ગોપાલ બી કટેસિયા : ભાજપ (BJP) ના ઉમેદવારો મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટનાને ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનો મુદ્દો બનાવી રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મોરબી બ્રિજ અકસ્માતમાં તેમની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, ભાજપે સિટિંગ ધારાસભ્યને હટાવીને કાંતિલાલ અમૃતિયાને ટિકિટ આપી છે.
કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, મોરબી બ્રિજ અકસ્માત થયો ત્યારે લોકોને બચાવવા તેમણે મચ્છુ નદીમાં ઝંપલાવ્યું હતું. તેમણે કહ્યું કે આ દરમિયાન ચાર-પાંચ પોલીસ કર્મચારીઓ પણ લોકોને બચાવવા નદીમાં કુદ્યા હતા. બાકીનું 99 ટકા બચાવ કાર્ય અન્ય લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. તે પછી પણ તેઓએ મને તેનો શ્રેય આપ્યો. આ પછી મેં એક વીડિયો અપલોડ કર્યો.
મોરબી જીલ્લાના માળીયા તાલુકાના ખારાઈ ગામના પંચવટી વિસ્તારના રહેવાસીઓ વચ્ચે ભાજપના ઉમેદવાર આ વાતો કહી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, ભાજપે આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મોરબી બેઠક પરથી અમૃતિયાને ઉમેદવાર બનાવ્યા છે. આ દરમિયાન તેમનું સમગ્ર ભાષણ તેમના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોની આસપાસ ફરતું હતું.
તમને જણાવી દઈએ કે, આ દરમિયાન કાંતિલાલ અમૃતિયાએ 30 ઓક્ટોબરે મોરબીની મચ્છુ નદીમાં પુલ ધરાશાયી થયા બાદ બચાવ કાર્યમાં તેમની ભૂમિકાને એક શ્વાસમાં ઉજાગર કરી હતી. જેમાં 55 બાળકો સહિત 135 લોકોના મોત થયા હતા. મોરબીમાં મચ્છુ નદી પરનો કેબલ સસ્પેન્શન બ્રિજ 1887માં તત્કાલિન રાજા વાઘાજી ઠાકોર દ્વારા બનાવવામાં આવ્યો હતો. સમારકામ માટે 7 મહિના સુધી બંધ રહ્યા બાદ 24 ઓક્ટોબરે બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દુર્ઘટના સમયે બ્રિજ પર લગભગ 600 લોકો હાજર હતા, જેઓ મચ્છુ નદીમાં પડ્યા હતા.
મોરબી અકસ્માત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી ગયા હતા. આ દરમિયાન મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની હાલત જાણવા હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી. વિરોધ પક્ષો, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) એ ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી હતી.
આ પણ વાંચો – કંચન જરીવાલાએ કેજરીવાલના આરોપોની ખોલી પોલ, ‘મે ભાજપના દબાણથી ઉમેદવારી પાછી નથી ખેંચી કે મારૂ અપહરણ પણ થયું નથી’
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં પીએમ મોદી, જેપી નડ્ડાથી લઈને અમિત શાહ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, ભૂપેન્દ્ર પટેલ, મનોજ તિવારી જેવા નામો સામેલ છે. આ ઉપરાંત ગુજરાતના સ્થાનિક નેતાઓ અને મંત્રીઓ પણ ચૂંટણી પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવશે.