સોહિની ઘોષ : જૂનાગઢ કસ્ટોડિયલ ડેથ મામલો સામે આવ્યો છે, જેમાં ગુજરાતના જૂનાગઢ બી-ડિવિઝન પોલીસે તેમના જ એક સબ-ઇન્સ્પેક્ટર સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે, કારણ કે આરોપ છે કે, કસ્ટોડિયલ ટોર્ચરથી બુધવારે સવારે હોસ્પિટલમાં 43 વર્ષીય દલિત વ્યક્તિ હર્ષલ જાદવ નું મૃત્યુ થયું છે.
પોલીસ ઈન્સ્પેક્ટર ગાયત્રી રાજપૂતના જણાવ્યા અનુસાર, પીએસઆઈ મુકેશ મકવાણાને મંગળવારે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને તે “છેલ્લા કેટલાક દિવસથી ફરાર છે”. પૂછવામાં આવ્યું કે શું દલિત વ્યક્તિ હર્ષિલ જાદવના મૃત્યુ પછી હવે કસ્ટોડિયલ ડેથ સહિત હત્યાની કલમો ઉમેરવામાં આવશે? તો ઈન્સપેક્ટર રાજપૂતે કહ્યું, “અમે કાયદેસરની કાર્યવાહી કરીશુ, તે જીવતો હતો ત્યારે ગઈ કાલે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને હજુ પ્રાથમિક તપાસ ચાલી રહી છે.
એફઆઈઆરમાં, પીએસઆઈ મકવાણા પર ભારતીય દંડ સંહિતાની કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને 331 (કબૂલાત માટે ગંભીર ઇજા પહોંચાડવી) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.
જૂનાગઢ કસ્ટોડિયલ ડેથ કેસ શું છે?
હર્ષિલના મોટા ભાઈ બ્રિજેશ જાદવના જણાવ્યા અનુસાર, હર્ષિલ 9 જાન્યુઆરીએ અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયો હતો, જ્યારે તેને કહેવામાં આવ્યું હતું કે, તે છેતરપિંડી (IPC કલમ 420) ના આરોપસર જૂનાગઢમાં નોંધાયેલી FIR માં આરોપી છે. ટુર પેકેજના સંબંધમાં વિશ્વાસનો ફોજદારી ભંગ (કલમ 406) હેઠળ.
આ મામલે, રાજપૂતે જણાવ્યું હતું કે, જૂનાગઢ પોલીસને હર્ષિલ વિરુદ્ધ ચાર મહિના પહેલા ફરિયાદ મળી હતી અને તેને અનેક વખત ફોન કરવામાં આવ્યા હતા પરંતુ, તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જૂનાગઢ પોલીસે તે જ રાત્રે હર્ષિલને બોડકદેવ પોલીસ સ્ટેશનમાંથી કસ્ટડીમાં લીધો હતો.
‘પોલીસ સબ ઈન્સ્પેક્ટરે 3 લાખની લાંચ માગી’
હર્ષિલને 10 જાન્યુઆરીની સાંજે જૂનાગઢ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 12 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. એવો આરોપ છે કે, મકવાણાએ પાછળથી હર્ષિલના સંબંધીઓને તેની ઓફિસમાં બોલાવ્યા અને તેને બચાવવાના બદલામાં એટલે કે, સરળ કેસ અને તેને મારવામાં નહીં આવે, આ માટે 5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી”. આ પછી રકજક બાદ તેણે કથિત રીતે આ આંકડો ઘટાડીને 3 લાખ રૂપિયા કરી દીધો.
બ્રિજેશની ફરિયાદ મુજબ, પરિવારના સભ્યોએ લાંચ આપવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે તેઓ આટલી મોટી રકમ આપી શકે તેમ ન હતા અને પોલીસ સ્ટેશન છોડીને ચાલ્યા ગયા હતા. એફઆઈઆર મુજબ, 11 જાન્યુઆરીએ પોલીસે હર્ષિલને પરિવારને મળવાની મંજૂરી આપી ન હતી. અને એજ દિવસે પાછળથી તેમને હર્ષિલના અજાણ્યા નંબર પરથી લગભગ ત્રણ કોલ આવ્યા, જેમાં તેણે વિનંતી કરી કે, “તેઓ જે માંગ કરી રહ્યા છે તે પોલીસને ચૂકવો, નહીં તો હું મુશ્કેલીમાં આવી જઈશ”.
12 જાન્યુઆરીએ જ્યારે તેને ફરીથી મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવાનો હતો, ત્યારે હર્ષિલને ઓટોરિક્ષામાં લાવવામાં આવ્યો હતો. એફઆઈઆર મુજબ, તેના માથા પર પટ્ટી બાંધેલી હતી અને તેને ચાલવામાં પણ તકલીફ થઈ રહી હતી.
હર્ષિલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, પીએસઆઈ મકવાણાએ તેના પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો, મેજિસ્ટ્રેટે આ અંગે ફરિયાદ નોંધી હતી. આ પછી તેને પહેલા જેલમાં અને બાદમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી તેને રજા આપવામાં આવી હતી અને બાદમાં 15 જાન્યુઆરીએ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા : વડોદરામાં શોભા યાત્રા પર પથ્થરમારાનો મામલો, 16 લોકો સામે નોંધાયો ગુનો
પરિવારજનો સાથે અમદાવાદ પરત ફરતાં જ હર્ષિલે તેના બંને પગમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તેમને 16 જાન્યુઆરીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમના બંને પગમાં ફાટેલા અસ્થિબંધનનું નિદાન થયું હતું.
21 જાન્યુઆરીએ વકીલની ઑફિસમાં જતી વખતે હર્ષિલ પડી ગયો હતો અને તેના એક પગમાં ફાટેલું લિગામેન્ટ અને બીજા પગમાં ફ્રેક્ચર હોવાનું નિદાન થયું હતું. એક દિવસ પછી, તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં બુધવારે સવારે તેનું મૃત્યુ થયું. હર્ષિલના પરિવારમાં તેની પત્ની, 14 વર્ષનો પુત્ર અને 10 વર્ષની પુત્રી છે.





