વિશ્વ માતૃભાષા દિવસ: જાણો 21મી ફેબ્રુઆરીનો દિવસ ઉજવણી માટે કેમ નક્કી કરાયો?

International Mother Language Day : વિશ્વ માતૃભાષા દિવસ પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું છે

Written by Ashish Goyal
Updated : February 21, 2024 13:10 IST
વિશ્વ માતૃભાષા દિવસ: જાણો 21મી ફેબ્રુઆરીનો દિવસ ઉજવણી માટે કેમ નક્કી કરાયો?
International Mother Language Day: વિશ્વ માતૃભાષા દિવસ દર વર્ષે 21 ફેબ્રુઆરી એ ઉજવણી કરવામાં આવે છે (Photo courtesy: unesco.org)

International Mother Language Day: દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. નવેમ્બર 1999માં યુનેસ્કોએ વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. આ પછી 2000થી દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું છે.

21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કેમ?

ઢાકા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને સામાજિક કાર્યક્રતાઓએ તત્કાલીન પાકિસ્તાન સરકારની ભાષા નીતિનો 21 ફેબ્રુઆરી, 1952માં વિરોધ કર્યો હતો. તેમનું પ્રદર્શન પોતાની માતૃભાષાના અસ્તિત્વને બચાવવાનું હતું. પ્રદર્શનકારીઓએ બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવાની માંગણી કરી રહ્યા હતા.

જાણવા જેવું વિશ્વમાં કેટલી ભાષાઓ બોલાય છે? કેટલી ભાષાઓ ભારતમાં છે

પાકિસ્તાનની પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીઓ વરસાવી હતી પણ વિરોધ અટકવાની જગ્યાએ વધુ ઉગ્ર બન્યો હતો. આ કારણે સરકારે બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવો પડ્યો હતો. આ આંદોલનમાં શહીદ થયેલા યુવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે યુનેસ્કોએ નવેમ્બર, 1999માં વિશ્વ માતૃભાષા દિવસ ઊજવવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ વિશ્વભરમાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

માતૃભાષા નો અર્થ શુ?

બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા.

આ પણ વાંચો – ગુજરાતમાં ગરમીએ ફેબ્રુઆરીમાં જ લગભગ 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો, તાપમાન 40 ડિગ્રી પહોંચ્યું

હાથીની અંબાડી ઉપર ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ પુસ્તકોની શોભાયાત્રા

વિશ્વ માતૃભાષાના દિવસે અમદાવાદમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. હાથીની અંબાડી ઉપર ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ પુસ્તકો અને ગ્રંથોની શોભાયાત્રા નીકળશે. આ દિવસે સવારે હાથીની અંબાડી ઉપર ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ પુસ્તકો અને ગ્રંથોની 2 કિલોમીટર સુધી શોભાયાત્રા નીકળશે. આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ કવિ અને લેખકો પોતાના વિચારો રજૂ કરશે.

ગુજરાતી ભજન, ગીત, ફટાણા, ઊર્મિગીતો, લોકગીતોની શિક્ષકોની સંગીત ટીમો દ્વારા સામ-સામે રજૂઆત કરાશે. ગુજરાતી ભાષાનું પ્રસિદ્ધ ગીત જય સોમનાથ, જય દ્વારકેશની વેશભૂષા સાથે પ્રસ્તૃતિ કરાશે. વિશ્વ માતૃભાષા દિવસની થીમ પર રંગોળી તથા“મારી ભાષા મારૂં ગૌરવ’’ વિષય પર બાળકો અને શિક્ષકો દ્વારા સૂત્રોની પ્રસ્તુતિ કરાશે. જેનું રાજ્યમાં 100 જેટલા સ્થળોએ નિદર્શન કરવામાં આવશે.

ગુજરાતી ભાષા સામેના પડકારો?

આજના જમાનામાં અંગ્રેજી મીડિયમમાં ભણાવવાનો ક્રેઝ વધ્યો છે. ઘરે બધા ગુજરાતી બોલતા હોવા છતા દરેક માતા-પિતા પોતાના બાળકને અંગ્રેજી મીડિયમમાં મુકવાનો આગ્રહ રાખે છે. અંગ્રેજી લખતા, બોલતા, વાંચતા આવડતું હશે તો બાળકોનું ભવિષ્ય ઊજળું બનશે તેવી આશામાં પણ અંગ્રેજી મીડિયમમાં મોકલવામાં આવે છે.

બાળકો અંગ્રેજી ભાષામાં શિક્ષણ લેતાં થતા ગુજરાતી લખતા-વાંચતા ભૂલી રહ્યા છે. કોઇ રેસ્ટોરન્ટમાં કે જાહેર જગ્યાએ પણ ગુજરાતીના બદલે હિન્દીમાં વાત કરતા જોવા મળે છે. માતૃભાષા આવડતી હોવા છતા તે વાત કરવાનું ટાળે છે. હાલમાં બધાનો એક ભૂત છે કે અંગ્રેજી બોલતા આવડે એટલે હોશિયાર. પણ એ ભૂલી જાય છે કે અંગ્રેજી પણ એક ભાષા જ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ