ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ પહેલા આમ આદમી પાર્ટીને મોટી રાહત મળી છે. ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ જામનગર દક્ષિણ વિધાનસભા મતવિસ્તારના આમ આદમી પાર્ટી (AAP party) ના ઉમેદવાર વિશાલ ત્યાગીની અટકાયત કર્યાના એ દિવસ બાદ જામનગરની સ્થાનિક કોર્ટે તેમની ધરપકડને ગેરકાયદેસર ગણાવી હતી અને સોમવારે મોડી સાંજે મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
રાજસ્થાનની સરહદે ધરપકડ કરાઇ
જામનગર ખાતેના આપ પાર્ટીના ઉમેદવાર વિશાલ ત્યાગીની રવિવારે સાંજે 4 વાગ્યે રાજસ્થાન પોલીસની મદદથી રાજસ્થાનના ચુરુ જિલ્લાનાના સાલાસરથી ગુજરાત ATS દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જામનગર શહેરના ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રવિવારે સવારે 12.30 વાગ્યે આઈપીસી કલમ 406 (વિશ્વાસનો ભંગ) અને 420 (છેતરપિંડી અને અપ્રમાણિકપણે મિલકત રાખવી) હેઠળ એફઆઈઆર નોંધાયાના 24 કલાકથી ઓછા સમયમાં ધરપકડ કરવામાં આવી હતી.
છેતરપીંડિનો આરોપ
જામનગરના ભાવેશ ઉર્ફે ટીનાભાઈ નકુમ નામની વ્યક્તિ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. નકુમે આરોપ લગાવ્યો હતો કે, વિશાલ ત્યાગીએ દોઢ વર્ષ પહેલા સામૂહિક લગ્ન કાર્યક્રમમાં ડેકોરેશનના સર્વિસ ચાર્જ પેટે તેમને 25,000 રૂપિયા ચૂકવ્યા ન હતા અને 3 લાખ રૂપિયાના ડેકોરેશનની ચીજવસ્તુઓ પર પરત કરી ન હતી.
ગુજરાત ATSએ રવિવારે સાંજે વિશાલ ત્યાગીને ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે જામનગર જિલ્લા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમને સોંપ્યો હતો. આપ પાર્ટીના નેતાને સોમવારે સવારે 8 વાગ્યે જામનગર લાવવામાં આવ્યા હતા અને છેતરપિંડીના કેસમાં જામનગરની ‘A’ ડિવિઝન પોલીસે કાયદેસરની ધરપકડ કરી હતી.
અદાલતે રિમાન્ડ ફગાવ્યા અને ધરપકડને ગેરકાયદેસર ગણાવી
સોમવારે સાંજે 5 વાગ્યે, ‘એ’ ડિવિઝનના પોલીસ દ્વારા વિશાલ ત્યાગીના ચાર દિવસના રિમાન્ડની માંગણી કરતી અરજી સાથે મેજિસ્ટ્રેટ એમડી નંદાનીની કોર્ટમાં હાજર કરાયો હતો. જોકે, અદાલતે પોલીસ રિમાન્ડની અરજી ફગાવી દીધી હતી અને ત્યાગીની ધરપકડને ગેરકાયદેસર ગણાવીને મુક્ત કર્યો હતો.
વિશાલ ત્યાગીના વકીસ વી.એચ. કનારાએ જણાવ્યુ કે, “અમે દલીલ કરી હતી કે વિશાલ ત્યાગીની ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી હતી કારણ કે પોલીસે સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરીને, તેમને CrPC કલમ 41 (a) હેઠળ અગાઉથી નોટિસ આપી ન હતી. તેમજ પોલીસે ધરપકડના કારણોની યાદી આપતી ચેકલિસ્ટ પણ આપી ન હતી. અદાલત અમારી દલીલ સાથે સહમત થઇ હતી અને વિશાલ ત્યાગીની ધરપકડને ગેરકાયદેસર ગણાવી અને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.”
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાના મતદાનની પૂર્વસંધ્યાએ વિશાલ ત્યાગીની અટકાયત કરવામાં આવી હતી. આપ પાર્ટીના આ નેતા રાજસ્થાનના ચુરુ જિલ્લાનાના સાલાસર બાલાજી મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી.
કનારાએ એવું પણ જણાવ્યુ કે, આપ પાર્ટીના નેતા રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ સમક્ષ ગુજરાત ATS, જામનગર જિલ્લા પોલીસ અને રાજસ્થાન પોલીસના ત્રણ કર્મચારીઓ સામે તેમના માનવાધિકારનું ઉલ્લંઘન કરવા બદલ પગલાં લેવા અરજી કરેેશે.