લોકસભા ચૂંટણી પરિણામ 2024 : કચ્છ બેઠક ભાજપનો ગઢ, વિનોદ ચાવડાનો અઢી લાખથી વધુ મતોથી વિજય

loksabha election 2024 Results Kutch : ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ, કચ્છ લોકસભા બેઠક પર ભાજપના વિનોદ ચાવડાએ કોંગ્રેસના યુવા નેતા નિતેશ લાલણ સામે 2,68,782 મતોથી વિજય મેળવ્યો

Written by Kiran Mehta
Updated : June 05, 2024 17:52 IST
લોકસભા ચૂંટણી પરિણામ 2024 : કચ્છ બેઠક ભાજપનો ગઢ, વિનોદ ચાવડાનો અઢી લાખથી વધુ મતોથી વિજય
કચ્છ લોકસભા બેઠક પર ભાજપના વિનોદ ચાવડાએ કોંગ્રેસના યુવા નેતા નિતેશ લાલણ સામે 2,68,782 મતોથી વિજય મેળવ્યો

Kutch Lok Sabha Election 2024 Result : લોકસભા ચૂંટણી 2024 નું પરિણામ આવી ગયું છે. કચ્છ લોકસભા ભાજપનો ગઢ છે અને આ વખતે તે યથાવત્ રહ્યું છે. ભાજપના વિનોદ ચાવડાએ કોંગ્રેસના યુવા નેતા નિતેશ લાલણ સામે 2,68,782 મતોથી વિજય મેળવ્યો હતો. વિનોદ ચાવડાને 6,59,574 મતો મળ્યા હતા. જ્યારે નિતેશ લાલણને 3,90,792 મતો મળ્યા હતા. કચ્છ બેઠક પર ભાજપ 28 વર્ષથી એટલે કે 1996થી સતત જીતતું આવ્યું છે. વિનોદ ચાવડા ત્રીજી વખત સાસંદ બન્યા છે.

કચ્છ લોકસભા બેઠક મતદાન

કચ્છ લોકસભા બેઠક પર મતદાનની વાત કરીએ તો આ વખતે 56.14 ટકા મતદાન થયું છે. જો અગાઉના ત્રણ ટર્મના મતદાનની પણ વાત કરીએ તો 2009 માં 42.54 ટકા, 2014 માં 61.78 ટકા અને 2019 માં 58.71 ટકા મતદાન થયું હતુ. આ સિવાય કચ્છ લોકસભા બેઠક અંતર્ગત આવતી વિધાનસભા બેઠકો પરના 2024ના મતદાનની વાત કરીએ તો, અબાડાસામાં 58.28 ટકા, અંજારમાં 59.62 ટકા, ભુજમાં 57.13 ટકા, ગાંધીધામ 49.38 ટકા માંડવીમાં 62.59, મોરબીમાં 58.26 ટકા તો રાપરમાં 48.20 ટકા મતદાન નોંધાયું છે.

કચ્છ બેઠક પર 28 વર્ષથી ભાજપનો કબજો

તમને જણાવી દઈએ કે, કચ્છ લોકસભા બેઠક પર 1996 થી સતત ભાજપ જીતી રહી છે, છેલ્લા 28 વર્ષથી કોંગ્રેસને આ બેઠક પર સફળતા મળી નથી, પરંતુ આ વખતે કોંગ્રેસને આપ સાથે ગઠબંધન કરતા પરિવર્તનની આશા છે. કચ્છની લોકસભા બેઠક 1996થી ભાજપનો ગઢ રહી છે. 28 વર્ષમાં ભાજપ સતત ચાર વખત જીતી આ બેઠક પર કબજો જમાવી રહી છે. 1996 થી 2009 પુષ્પદાન ગઢવી, 2009 થી 2014 પૂનમબેન જાટ તો 2014 થી 2024 વિનોદ ચાવડા ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા છે.

Kutch Lok Sabha Election 2024 Result

કચ્છ લોકસભા ચૂંટણી પરિણામ ઈતિહાસ

વર્ષજીતપાર્ટી
1952ભવાનજી અર્જુન ખીમજીકોંગ્રેસ
1957ભવાનજી અર્જુન ખીમજીકોંગ્રેસ
1962હિંમતસિંહજીસ્વતંત્ર પાર્ટી
1967તુલસીદાસ શેઠકોંગ્રેસ
1971મહિપતરાય મહેતાકોંગ્રેસ
1977અનંત દવેજનતા પાર્ટી
1980મહિપતરાય મહેતાકોંગ્રેસ
1984ઉષા ઠક્કરકોંગ્રેસ
1989બાબુભાઈ શાહભાજપ
1991હરિલાલ નાનજી પટેલકોંગ્રેસ
1996પુષ્પદાન ગઢવીભાજપ
1998પુષ્પદાન ગઢવીભાજપ
1999પુષ્પદાન ગઢવીભાજપ
2004પુષ્પદાન ગઢવીભાજપ
2009પૂનમબેન જાટભાજપ
2014વિનોદ ચાવડાભાજપ
2019વિનોદ ચાવડાભાજપ

કચ્છની તમામ વિધાનસભા બેઠકો પર પણ ભગવો લહેરાયેલો

કચ્છ જિલ્લામાં છ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં અબડાસા, માંડવી, ભૂજ, અંજાર, ગાંધીધામ અને રાપરનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થયેલી છે. અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવીમાં અનિરુદ્ધ દવે, ભુજમાં કેશુભાઈ પટેલ, અંજારમાં ત્રિકમ છાંગા, ગાંધીધામમાં માલતી મહેશ્વરી અને રાપરમાં વિરેન્દ્રસિંહ જાડેજા ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા છે.

કચ્છ લોકસભા ચૂંટણી પરિણામ 2019

પાર્ટીઉમેદવારવોટટકા
ભાજપવિનોદ ચાવડા6,37,03462.26
કોંગ્રેસનરેશ મહેશ્વરી3,31,52132.40
NOTAનોન ઓફ ધ એબોવ18,7611.83
બીએમપીદેવજીભાઈ મહેશ્વરી10,0980.99
બીએસપીલખુભાઈ વાઘેલા7,4480.73

કચ્છ લોકસભા બેઠક – જાતિગત સમીકરણ

કચ્છ લોકસભા બેઠક પર જાતિગત સમિકરણની વાત કરીએ તો, આ બેઠક પર મુસ્લીમ, ક્ષત્રિય અને દલિત મતદાતાઓનો પ્રભાવ સૌથી વધુ છે. આ બેઠક પર ક્ષત્રિય, દલિત, મુસ્લિમ, આહિર, પટેલ, બ્રાહ્મણ, વણિક, લોહાણા અને અન્ય જાતિઓના લોકો વસે છે.

કચ્છ લોકસભા ચૂંટણી પરિણામ 2014

પાર્ટીઉમેદવારવોટટકા
ભાજપવોનોદ ચાવડા5,62,85559.40
કોંગ્રસડો. દિનેશ પરમાર3,08,37332.55
બીએસપીકમલ માતંગ21,2302.24
બીએમપીહિરજી સિજુ21,1062.23
આપગોવિંદ દાનિચા15,7971.67
NOTAનોન ઓફ ધ એબોવ16,8791.78

કોણ છે વિનોદ ચાવડા (કચ્છ લોકસભા ચૂંટણી 2024 ભાજપ ઉમેદવાર)

કચ્છ બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની લોકપ્રિયતા વધારે છે. તેઓ 2014 થી સતત બે ટર્મથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાઈને આવી રહ્યા છે. આજ કારણોસર ભાજપે તેમને ફરી એકવાર ટિકિટ આપી છે. વિનોદ ચાવડાની પ્રોફાઈલની વાત કરીએ તો, સાંસદ વિનોદ ચાવડાએ એલ.એલ.બી સુધી અભ્યાસ કર્યો છે. મુળ તેમનું ગામ કચ્છના નખત્રાણા તાલુકાના સુખપર રોહા છે. જે અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં આવે છે.

વિનોદ ચાવડાએ સૌપ્રથમ 2014 અને પછી 2019ની લોકસભામાં ચૂંટણી લડી હતી અને શાનદાર જીત મેળવી હતી. ત્યારે તેમને ફરી એક વાર તક અપાઇ છે.કચ્છ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક પર બે ટર્મથી કચ્છના સાંસદ રહેલા વિનોદ ચાવડાને રીપીટ કરાયા છે. વિનોદ ચાવડાની રાજકીય સફરની વાત કરીએ તો, તેમણે 2010 માં જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ 2014માં ભાજપ-એનડીએ લોકસભા ઉમેદવાર તરીકે તેમણે કોંગ્રેસ ઉમેદવાર ડો. દિનેશ પરમાર ને હરાવ્યા તો 2019માં કોંગ્રેસ ઉમેદવાર નરેશ મહેશ્વરીને હરાવી સતત બે ટર્મથી સાંસદ છે.

કોણ છે નિતેશ લાલણ (કચ્છ લોકસભા ચૂંટણી 2024 કોંગ્રેસ ઉમેદવાર)

કોંગ્રેસે પૂર્વ કચ્છના યુથ કોગ્રેસના પ્રમુખને ઉમેદવાર તરીકે કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે. નિતેશ લાલણ કોંગ્રેસમાં 2012 થી કોંગ્રેસમાં સક્રિય સભ્ય છે. નિતેશ લાલણે મતદાન એજન્ટ જેવા જમીન સ્તરથી કોંગ્રેસમાં કાર્ય શરૂ કર્યું હતુ. આ સિવાય તમામ ચૂંટણી બૂથના સંચાલનની પણ કામગીરી કરી ચુક્યા છે. હાલ તેઓ કચ્છના યુથ કોગ્રેસના પ્રમુખ તરીકે કાર્યરત હતા અને તેમને કોંગ્રેસે લોકસભા ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. તેમણે ગાંધીધામમાં મૂળભૂત સુવિધાઓ, ગરીબ-બેઘર લોકોની આજીવિકા, ડ્રગના દૂષણ જેવા મુદ્દા પર લડત આપી કોંગ્રેસની વિચારધારા લોકો સુધી પહોંચાડી હતી.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 પરિણામ : વલસાડ બેઠક પર ભાજપ ત્રીજી વખત બાજી મારશે કે કોંગ્રેસ-આપ ગઠબંધન કરશે કમાલ

નિતેશ લાલણ શિપિંગ અને લોજિસ્ટિકના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે એસ.વાય બિકોમ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ મહેશ્વરી મેઘવાળ સમાજમાં સતત સક્રિય રહેલા છે. કોંગ્રેસ યુવા બિઝનેસમેન અને સમાજસેવામાં અગ્રેસર તથા કોંગ્રેસ કાર્યકર્તાઓનો સપોર્ટ હોવાના કારણે નિતેશ લાલણને ટિકિટ આપી હોવાની ચર્ચા છે, તેઓ પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ