર કરી સચેત રહેવા તાકીદ કરી છે.
ચક્રવાત બિપરજોય માટે કેવી રીતે તૈયારી કરવી તેની કેટલીક ટીપ્સ
વાવાઝોડા અંગે માહિતગાર રહો
વાવાઝોડાની કુદરતી આફત સામે સુરક્ષિત રહેવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તોફાન વિશે માહિતગાર રહો, વાવાઝોડાની સ્થિતિ અને વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાતી અપડેટ્સ માટે ન્યૂઝ વાંચો, રેડિયો અથવા ટીવી સાંભળો અને અધિકારીઓની સૂચનાઓનું પાલન કરો.
વાવાઝોડા સામે સજ્જ બનો
જો તોફાન આવે તો કેવી સ્થિતિ સર્જાઇ શકે એ અંગે સજ્જ બનો. કેવી પરિસ્થિતિમાં શું કરવું પડે એ માટે તૈયાર રહો. વધુ પવનમાં સુરક્ષિત સ્થળે રહો, ઘરની બહાર ન નીકળો. ખરાબ સ્થિતિમાં સ્થળ ખાલી કરવું અથવા તોફાનમાં રહેવાનું પણ થઇ શકે.છે એ માટે એલર્ટ રહો.
ઘર બહાર વસ્તુઓ ઠેકાણે કરો
ગુજરાતના દરિયા કિનારાના જિલ્લાઓમાં વાવાઝોડું તીવ્ર ગતિએ ફૂંકાવાની આશંકા છે. જે જોતાં સુરક્ષાના ભાગરૂપે ઘર બહાર કે આસપાસની ઉડી જાય એવી વસ્તુઓ જેવી કે નાનું મોટું ફર્નિચર, કચરાપેટી, પતરા સહિતની વસ્તુઓને સુરક્ષિત કરી દો.
જરૂરી પુરવઠાનો સ્ટોક કરો
બિપરજોય વાવાઝોડું આશરે ત્રણેક દિવસ સુધી ભારે રહેવાની આગાહી જોતાં ઓછામાં ઓછા ત્રણ દિવસ માટે પૂરતો ખોરાક, પાણી, જરૂરી દવાનો પુરવઠો સાચવી લો. આ દિવસોમાં વીજળી જવાની પણ શક્યતાઓ હોવાથી બેટરી, ફ્લેશલાઈટ પણ જરૂરી છે.
સંપર્ક માટે જરૂરી તકેદારી
વાવાઝોડાની સ્થિતિમાં કોઇ મુસીબત સર્જાય તો કટોકટીના સમયે વહીવટી તંત્ર, પરિવાર કે મિત્રો સાથે સંપર્ક કરવા માટે તમારી પાસે ફોન, મોબાઇલ કે અન્ય પધ્ધતિની ખાતરી કરો. મોબાઇલ બેટરી ચાર્જ છે કે નહીં એ પણ ખાતરી કરો, બેટરી બેંક પણ ચાર્જ કરી સાથે રાખો.
સ્થળ ખાલી કરવા તૈયાર રહો
જો સ્થિતિ ગંભીર બને અને સ્થળાંતર કરવા માટે કહેવામાં આવે તો સ્થળાંતર કરવા તૈયાર રહો. છેલ્લી ઘડી સુધી રાહ ન જુઓ. ચક્રવાત બિપરજોય એક શક્તિશાળી તોફાન છે એ યાદ રાખી તંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાઓનું ચુસ્ત પણે પાલન કરો.