Accident News : રાજ્યમાં વધું એક અકસ્માતાની ઘટના સામે આવી છે. ખેડબ્રહ્મા-અંબાજી હાઇવે પર હિંગટીયા નજીક ત્રિપલ અકસ્માતની ઘટના બની છે. એસટી બસ-જીપ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક બાળકી સહિત કુલ 6 લોકોના મોત નીપજ્યા છે. 4 લોકોના ઘટના સ્થળે અને 2 લોકોના સારવાર દરમિયાન મોત થયા હોવાની માહિતી મળી છે. આ ઘટનામાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
જીપમાં અને બાઇક પર સવાર લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય કેટલાક લોકોને ઇજા થઇ છે. જેમને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતમાં 6 લોકોના કરૂણ મોત
ખેડબ્રહ્મા-અંબાજી હાઇવે પર અંબાજી-વડોદરા રૂટની બસને હિંગટીયા નજીક અકસ્માત નડ્યો છે. બસ-જીપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક બાળકી સહિત 6 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. મૃતકોની ઓળખ પોપટભાઈ તરાલ , સાયબાભાઈ બેગડીયા, અજયભાઈ ગમાર, કેતનભાઈ રાઠોડ, મંજુલા બેગડીયા (બાળકી) તરીકે થઇ છે. મૃતકમાં એક અજાણ્યો પુરુષ પણ છે.
આ પણ વાંચો – વિદ્યાર્થીને ભગાડી જનાર શિક્ષિકા નીકળી પ્રેગ્નેન્ટ, હવે પોલીસ DNA ટેસ્ટ કરાવશે
જીપનો કચ્ચરઘાણ વળી ગયો
ત્રણેય વાહન કોઈ અગમ્ય કારણસર એકબીજા સાથે જોરદાર રીતે અથડાયાં હતાં, જેના પરિણામે આ મોટી દુર્ઘટના સર્જાઇ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે જીપનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યારે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.





