lions viral video : ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખાસ કરીને અમરેલી અને જુનાગઢ જિલ્લાના આજુ બાજુ વિસ્તારમાં સિંહો જોવા મળે છે. આ વિસ્તારોમાં સિંહો દેખાવા સામાન્ય બાબત છે. ખેતરમાં એકલ દોકલ સિંહ જોવા મળતા હોય છે. જંગલ વિસ્તારમાંથી ફરતા ફરતા સિંહો માનવ વસાહત સુધી પહોંચી જવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બન્યા છે. જોકે, તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આઠ સિંહોનું ટોળું ગામમાં આંટો મારતું દેખાય છે.
આઠ સિંહોનું ટોળું થયું સીસીટીવીમાં કેદ
ટ્વીટર ઉપર સુસાંતા નંદા નામના યુઝર્સે એક સીસીટીવી ફૂટેઝનો વીડિયો ટ્વીટ કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે. બીજો દિવસ, બીજું ગર્વ અને ગુજરાતના રસ્તા પર ચાલવું… આ વીડિયોમાં આઠ જેટલા સિંહો રસ્તા ઉપર ચાલતા દેખાય છે. આઠ સિંહોના ટોળાની રસ્તા ઉપર લટાર મારતો આ વીડિયો સ્થળ પાસે લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. અદભૂત દ્રશ્ય સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યું છે.
વીડિયો ગુજરાતના કયા સ્થળનો છે એ પુષ્ટી થઈ નથી
આઠ સિંહોની નગરમાં લટાર મારતો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે. જોકે, આ વીડિયો ગુજરાતના કયા વિસ્તારનો છે એ હજી સુધી પુષ્ટી થઈ નથી. વીડિયોમાં દેખાય છે એમ એક સ્ટ્રીટ છે, રાત્રી જેવો માહોલ છે. સુમસામ રસ્તો છે અને ગુજરાતનું ગર્વ ગણાતા સિંહો આંટા મારી રહ્યા છે.