જામનગર : જિલ્લાના નાઘોડી પાસે આવેલી શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજમાં પરીક્ષા કાંભાંડનો પર્દાફાશ થયો છે. કોલેજ પરીક્ષામાં વિદ્યાર્થીઓને ખુલ્લેઆમ ચોરી થઈ રહી હતી. સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને તત્કાલીન તપાસ કમિટી રચી તપાસના આદેશ આપ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, યુનિવર્સિટી દ્વારા કોલેજની વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે. ત્યારે જામનગરની નાઘોડી પાસે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજમાં કોલેજની પરીક્ષા દરમિયાન ખુલ્લેઆમ ચોરીની ઘટના સામે આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેમેસ્ટર 2 ની બીકોમની પરીક્ષામાં વિદ્યાર્થીઓ બિન્દાસ ખાનગી રૂમમાં ચોરી કરતા મળી આવ્યા હતા. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતા સરકારે તપાસના આદેશ આપ્યા છે.
કેવી રીતે થઈ રહી હતી ચોરી?
વિગતે ઘટનાની વાત કરીએ તો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા ચાલી રહી છે. જામનગર નાઘોડી પાસેની શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજમાં બીકોમ સેમેસ્ટર 2ના એકાઉન્ટ 2ના પેપરમાં ત્રણ વિદ્યાર્થીઓ અપેક્ષિત અને ગ્રામર લઇ હોમિયોપેથીના એક ખાનગી રૂમમાં ચોરી કરી પેપર લખી રહ્યા હતા. જ્યારે અન્ય રેગ્યુલર વિદ્યાર્થી પરીક્ષા સીસીટીવી કમેરા હેઠળ આપી રહ્યા હતા. હવે પ્રશ્ન એ થાય છે કે, શું કોલેજ સંચાલકો આર્થિક લાભ માટે ત્રણ વિદ્યાર્થીઓને ચોરી કરાવતા હતા? કોણ છે આ વિદ્યાર્થીઓ? શું શિક્ષણના દલાલો સામે શિક્ષણ વિભાગ કડક કાર્યવાહી કરશે?
સરકારે તપાસના આદેશ આપ્યા
જામનગરના નાઘેડી ખાતે ચાલતી શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજમાં ચાલતા પરીક્ષા કૌભાંડનો પર્દાફાશ થયા બાદ સરકાર આ કોલેજને લઈને હરકતમાં આવી છે, અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને તાત્કાલિક ધોરણે તપાસ કમિટી રચિને તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
પ્રિન્સીપાલે શું કહ્યું?
ધ ઈન્ડિયન એક્સપ્રેસને પ્રિન્સીપાલે જણાવ્યું કે, નાઘેડી સ્થિત સ્વામીનારાયણ ગુરુકુળમાં ત્રણ વિદ્યાર્થી વિરુદ્ધ કોપી કેસ નોંધાયો છે, ત્રણ વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન બાથરૂમ કરવાને બહાને પેપર અને સપ્લીમેન્ટ્રી લઈ બહાર જતા રહ્યા હતા અને અડધી કલાક સુધી રૂમમાં ન આવતા તેમની શોધખોળ શરૂ કરી હતી, ત્યારે તે ત્રણ વિદ્યાર્થી બાજુના રૂમમાંથી મળી આવ્યા હતા, ત્રણેય વિદ્યાર્થી વિરુદ્ધ કોપી કેસ નોંધવામાં આવ્યો છે.
કોલેજના ટ્રસ્ટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ
જે કોલેજમાં પેપર ચોરી કૌભાંડ થયું તેજ કોલેજના ફિઝિયોથેરાપી કોલેજના ટ્રસ્ટી ગિરીશ ભીમાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ છે. એટલું જ નહીં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજના ટ્રસ્ટી તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ PVC વિજય દેશાણી પણ છે. મહત્ત્વની વાત એ છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ જ ખુદ આ કોલેજના ટ્રસ્ટી છે, જ્યાં આ પરીક્ષા ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે.
આ પણ વાંચો – ગુજરાતમાં બે મોટા અકસ્માતમાં 9ના મોત : બારડોલીમાં લગ્નમાં જઈ રહેલો પરિવાર તો જામનગરમાં 3 લોકો અકસ્માતમાં મોતને ભેટ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉઠેલા વિવાદ
તમને જણાનવી દઈએ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણી જ્યારથી કાર્યકારી કુલપતિ બન્યા છે, ત્યારથી જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે રાજકીય અખાડો બની ગઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેક વખત વિવાદ સામે આવ્યા છે, જેમાં સેનેટની ચૂંટણી ન યોજવી, જેને કારણે 7 જેટલા સિન્ડિકેટ સભ્યોએ પદ ગુમાવ્યા, ડો. ક્લાધર આર્યને પદ પરથી દુર કરવામાં આવ્યા, ભરતીમાં ગેરકાયદે રીતે ભરતી કરવી, વોટ્સએપ ભરતી કૌભાંડ સાહિતમાં વિવાદ ચર્ચામાં આવી ચુક્યા છે.