કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક પરિણામોને જોતા કોંગ્રેસને બહુમતી મળતી દેખાઈ રહી છે. કોંગ્રેસ 124 સીટો પર આગળ છે, જ્યારે ભાજપ 70 અને જેડીએસ 23 સીટો પર આગળ છે. રાજ્યના મુખ્યપ્રધાન બસવરાજ બોમ્માઈએ હાર સ્વીકારી અને કહ્યું કે વડા પ્રધાન અને પક્ષના કાર્યકર્તાએ સખત મહેનત કરી, છતાં પરિણામો સારા નથી આવ્યા.
આપને જણાવી દઈએ કે કર્ણાટકમાં કુલ 224 વિધાનસભા સીટો છે અને બહુમત માટે 113 સીટો જરૂરી છે.
કોંગ્રેસે કેવી રીતે પલટી બાજી
પ્રારંભિક વલણો મુજબ, કોંગ્રેસને પોતાના દમ પર બહુમતી મળી રહી છે અને તે સરકાર બનાવવાની સ્થિતિમાં છે. પ્રારંભિક વલણો પર ટિપ્પણી કરતા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું કે પાર્ટીને ઓછામાં ઓછી 120 બેઠકો મળશે. જ્યારે ભાજપ 65 થી 70 બેઠકો વચ્ચે ઘટી જશે. તેવી જ રીતે જેડીએસને 25 બેઠકો મળી શકે છે.
કોંગ્રેસની જીત પાછળની ત્રણ રણનીતિ
1 – કોંગ્રેસે આ વખતે વિધાનસભાની ચૂંટણી કરી અને તે દરમિયાન ત્રણ વ્યૂહરચના પર કામ કર્યું. ઇન્ડિયન એક્સપ્રેસના એસોસિયેટ એડિટર મનોજ સીજી જણાવે છે કે કોંગ્રેસે ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ વખતે વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ખાસ કરીને સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સાથે જોવા મળ્યા હતા. પાર્ટી એકતાનો સંદેશ આપવામાં સફળ રહી હતી.
2 – યુવાનો અને મહિલાઓ ભાજપની મોટી વોટ બેંક રહી છે. પરંતુ આ વખતે કોંગ્રેસ આ બંને કેટેગરીના મતદારોમાં પ્રવેશ કરવામાં સફળ રહી છે.
3 – ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ રણનિતી છે સ્ટેન્ડ લેવું. મનોજ સીજી લખે છે કે, કોંગ્રેસે તેના મેનિફેસ્ટોમાં પીએફઆઈ અને બજરંગ દળ પર પ્રતિબંધ લાવવાની જાહેરાત કરી. અત્યાર સુધી બજરંગ દળને લઈ અનેક હંગામા થવા છતા પાર્ટી તેના સ્ટેન્ડ પર અડગ રહી. પાર્ટીના વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે, આના કારણે મુસ્લિમ મતદારોનો એક વર્ગ તેમની સાથે જોડાયો અને મતમાં પણ ફેરવાઈ ગયો.
1985 વાળો ટ્રેન્ડ ચાલુ
1985થી કર્ણાટક શાસક પક્ષ વિરુદ્ધ સતત જનાદેશ આપી રહ્યું છે. જોકે 2014 અને 2018 અપવાદ છે, જ્યારે કોંગ્રેસે સરકાર બનાવી હતી પરંતુ તે ચલાવી શકી ન હતી. આ વખતે પણ જૂનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપ સત્તામાંથી બહાર થવાની આગાહી પણ કરવામાં આવી છે.
કોંગ્રેસનો વોટ શેર વધ્યો
અત્યાર સુધીના ચૂંટણી વલણો અનુસાર, 2018ની સરખામણીમાં કોંગ્રેસનો વોટ શેર 5%થી વધુ વધી રહ્યો છે. બીજી તરફ ભાજપે સીટો ગુમાવી છે પરંતુ વોટ શેર લગભગ 2018 જેટલો જ છે. આ વખતે પણ પાર્ટીને અંદાજે 36 ટકા વોટ શેર મળે તેમ લાગે છે.
આ પણ વાંચો – કર્ણાટક ચૂંટણી પરિણામના તમામ સમાચાર જોવા અહીં ક્લિક કરો
જેડીએસને ભારે નુકસાન થયું
આ વખતે જેડીએસને સૌથી વધુ નુકસાન થતું જોવા મળી રહ્યું છે. પાર્ટી 2018 નો વોટ શેર પણ બચાવી શકી નથી અને 5% થી વધુ વોટ શેર ગુમાવતી જોવા મળી રહી છે.