જામનગર બોરવેલ રેસક્યુ ઓપરેશન સફળ : 2 વર્ષના બાળકનો જીવ બચ્યો, 9 કલાક મોત સામે આપી લડત

જામનગરના ગોવાણા ગામમાં 2 વર્ષનું બાળક બોરવેલમાં ફસાયું હતુ, 9 કલાકના રેસક્યુ ઓપરેશન બાદ તેને બચાવી લેવામાં સફળતા મળી છે.

Written by Kiran Mehta
Updated : February 07, 2024 18:35 IST
જામનગર બોરવેલ રેસક્યુ ઓપરેશન સફળ : 2 વર્ષના બાળકનો જીવ બચ્યો, 9 કલાક મોત સામે આપી લડત
જામનગરના ગોવાણા ગામમાં 2 વર્ષના બાળકનું બોરવેલ રેસક્યુ ઓપરેશન સફળ (ફોટો - Chirag Chotaliya - એક્સપ્રેસ)

ગોપાલ કટેસિયા : જામનગર જિલ્લાના ગોવાણા ગામમાં મંગળવારે મોડી સાંજે મહારાષ્ટ્રના ખેત મજૂરનો બે વર્ષનો પુત્ર બોરવેલમાં લપસી ગયો હતો, પરંતુ નવ કલાકના લાંબા ઓપરેશન બાદ તેને જીવતો બચાવી લેવામાં આવ્યો છે અને જામનગર શહેરની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. જામનગર વિસ્તારમાં લગભગ સાત મહિનામાં બાળક બોરવેલમાં પડવાની આ ત્રીજી ઘટના છે.

પોલીસે જણાવ્યું કે, આ ઘટના મંગળવારે સાંજે 6.30 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે એક બાળક, રાજ વસાવા, જામનગરના લાલપુર બ્લોકના ગોવાના ગામમાં ગોવિંદ કરંગીયાના ખેતરમાં ત્યજી દેવાયેલા બોરવેલમાં પડી ગયો હતો. ઘટનાની માહિતી મળતાં જ જામનગર મહાનગરપાલિકા (RMC)ના ફાયર બ્રિગેડની ટીમ અને આરોગ્ય વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જામનગર જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા અને જિલ્લા વહીવટી તંત્રના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ બચાવ કામગીરી પર નજર રાખવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

બાળકની 9 કલાક લડત, મોતને આપી માત

કલેક્ટર પંડ્યાએ જણાવ્યું કે, છોકરો લગભગ 15 ફૂટ ઊંડાઈએ ફસાઈ ગયો હતો. “જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરોગ્ય વિભાગની ફાયર ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટના સ્થળે બાળ ચિકિત્સકોને પણ સ્ટેન્ડબાય મોડ પર રાખવામાં આવ્યા હતા.” કલેક્ટરે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું, “જ્યારે બાળક ખેતરમાં તાજા ચણા ખાતો હતો, ત્યારે તે બોરવેલની અંદર લપસી ગયો હતો.”

બોરવેલમાં ફસાયેલા બાળકનો કેવી રીતે થયો બચાવ?

પહેલા બચાવકર્મીઓ હૂકની મદદથી છોકરાને બોરવેલમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નિષ્ફળ રહેતા સમાંતર કૂવો ખોદવાનું શરૂ કર્યું. ઘટનાસ્થળે હાજર રહેલા લાલાપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એસપી ગોહિલે જણાવ્યું હતું કે, “તેઓએ સખત ખડકમાં થોડા ફૂટ સુધી એક ડ્રિલની મદદથી હોલ કર્યું અને લગભગ 2:30 વાગ્યે છોકરાને બચાવવામાં સફળ રહ્યા છીએ.”

Jamnagar borewell rescue
બે વર્ષના બાળકનું બોરવેલ રેસક્યુ ઓપરેશન સફળ (ફોટો – Chirag Chotaliya – એક્સપ્રેસ)

એક વર્ષમાં બોરવેલમાં બાળક ફસાવાની ત્રીજી ઘટના

ઉલ્લેખનીય છે કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાવેશ કરતા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના હાલરા વિસ્તારમાં બોરવેલમાં બાળક પડવાની આ ત્રીજી ઘટના છે. ગયા વર્ષે 3 જૂનના રોજ, મધ્યપ્રદેશના ખેતમજૂરની બે વર્ષની બાળકી જામનગર શહેરના પૂર્વ બાજુના તમચણ ગામમાં ખેતરમાં બોરવેલમાં પડી હતી. બચાવકર્મીઓ તેના મૃતદેહને માત્ર 20 ફૂટની ઊંડાઈથી બહાર કાઢી શક્યા હતા. 1 જાન્યુઆરીના રોજ, જામનગર શહેરથી લગભગ 90 કિમી પશ્ચિમે આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પડોશી ગામ રાણમાં એક બે વર્ષની બાળકી ઘરના આગળના યાર્ડમાં આવેલા બોરવેલમાં પડી ગઈ હતી. NDRF ની 6ઠ્ઠી બટાલિયનની આગેવાની હેઠળની સંયુક્ત બચાવ ટીમ દ્વારા લગભગ 35 ફૂટની ઊંડાઈએ ફસાયેલી છોકરીને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી, તે પણ બચી શકી ન હતી.

Jamnagar borewell rescue operation
જામનગર બોરવેલ રેસક્યુમાં સામેલ ટીમ (ફોટો – એક્સપ્રેસ)

આ પણ વાંચો – રાજકોટ અકસ્માત : બાઈક સ્લીપ થયું અને પિતા-પુત્ર પર ટેન્કરના ટાયર ફરી ગયું, સ્થળ પર જ કરૂણ મોત

કલેક્ટર પંડ્યાએ કહ્યું કે, “અમને આનંદ છે કે, બચાવ ટીમ આ બાળકને જીવતો બહાર લાવી શકી છે.” બાળકને જામનગરની રાજ્ય સરકાર સંચાલિત જીજી હોસ્પિટલમાં સારવાર અને દેખરેખ માટે લઈ જવામાં આવ્યો હતો.

બાળકની હાલત હવે કેવી?

જીજી હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. નંદિની દેસાઈએ જણાવ્યું હતું કે, છોકરાની સ્થિતિ સ્થિર છે પરંતુ, તે હજુ પણ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે. “અમને ઘટના અંગે માહિતી મળતા જ એક કન્સલ્ટન્ટ સહિત બે બાળરોગ નિષ્ણાતોની ટીમને અકસ્માત સ્થળ પર મોકલી હતી. અમારી ટીમ અને 108 ઈમરજન્સી સર્વિસની ટીમે છોકરાને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી અને પછી બુધવારે વહેલી સવારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.” ડૉ. દેસાઈએ કહ્યું, અમે તેના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છીએ અને હાલ બાળકની સ્થિતિ સ્થિર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ