અમરેલી જિલ્લામાં સિંહણે ત્રણ લોકો પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આમ તો, સિંહ દ્વારા માનવ પર હુમલાની ઘટના ભાગ્યે જ બને છે, પરંતુ અમેરેલીના રાજુલાના વાવેરા ગામમાં વાડી વિસ્તારમાં સિંહણે ત્રણ લોકો પર હુમલો કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સિંહણે સવારે બે લોકો પર હુમલો કર્યો ત્યારબાદ સાંજે હુમલાની ત્રીજી ઘટના બની છે. વન વિભાગે તુરંત કાર્યવાહી શરૂ કરી, સિંહણના રેસક્યુ માટે તજવીજ હાથ ધરી છે.
ગીર અભ્યારણ્યમાં આવેલા ગામોમાં સિંહ દેખાવાની ઘટના અવાર-નવાર જોવા મળે છે. પરંતુ સિંહ દ્વારા માનવ પર હુમલાની ઘટના બહુ ઓછી જોવા મળતી હોય છે. પરંતુ, અમરેલીના રાજુલાના વાવેરા ગામમાં ખેતરમાં કામ કરી રહેલા એક યુવક અને આધેડ મહિલા પર સિંહણ દ્વારા હુમલો કરવામાં આવતા, બંને ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અમરેલી – વાડીમાં રહેતા બે લોકો પર સિંહણનો હુમલો
સૂત્રો અનુસાર, રાજુલાના વાવેરા ગામમાં વાડી વિસ્તારમાં ખેતીકામ કરતા યુવક અને આધેડ મહિલા ખેતરમાં હતા ત્યારે સિંહણ અચાનક આવી ચઢી અને બંને લોકો ખેતરમાં રહેલા મકાનમાં ગયા, મકાનમાં પહોંચી સિંહણે બંને લોકો પર હુમલો કર્યો. બંને લોકોએ જીવ બચાવવા પ્રયત્ન કરતા સિંહણ બાદમાં ભાગી ગઈ હતી, અને જીવ બચી ગયો હતો. આ ઘટનામાં બંને લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સાંજે ફરી સિંહણે હુમલો કર્યો
વાવેરા ગામે સાંજે ફરી સિંહણ દ્વારા એક વ્યકિત પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. હુમલાખોર સિંહણે એક વ્યકિત પર હુમલો કરતા ઇજાગ્રસ્ત થયો હતો. તેને 108 મારફતે ઇજાગ્રસ્તને રાજુલા હોસ્પિટલ ખસેડાવામાં આવ્યો હતો.
વન વિભાગે રેસક્યુ શરૂ કર્યું
ઘટનાની જાણ થતા ACF વાઘેલા,RFO યોગરાજસિંહ રાઠોડ સહીત વન વિભાગ સ્ટાફ ધટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટનાની ગંભીરતાને જોતા વન વિભાગની ટીમે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી હુમલાખોર સિંહણનું રેસક્યુ કરતા તજવીજ હાથ ધરી છે. આ ઘટના બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો – ગીર જંગલમાં સિંહના હુમલામાં પશુપાલક ઘાયલ, અઠવાડિયા પહેલા પુત્ર પર કર્યો હતો હુમલો
ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2023 માં પણ ગીર જંગલ નજીક સિંહણ દ્વારા હુમલાની ઘટના સામે આવી હતી, જેમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય (GNPWLS) ના હસનપુર ગામ નજીક માલધારી વસાહત, કડવાડી નેસના માલધારી ઝેટા ચાવડા, જ્યારે તેમના ઢોર ચરાવી રહ્યા હતા ત્યારે સિંહણના હુમલાથી ઘાયલ થયા હતા. ઝેટાના મોટા ભાઈ કરશન ચાવડાએ, જેઓ પણ કડવાડી નેસમાં રહે છે, સોમવારે જણાવ્યું હતું કે, “તેઓએ તેમના ભેંસોના ટોળાને દૂધ નીકાળ્યા પછી ચરવા દીધા હતા, જ્યારે સિંહણએ તેમના પર હુમલો કર્યો હતો.
(માહિતી – યશપાલ વાળા )