Kandla SEZ Firing Case : ગુજરાતના કચ્છમાં ગાંધીધામ સ્થિત કંડલા સેઝમાં એક ગંભીર ઘટના બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KASEZ) માં ગારમેન્ટ પ્રોસેસિંગ યુનિટની અંદર કેનેડાથી આયાત કરાયેલા પહેરેલા કપડાની ગાંસડીમાંથી એક રિવોલ્વર મળી હતી. આ રિવોલ્વરથી તેના સહકાર્મીએ ગોળીબાર કરતાં એક મજૂર ઘાયલ થયો હતો.
સ્થાનિક પોલીસે આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કંડલા સેઝમાં ગારમેન્ટ પ્રોસેસિંગ યુનિટમાં મારૂતિ એક્સપોર્ટ્સના કર્મચારીઓને આયાત કરાયેલા રિયુઝ્ડ કપડાઓની ગાંસડીમાં ભરાયેલી રિવોલ્વર મળી આવી હતી. સાથી કર્મચારીએ ફાયરિંગ કરતા 38 વર્ષીય કર્મચારી શિવજી મહેશ્વરી ઇજાગ્રસ્ત થયો હતો.
ગાંધીધામના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એમડી ચૌધરીએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે,“કામદારોને આયાત કરાયેલા કપડાની ગાંસડીમાં એક રિવોલ્વર મળી અને તે તપાસી રહ્યા હતા ત્યારે જ એક એક કામદારે અકસ્માતે તેનું ટ્રિગર ખેંચ્યું અને રિવોલ્વરમાંથી ગોળી નીકળીને એક કામદારના પેટમાં વાગી ગઇ. ઈજાગ્રસ્ત કાર્યકરને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ ઈમરજન્સી સર્જરી કરીને તેના પેટમાંથી ગોળી કાઢી હતી. હાલ ઇજાગ્રસ્ત કર્મચારી જોખમથી બહાર હોવાનું જાણવા મળે છે,”
પોલીસે જણાવ્યું કે ગોળીબારની આ ઘટના ગુરુવારે બપોરે 1 વાગ્યાની આસપાસ બની હતી. “મારુતિ એક્સપોર્ટ્સે કેનેડામાંથી વપરાયેલા કપડાના કન્ટેનરની આયાત કરી હતી. કન્ટેનરમાં યુઝર્ડ ગારમેન્ટની 43 ગાંસડીઓ હતી. આ કન્ટેનર 22 જુલાઈના રોજ કેનેડાથી રવાના થયુ હતું અને 22 ઓગસ્ટના રોજ મુંદ્રા બંદર પર લોડ કરવામાં આવ્યું હતું. 24 ઓગસ્ટના રોજ KASEZ ની અંદર મારુતિ એક્સપોર્ટ્સને કન્ટેનર પહોંચાડવામાં આવ્યું હતું. જ્યારે કામદારોએ 26મી ગાંસડી ખોલી ત્યારે તેમાંથી રિવોલ્વર મળી આવી હતી. પોલીસ અધિકારીએ ઉમેર્યું કે, “અમે આ ઘટના અંગે એફઆઈઆર દાખલ કરી રહ્યા છે.”
આ પણ વાંચો | અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ: ગાયના હુમલામાં મહિલા ગંભીર રીતે ઘાયલ, FIR નોંધાઈ, તપાસ શરૂ
કંડલા સેઝ ઇમ્પોર્ટેડ જૂના કપડાનું મોટુ હબ
કંડલા સેઝ એ વિદેશમાં આયાત કરાયેલા ઇમ્પોર્ટેડ યુઝ્ડ ગારમેન્ટનું મોટું હબ છે. KASEZમાં કંપનીઓ બે કેટેગરીના વસ્ત્રોનો ઉપયોગ કરે છે – પહેરી શકાય તેવા અને ન પહેરી શકાય તેવા વસ્ત્રો. કંડલા સેજમાં પ્રોસેસિંગ યુનિટમાં પહેરી શકાય તેવા કપડાનું રિપેરિંગ કરવામાં આવે છે અને પુનઃ નિકાસ કરવામાં આવે છે. તો પહેરી ન શકાય તેવા વસ્ત્રોની ચેન અને બટન કાઢ્યા બાદ તેનું કટિંગ કરીને ટુકડા બનાવી દેવામાં આવે છે.





