illegal judge promotion cases in Gujarat : સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં જિલ્લા ન્યાયાધીશ કેડરમાં 68 ન્યાયાધીશોની બઢતીને ગેરકાયદેસર ગણાવી પ્રમોશનની યાદી પર સ્ટે મુક્યો છે. આ 68 જજોમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અપરાધિક માનહાનિના કેસમાં દોષિત ઠેરવનારા જજ હરીશ હસમુખભાઈ વર્માનો પણ સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, જે ન્યાયાધીશોને હાલમાં પ્રમોશન આપવામાં આવ્યું છે, તેમને તેમના મૂળ પદ (જૂની પોસ્ટ) પર પાછા મોકલવામાં આવે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
જસ્ટિસ એમ.આર.શાહે કહ્યું કે, એ નોંધવું જરૂરી છે કે, ગુજરાત ભરતી નિયમો મુજબ, બઢતી માટેનો માપદંડ ‘મેરિટ કમ સિનિયોરિટી’ અને યોગ્યતા કસોટી છે. તેથી અમે સંતુષ્ટ છીએ કે, રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ આદેશ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું ઉલ્લંઘન કરે છે. જસ્ટિસ શાહે વધુમાં કહ્યું- જો કે અમે આ અરજીનો નિકાલ કરવા માંગતા હતા, એડવોકેટ દુષ્યંત દવે ઈચ્છતા નથી કે, અમે અરજીનો નિકાલ કરીએ.
જસ્ટીસ શાહે વધુમાં જણાવ્યું હતું કે, “રાજ્ય સરકારે અધિકારીઓને બઢતી આપવાનો નિર્ણય લીધો હોવાથી અમે આ પ્રમોશન લિસ્ટના અમલ પર રોક લગાવીએ છીએ. જે ન્યાયાધીશોને બઢતી આપવામાં આવી છે, તેમને તેમના મૂળ પદ પર પાછા મોકલવા જોઈએ. સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, સ્ટે ઓર્ડર એ લોકો સુધી મર્યાદિત રહેશે જેમના નામ પ્રથમ 68 પ્રમોટેડ લિસ્ટમાં નથી.
8 ઓગસ્ટે અંતિમ સુનાવણી
સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું છે કે, આ મામલાને 8 ઓગસ્ટ 2023ના રોજ અંતિમ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ જે બેંચને કેસ સોંપશે તે વધુ સુનાવણી કરશે.
ક્યાંથી શરૂ થયો વિવાદ?
ગુજરાત સરકારના બે અધિકારીઓ રવિ કુમાર મહેતા અને સચિન પ્રતાપ રાય મહેતા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. બંને વરિષ્ઠ સિવિલ જજ કેડરના અધિકારીઓ છે અને પોતે 65 ટકા પ્રમોશન ક્વોટા માટે પરીક્ષામાં હાજર રહ્યા હતા. રવિ કુમાર મહેતા ગુજરાત સરકારના કાનૂની વિભાગમાં અન્ડર સેક્રેટરી છે, જ્યારે સચિન પ્રતાપ રાય મહેતા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળમાં મદદનીશ નિયામક છે.
બંને ઓફિસરોનો આરોપ છે કે, પ્રમોશન માટે થયેલી પરીક્ષામાં તેમનાથી ઓછા માર્ક્સ મેળવનાર જજોનુ જિલ્લા જજ કેડરમાં સિલેક્શન કરવામાં આવ્યું. જ્યારે વધારે માર્ક્સ મેળવનારને પ્રમોશન ન મળ્યું.
માપદંડ બદલવાનો આરોપ હતો
બંને અધિકારીઓએ તેમની અરજીમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે, 68 જજોના પ્રમોશનમાં નિર્ધારિત માપદંડોનું પાલન કરવામાં આવ્યું નથી. એવો આક્ષેપ છે કે, બઢતી માટે પરીક્ષાની સાથે “મેરિટ કમ સિનિયોરિટી” માપદંડ રાખવામાં આવ્યો હતો, પરંતુ પસંદગી “વરિષ્ઠતા કમ મેરિટ”ના આધારે કરવામાં આવી હતી. જેના કારણે યોગ્ય અને વધુ માર્કસ મેળવનાર બહાર થઈ ગયા.
હાઈકોર્ટે કયા માપદંડો નક્કી કર્યા?
ગુજરાત હાઈકોર્ટે ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં 65% પ્રમોશન ક્વોટા માટેનું ધોરણ નક્કી કર્યું છે, તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, સિનિયર સિવિલ જજથી ડિસ્ટ્રિક્ટ જજ કેડરમાં બઢતીનો આધાર સૂટેબિલિટી ટેસ્ટ અને મેરિટ કમ સિનિયોરિટી હશે.