CWG 2030: કોમનવેલ્થ ગેમ્સના એક્ઝિક્યુટિવ બોર્ડે બુધવારે 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે પ્રસ્તાવિત યજમાન શહેર તરીકે અમદાવાદની ભલામણ કરી છે. આ સાથે જ અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાય તેવી પ્રબળ સંભાવના છે. હવે આ મુદ્દે અંતિમ નિર્ણય હવે 26 નવેમ્બરે ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ જનરલ એસેમ્બલીમાં લેવામાં આવશે.
યજમાન શહેર તરીકે અમદાવાદની ભલામણ
કોમનવેલ્થ ગેમ્સના એક્ઝિક્યુટિવ બોર્ડે પુષ્ટિ કરી છે કે તે 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે પ્રસ્તાવિત યજમાન શહેર તરીકે ભારતના અમદાવાદની ભલામણ કરશે. હવે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સના સંપૂર્ણ સભ્યપદ માટે પ્રસ્તાવ મૂકવામાં આવશે, જેના અંગે આખરી નિર્ણય તારીખ 26મી નવેમ્બરે ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ જનરલ એસેમ્બલીમાં લેવામાં આવશે.
અમિત શાહે શું કહ્યું
આ સિદ્ધિ પછી ગૃહ મંત્રી અમિત શાહે X પર પોસ્ટ કર્યું અને પીએમ નરેન્દ્ર મોદીના પ્રયાસોની પ્રશંસા કરી અને કહ્યું કે આ ભારત માટે ગર્વની ક્ષણ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેને ભારત અને ગુજરાત માટે ગર્વની ક્ષણ ગણાવી હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોની પણ પ્રશંસા કરી હતી.
ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું કે કોમનવેલ્થ એસોસિએશને ભારતને અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની કરવાની મંજૂરી આપી છે તે માટે દરેક ભારતીયને અભિનંદન. આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સખત પ્રયાસોનું પરિણામ છે કે ભારતને વિશ્વ મંચ પર રમતગમતની દુનિયામાં નવી ઓળખ મળશે.
નાઇજીરીયા તરફથી સ્પર્ધા મળી
આ વખતે યજમાન પદ માટે ભારતને નાઇજીરીયા તરફથી સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ કોમનવેલ્થ ગેમ્સે નાઇજીરીયાની ભાવિ યજમાન સંભાવનાઓને વધારવા અને સમર્થન આપવાની રણનીતિ બનાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં 2034 ની સંભવિત રમતોની યજમાની પણ સામેલ છે.
કોમનવેલ્થ ગેમ્સનો ઇતિહાસ
કોમનવેલ્થ ગેમ્સનો ઇતિહાસ કોમનવેલ્થ નામના સંગઠન સાથે જોડાયેલો છે. આ સંગઠનના મૂળ એપ્રિલ 1949માં લંડન ઘોષણાપત્ર સાથે જોડાયેલા છે. બીજા વિશ્વયુદ્ધ પછી, એશિયા, આફ્રિકા અને કેરેબિયન ખંડોના ઘણા દેશો બ્રિટિશ સામ્રાજ્યવાદથી મુક્ત થયા હતા. આ દેશો યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા કે સોવિયેત રશિયાના જૂથમાં જોડાવવા માંગતા ન હતા. એપ્રિલ 1949માં લંડન ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું હતું, જે અંતર્ગત બ્રિટનના ઉપનિવેશ રહેલા દેશોએ જોડાઈને કોમનવેલ્થ નામનું સંગઠન બનાવ્યું હતું. ભારત પણ 16 મે 1949થી સત્તાવાર રીતે આ સંઘનો ભાગ બન્યો હતું.
આ પણ વાંચો – ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તુટશે 3 દિગ્ગજોના રેકોર્ડ, રોહિત શર્મા અને વિરાટ કોહલી રચશે ઇતિહાસ?
કોમનવેલ્થ ગેમ્સમાં 56 સદસ્ય દેશ
કોમનવેલ્થ ગેમ્સમાં 56 સદસ્ય દેશ છે. જોકે હાલમાં 72 ટીમો ભાગ લે છે કારણ કે ઘણા આશ્રિત પ્રદેશો તેમના પોતાના ધ્વજ હેઠળ સ્પર્ધા કરે છે. યુનાઇટેડ કિંગડમના ચાર ગૃહ રાષ્ટ્રો (ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડ) પણ અલગ ટીમો મોકલે છે.
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રદર્શન
કોમનવેલ્થ ગેમ્સમાં ભારત સતત પોતાનું પ્રદર્શન સુધારી રહ્યું છે. 2002થી ભારતે આ રમતોમાં ટોચના પાંચ દેશોમાં સતત પોતાનું સ્થાન મેળવ્યું છે. 2010 ની દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 101 મેડલ સાથે અત્યાર સુધીનું શ્રેષ્ઠ બીજું સ્થાન પણ મેળવ્યું હતું. ભારતે છેલ્લે 2022માં બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો. જેમાં ભારતે 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ સાથે 61 મેડલ જીત્યા અને મેડલ ટેલીમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 564 મેડલ જીત્યા છે. જેમાં 203 ગોલ્ડ, 190 સિલ્વર અને 171 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.