Kalol Accident : ગાંધીનગર જિલ્લાના કલોલમાં અંબિકા બસ સ્ટેશન પાસે હાઈવે પર બસ નીચે ચગદાઈ જતા પાંચ મુસાફરોના કરૂણ મોત થયા છે. વહેલી સવારે મુસાફરો બસની રાહ જોઈ રહ્યા હતા તે સમયે કાળ બનીને બસ આવી અને પાંચ મુસાફરોના મૃત્યું થયા. અકસ્માતને પગલે દર્દથી પીડાતા મુસાફરોની ચીચીયારોથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો.
પાંચ મુસાફરોના મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, કલોલ હાઈવે પર અંબિકા બસ સ્ટેશન નજીક મુસાફરો બસની રાહ જોઈ રહ્યા હતા તે સમયે એક ખાનગી બસે એસટી બસને ટક્કર મારતા એસટી બસના ટાયર નીચે પાંચ મુસાફરો ચગદાઈ ગયા. ઘટનાની જાણ પોલીસ અને એમ્બ્યુલન્સને કરવામાં આવતા એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. મૃતકોને પીએમ માટે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે કલોલ તથા ગાંધીનગરની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
કેવી રીતે સર્જાયો અકસ્માત
વિગતે ઘટનાની વાત કરીએ તો, કલોલ હાઈવે પર અંબિકા બસ સ્ટેશને વહેલી સવારે મુસાફરો બસની રાહ જોઈ રહ્યા હતા. વિરમગામ ડેપોની એસટી બસ સ્ટેશન પાસે આવી તેજ સમયે એક AR-01-Q-7291 નંબરની ખાનગી બસે એસટી બસને ટક્કર મારતા એસટી બસના ડ્રાઈવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવ્યો અને સાઈડમાં ઉભા રહેલા મુસાફરો ઉપર બસ ચઢી ગઈ. આ દુર્ઘટનામાં બસના ટાયર નીચે ચગદાઈ જતા પાંચ મુસાફરોના મોત થયા છે, જ્યારે 8 લોકોને ઈજા પહોંચી છે. તુરંત 108ની ટીમને જણા થતા ઘાયલ મુસાીફરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો – ગુજરાતમાં બે મોટા અકસ્માતમાં 9ના મોત : બારડોલીમાં લગ્નમાં જઈ રહેલો પરિવાર તો જામનગરમાં 3 લોકો અકસ્માતમાં મોતને ભેટ્યા
અકસ્માતનો ભોગ બનનાર મૃતકો કોણ છે?
ધ ઈન્ડિયન એક્સપ્રેસને કલોલ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી એ જે શાહે જણાવ્યું કે, અંબિકા હાઈવે પર અકસ્માત સર્જનાર GJ-18-Z-8881 નંબરની વિરમગામ ડેપોની મીની બસ અમદાવાદ જઈ રહી હતી. આ અકસ્માતમાં એક મહિલા અને ચાર પુરૂષના મોત થયા છે. જેમાં શારદાબેન જાગરિયા, પાર્થ પટેલ, બળવંતજી ઠાકોર, ગોપાલભાઈ છાપરા, દિલીપસિંહ વિહોલનો સમાવેશ થાય છે. મૃતકોને પીએમ માટે કલોલ આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા છે. મૃતકોનો પરિવાર હોસ્પિટલ પહોંચતા રોકકળથી હોસ્પિટલ ગુંજી ઉઠી હતી અને ગમગીન માહોલ સર્જાયો હતો.