Jamnagar Dwarka Highway Accident : જામનગર દ્વારકા હાઈવે પર આજે વહેલી સવારે ગંભીર અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. આ હીટ એન્ટ રન કેસમાં ત્રણ યાત્રાળુઓએ જીવ ગુમાવ્યો છે. તો એકની હાલત ગંભીર છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર દ્વારકા હાઈવે પર નાની ખાવડી નજીક એક કાર ચાલકે વહેલી સવારે પગપાળા યાત્રાળુઓને ફંગોળ્યા હતા, જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે. જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, અને મૃતકોને પીએમ માટે તથા ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
પોલીસ અનુસાર, જીજે02 ડીએમ 5918 નંબરની કારના ચાલકે વહેલી સવારે પગપાળા જઈ રહેલા યાત્રાળુઓને અડફેટે લીધા હતા, જેમાં ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોમાં કરશનભાઈ, પરેશભાઈ અને રમેશભાઈ નામના વ્યક્તિના મોત નિપજ્યા છે, જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્રણે મૃતક એક જ ગામના હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હાલમાં તેમના પરિવારને અકસ્માતની જાણ કરવામાં આવી છે, અને કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો – Surat workers death | સુરત : પલસાણામાં કિરણ ઈન્ડસ્ટ્રીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર કામદારના મોત, તંત્ર દોડતુ થયું
દિવાળી તથા નવા વર્ષના તહેવાર સમયે જ અકસ્માત પીડિતોના પરિવારમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, આના એક દિવસ પહેલા ગાંધીનગરના દહેગામથી અકસ્માતના સમાટાર સામે આવ્યા હતા, જેમાં બાઈકને ટેન્કરે અડફેટે લેતા બે સગાભાઈ સહિત ત્રણ લોકોના માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યા હતા. મહુંદ્રા ગામ પાસે નવા વર્ષે માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહેલા ત્રણ લોકોના ટેન્કરની ટક્કરથી મોત થયા હતા.





