Indian Army’s Mahipalsinh Vala Martyred in jammu Kashmir: જમ્મુ -કાશ્મીરમાં શહીદ થયેલા અમદાવાદના સૈનિક મહિપાલસિંહ પ્રવિણ સિંહ વાળાના નશ્વર દેહના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શહીદ મહિપાલસિંહ વાળાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. મહિપાલ સિંહની અંતિમ યાત્રા અમદાવાદના ઓઢવ વિસ્તાર સ્થિત તેમના નિવાસ સ્થાનેથી નીકળીને વિરાટનગર વોર્ડના લીલાનગર સ્મશાન ખાતે પહોંચી હતી. વીર શહીદની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ‘ભારત માતા કી જય’, ‘મહિપાલસિંહ અમર રહો’ ના નારા લાગ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદી વહોરનાર ઈન્ડિયન આર્મીના વીર જવાન અમદાવાદના મહિપાલસિંહ વાળાને તેમના નિવાસસ્થાને ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીએ વીર શહિદના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરીને શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. શહીદના નિવાસસ્થાને રાષ્ટ્રીય સમ્માન સાથે વિદાય આપવામાં આવી હતી. મહિપાલસિંહ શહીદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ મુખ્યમંત્રી સાથે હાજર રહ્યા હતા.
મહિપાલ સિંહ વાળા – જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં શહીદ થયા
જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓ સાથે અથડામણમાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા હતા. શહીદ થનાર આ ત્રણ સૈનિકોમાં એક અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા હતા. પોલીસના એક અધિકારીનું કહેવું છે કે સુરક્ષાદળોએ દક્ષિણ કશ્મીરમાં કુલગામ જિલ્લામાં હલાણ વન ક્ષેત્રના ઉંચાઈ વાળા વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરુ કર્યું હતું. આતંકવાદીઓ દ્વારા સુરક્ષાદળો ઉપર ગોળીબારી શરુ કરી દીધી હતી. સેનાએ પણ વળતો જવાબ આપવાનું શરુ કર્યું હતું. સેના અને સુરક્ષા દળો વચ્ચે ફાયરિંગ થતાં સેનાના ત્રણ જવાનો ઘાયલ થયા હતા. જેમાં સારવાર દરમિયાન મહિપાલસિંહ શહીદ થયા હતા.
મહિપાલ સિંહ વાળા 8 વર્ષથી ઇન્ડિયન આર્મીમાં સૈનિક હતા
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થનાર સૈનિક મહિપાલસિંહ વાળા 8 વર્ષથી ભારતીય સેનામાં દેશની રક્ષાની ફરજ બજાવી રહ્યા હતા. મહિપાલસિંહ મૂળ સુરેન્દ્રનગરના ચૂડા જીલ્લાના મોજીદડ ગામના વતની છે અને અમદાવાદમાં સ્થાયી થયા છે. અમદાવાદમાં તેઓ પરિવાર સાથે ઓઢવ વિસ્તારમાં આવેલી સદાશિવ સોસાયટીમાં રહે છે.
મહિપાલ સિંહના વર્ષ પહેલા લગ્ન, પત્ની ગર્ભવતી, સંતાનનું મોં પણ જોઇ ન શક્યા
જમ્મુ-કાશ્મીરમાં શહીદ થનાર અમદાવાદના જવાન મહિપાલ સિંહના વર્ષ પહેલા લગ્ન થયા હતા અને થોડાક સમયમાં પિતા પણ બનવાના હતા. શહીદ સૈનિકની પત્ની હાલ ગર્ભવતી છે અને ડોક્ટરે 14 ઓગસ્ટની ડિલિવરીની તારીખ આપી છે. જો કે સંતાનનું મોં જુઓ તેની પહેલા જ આતંકીઓની ગોળીએ મહિપાલ સિંહ વિંધાયા અને શહીદ થયા.
પતિ શહીદ થયાના સમાચાર સાંભળતા જ ગર્ભવતી પત્નીની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
મહિપાલ સિંહ શહીદ થયાની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવી હતી. પુત્ર શહીદ થયાના સમાચાર સાંભળતા જ પરિવારમાં શોકનો માહોલ ફેલાયો ગયો. શહીદ સૈનિકના પત્ની હાલ ગર્ભવતી છે અને ડોક્ટરોએ તેમને 14 ઓગસ્ટની ડિલિવરીની તારીખ આપી છે. પતિ શહીદ થયાના સમાચાર સાંભળતા પત્નીની તબિયત લથડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને આવા કોઇ પણ દુઃખદ સમાચારની જાણ ન કરવા સુચન કર્યુ છે.





