Jagdish Vishwakarma Gujarat Pradesh BJP Pramukh : જગદીશ વિશ્વકર્મા નવા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ બન્યા છે. આજે ગાંધીનગરમાં કમલમ્ ખાતે જગદીશ વિશ્વર્માનો ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના ભાજપ ધારાસભ્યો અને અગ્રણી નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમને જણાવી દઇયે કે, જગદીશ વિશ્વકર્માને ગુજરાત પ્રદેશ ભાજય પ્રમુખ ચૂંટણીના બિનહરિફ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.
જગદીશ વિશ્વકર્મા નિકોલના ધારાસભ્ય
જગદીશ વિશ્વકર્મા અમદાવાદની નિકોલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. તેઓ વર્ષ 2012માં પહેલીવાર નિકોલ વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. છેલ્લી ત્રણ ટર્મથી તેઓ નિકોલ બેઠકના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી બાદ ગુજરાતની નવી સરકારના મંત્રીમંડળમાં પણ જગદીશ વિશ્વકર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓ ગુજરાત સરકારમાં કુટીર ઉદ્યોગ, સહકાર, પ્રોટોકોલ, માર્ગ અને મકાન વિભાગ સહિત મહત્વના વિભાગો સંભાળી રહ્યા છે. તેમનું પુરું નામ જગદીશ ઇશ્વરભાઇ વિશ્વકર્મા છે.
Jagdish Vishwakarma Net Worth : જગદીશ વિશ્વકર્મા પાસે કેટલી સંપત્તિ છે.
વર્ષ 1993માં ગુજરાત યુનિવર્સિટીમાં બીએ સુધીનો અભ્યાસ કરનાર જગદીશ વિશ્વકર્મા રાજકારણીની સાથે સાથે ઉદ્યોગપતિ પણ છે. વર્ષ 2022ના ચૂંટણી સોગંદનામાં જગદીશ વિશ્વકર્માએ તેમની પાસે 29 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ હોવાની ઘોષણા કરી હતી, જેમા ચલ અને અચલ સંપત્તિ સામેલ છે. નોંધનિય છે કે, પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં બમણો વધારો છે. વર્ષ 2017ના ચૂંટણી સોગંદનામાં મુજબ જગદીશ વિશ્વકર્મા પાસે 14 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ હતી.
‘ભારતના વડાપ્રધાન’ મુદ્દાથી વધુ ચર્ચા
જગદીશ વિશ્વકર્મા આરએસએસ કાર્યકરથી લઇને ગુજરાત સરકારના મંત્રી સુધીની સફર જાણીતી છે. પરંતુ વર્ષ 2025માં ‘ભારતના વડાપ્રધાન’ મુદ્દાથી તેઓ વધુ ચર્ચામાં આવ્યા હતા. વાત એવી હતી કે એમનું X (ટ્વિટર) એકાઉન્ટ થોડા સમય માટે હેક થયું હતું અને હેકરે એમની પ્રોફાઇલ બદલીની લખ્યું હતું કે તેઓ ભારતના વડાપ્રધાન છે. જે મામલે સાયબર ક્રાઈમ વિભાગમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. જોકે આ વિવાદે રાજકીય ધ્યાન ખેંચ્યું હતું.
અહીં નોંધનિય છે કે, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ટર્મ પૂર્ણ થઇ ગયા બાદ લાંબા સમયથી આ મામલે ચર્ચાઓ ચાલતી હતી કે હવે કોણ? જે અટકળોનો હવે અંત આવ્યો છે.