Cyclone Biparjoy : સુરતમાં ભારે પવનને કારણે અલગ-અલગ બે ઘટનાઓમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો.
બિપરજોય વાવાઝોડાની અસર ગુજરાતના કચ્છના દરિયાકાંઠે વધારે હતી, આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાયો હતો. સુરતમાં ભારે પવનને કારણે વાડી ફળિયાના રહેવાસી કૃણાલ જરીવાલા (26)નું મોત નીપજ્યું છે, જ્યારે નાણાવટાના દિવાલવાળા વિસ્તારમાં ભારે પવનને કારણે જૂની બે માળની ઇમારતની છતનો એક ભાગ તૂટી પડ્યો. ફાયર વિભાગે ઘાયલ યુવકને કાટમાળ નીચેથી બહાર કાઢ્યો અને તેને SMIMER હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં શુક્રવારે મોડી રાત્રે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
ફાયર ઓફિસર બલવંત સિંહે જણાવ્યું હતું કે, ‘બિલ્ડીંગની હાલત જર્જરિત હતી. પવનને કારણે છતને નુકસાન થયું હતુ અને અને છત જમીન પર પડતા કુણાલને ઈજા થઈ હતી. અમે કાટમાળ હટાવી લીધો છે. પ્રોપર્ટીમાં કોઈ રહેતું ન હતું.”
અન્ય એક ઘટનામાં, 1,000 લિટરની ક્ષમતાવાળી ખાલી પાણીની ટાંકી એક બિલ્ડિંગના ચોથા માળેથી રાહદારી પર પડી હતી. આ ઘટના શનિવારે બપોરે ભેસ્તાનમાં EWS આવાસ પાસે બની હતી. જેમાં 25 વર્ષીય યુવકને માથા અને પીઠમાં ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
ઘટના બાદ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો EWS આવાસ પર પહોંચી હતી અને તમામ બિલ્ડીંગમાંથી પાણીની ખાલી ટાંકીઓ હટાવી હતી.
આ પણ વાંચો – બિપરજોય વાવાઝોડું નબળું પડ્યું, એલઆઈસીએ ચક્રવાતથી પ્રભાવિત લોકો માટે રાહતની કરી જાહેરાત
સુરતમાં છેલ્લા બે દિવસથી 45 કિમી પ્રતિ કલાકથી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વૃક્ષો ધરાશાયી થયા હતા, ઇલેક્ટ્રિક થાંભલાઓ અને હોર્ડિંગ્સને નુકસાન થયું હતું.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ઝાડ પડવાની 25 થી વધુ ઘટનાઓ બની છે.





