India Billionaire MP ADR Reports : ભારતની સંસદમાં મોટી સંખ્યામાં કરોડપતિ સાંસદો બેઠા છે, જેમની પાસે કરોડો રૂપિયાની સંપતિ છે. વર્તમાન 763 સાંસદોની કુલ સંપત્તિ 29,251 કરોડ રૂપિયા છે. આ માહિતી ચૂંટણી અધિકાર સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના વિશ્લેષ્ણમાં બહાર આવી છે. દેશના 763 સાંસદમાંથી 53 સાંસદ (7 ટકા) અબજોપતિ સાંસદ છે. લોકસભા અને રાજ્યસભાના વર્તમાન સાંસદોની સરેરાશ સંપત્તિ 38.33 કરોડ રૂપિયા છે.
ક્યા રાજ્યના સાંસદ સૌથી વધુ ધનિક
સૌથી વધુ સરેરાશ સંપત્તિ ધરાવતા રાજ્યોમાં તેલંગાણા છે, જ્યાં 24 સાંસદોની સરેરાશ સંપત્તિ 262.26 કરોડ રૂપિયા છે. ત્યારબાદ આંધ્રપ્રદેશના 36 સાંસદો પાસે 150.76 કરોડ અને પંજાબના 20 સાંસદો પાસે સરેરાશ 88.94 રૂપિયાની સંપત્તિ છે. ગુજરાતના 37 સાંસદોની કુલ સંપત્તિ 31.86 કરોડ રૂપિયા જેટલી થાય છે.
ક્યાં રાજ્યના સાંસદ સૌથી વધુ ગરીબ
સૌથી ઓછી સંપત્તિ ધરાવતા સાંસદોની વાત કરીયે તો 9.38 લાખની સરેરાશ સંપત્તિ સાથે લક્ષદ્વીપ છે, તેનો એક જ સાંસદ સભ્ય છે. ત્યારબાદ ત્રિપુરાના 3 સાંસદોની સરેરાશ સંપત્તિ 1.09 કરોડ રૂપિયા અને મણિપુરના 3 સાંસદો પાસે 1.12 કરોડ રૂપિયાની સરેરાશ સંપત્તિ છે.
ક્યા રાજકીય પક્ષોના સાંસદ સૌથી વધુ ધનિક
રાજકીય પક્ષો અનુસાર વાત કરીયે તો ધનિક સાંસદોના મામલે ભાજપ પ્રથમ ક્રમે છે. ભાજપના 385 સાંસદોની સરેરાશ સંપત્તિ 18.31 કરોડ રૂપિયા છે. ત્યારબાદ કોંગ્રેસના 81 સાંસદોની સરેરાશ સંપત્તિ 39.12 કરોડ રૂપિયા, એઆઇટીસીના 36 સાંસદોની 8.72 કરોડ રૂપિયા, YSRCPના 31 સાંસદોની સરેરાશ સંપત્તિ 153.76 કરોડ રૂપિયા, TRSના 16 સાંસદોની સરેરાશ સંપત્તિ 383.51 કરોડ રૂપિયા, NCPના 8 સાંસદોની સરેરાશ સંપત્તિ 30.11 કરોડ રૂપિયા અને આપ પાર્ટીના 11 સાંસદો પાસે સરેરાશ 119.84 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
તેલંગાણામાં સૌથી વધુ અબજોપતિ સાંસદો
દેશના સંસદના 763 સાંસદમાંથી 53 સાંસદ અબજોપતિ છે એટલે કે તેમની પાસે 100 કરોડ રૂપિયાથી પણ વધારે સંપત્તિ છે. અબજોપતિ સાંસદની વાત કરીયે તો તેલંગાણાના 24 સાંસદોમાંથી 7 (29 ટકા), આંધ્રપ્રદેશના 36 સાંસદોમાંથી નવ (25 ટકા), દિલ્હીના 10માંથી બે (20 ટકા), પંજાબના 20માંથી 4 (20 ટકા ), ઉત્તરાખંડના 8માંથી 1 (13 ટકા), મહારાષ્ટ્રના 65માંથી 6 (9 ટકા) અને કર્ણાટકના 39 સાંસદોમાંથી 3 (8 ટકા) સાંસદ અબજોપતિ છે. જો ગુજરાતની વાત કરીયે તો 37માંથી માત્ર 2 જ સાંસદ અબજોપતિ છે, જેમની પાસે 100 કરોડ રૂપિયાથી વધારે સંપત્તિ છે.
જો રાજકીય પક્ષો અનુસાર આંકડા જોઇએ તો ભાજપના 385 સાંસદોમાંથી લગભગ 14 (4 ટકા), કોંગ્રેસના 81માંથી 6 (7 ટકા), ટીઆરએસના 16માંથી 7 (44 ટકા), YSRCP 31માંથી 7 (23 ટકા), આપ પાર્ટીના 11 સાંસદોમાંથી 3 (27 ટકા), SADના 2 સાંસદોમાંથી 2 (100 ટકા) અને AITCના 36 સાંસદોમાંથી 1 (3 ટકા) સાંસદ અબજોપતિ છે, જેમની પાસે 100 કરોડ રૂપિયાથી વધારે સંપત્તિ છે.
આ પણ વાંચો | દેશના 40 ટકા સાંસદ ગુનાહિત ઇતિહાસવાળા, સૌથી વધુ ભાજપના; જાણો ગુજરાતના કેટલા?
ભાજપના 385 સાંસદોની કુલ સંપત્તિ 7,051 કરોડ રૂપિયા થાય છે. તેવી જ રીત TRSના 16 સાંસદો પાસે કુલ 6,136 કરોડ રૂપિયા, YSRCPના 31 સાંસદો પાસે 4,766 કરોડ રૂપિયા, કોંગ્રેસના 81 સાંસદો પાસે 3,169 કરોડ રૂપિયા અને આપ પાર્ટીના 11 સાંસદોની કુલ સંપત્તિ 1,318 કરોડ રૂપિયા છે.