Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસે બિઝનેસ લીડરશિપ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ઉદ્યોગ જગતના વિવિધ મહાનુભાવોના પ્રેરણાત્મક પ્રવચન યોજાયા હતા. જેમાં HDFCના ચેરમેન દીપક પારેખ, રામકૃષ્ણ એક્સપોર્ટ્સના સ્થાપક અને ચેરમેન ગોવિંદ ધોળકિયા, ઝાયડસ લાઇફ સાયન્સના મેનેજિંગ ડિરેક્ટર ડો.શર્વિલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે અમદાવાદના રિંગ રોડ પર ઓગણજ-ભાડજ પાસે 600 એકરની વિશાળ ભૂમિમાં મહોત્સવ સ્થળ પ્રમુખસ્વામી મહારાજ નગર ઉભું કરવામાં આવ્યું છે.
કાર્યક્રમ પ્રમાણે ત્રીજા દિવસે સંસ્કૃતિ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો પણ મોટી સંખ્યામાં જોવા પહોંચ્યા હતા. ચોથા દિવસે પરાભક્તિ દિવસનું આયોજન છે.
ત્રીજા દિવસે જમ્મુ કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે મારું પરમ સૌભાગ્ય છે કે મને આજે પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી સમારોહમાં હાજર રહેવાની તક મળી છે. પ્રમુખસ્વામી આ સદીના એવા યોગીના રૂપમાં નજરે પડે છે જેમણે આખી દુનિયાની પરિવારની દ્રષ્ટીથી જોતા વિશ્વ અને માનવતાની સેવામાં પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હતું.
રરોજ બપોરે 2.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ મળશે
મહોત્સવ સ્થળે દરરોજ બપોરે 2.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ મળશે. રવિવારે સવારે 9.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ મળશે. રોજ રાત્રે 10.00 વાગ્યે મહોત્સવ સ્થળ બંધ થશે.
બાળકો માટે બાળનગરી ખાસ આકર્ષક
મહોત્સવનું એક વિશિષ્ટ આકર્ષણ એટલે બીએપીએસ બાળનગરી. આ બાળનગરી એટલે બાળકો દ્વારા વિચારાયેલી, બાળકો માટે બનાવાયેલી, બાળકો દ્વારા સંચાલિત એક એવી નગરી કે જ્યાં વિવિધ પ્રસ્તુતિઓ બાળકોને વધુ સારા વ્યક્તિ બનવાની પ્રેરણાથી છલકાવી દેશે. 4,500થી વધુ બાળ-બાલિકા સ્વયંસેવકો દ્વારા સંચાલિત આ બાળનગરીને સજાવવામાં 6,500થી વધુ બાળપ્રવૃત્તિ કાર્યકરો સેવા આપી રહ્યા છે. કલાત્મક મેસ્કોટ, 3 પ્રદર્શન ખંડો, સંસ્કૃતિ રત્નો, શાંતિનું ધામ, બાળસ્નેહી ઉદ્યાન, બાળમંડળ એક્સપ્રેસ જેવી વિવિધ રચનાઓ ઉપરાંત બાળનગરીના બે કલામંચોમાં 150થી વધુ બાળકો નૃત્ય, ગીત-સંગીત, વક્તવ્યોની રમઝટ બોલાવી બાળકોને મોજ કરાવશે અને તેમની સુશુપ્ત શક્તિઓ ખીલવવાની પ્રેરણા આપશે.