Explained : ડ્રાય સ્ટેટ ગુજરાતમાં પણ આ લોકો કરી શકે છે મદિરાપાન, જાણો કોને મળી શકે છે દારુ પરમીટ

Liquor Permit in Gujarat : ગુજરાતમાં સાત પ્રકારે દારૂની પરમિટ મળે છે. તો જોઈએ કોણ-કોણ પીવા માટે છૂટ મેળવી શકે? કેટલી માત્રામાં પી શકે? કોણ પરમિટ આપે? બધુ જ

Written by Kiran Mehta
Updated : December 29, 2023 18:13 IST
Explained : ડ્રાય સ્ટેટ ગુજરાતમાં પણ આ લોકો કરી શકે છે મદિરાપાન, જાણો કોને મળી શકે છે દારુ પરમીટ
ગુજરાતમાં દારૂ પીવાની કોને અને કેવી રીતે છૂટ આપવામાં આવે છે

સોહિની ઘોષ | Liquor Permit in Gujarat : ગુજરાત શુષ્ક રાજ્ય છે એટલે કે રાજ્યમાં દારૂબંધી છે. જો કે, શુક્રવારે (22 ડિસેમ્બર) ગુજરાતની ભાજપ સરકારે રાજ્યના એક વિસ્તારમાં દારૂ પીવાની પરવાનગી આપી દીધી છે. આ વિસ્તાર ગાંધીનગરનું ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી છે. જેને ગિફ્ટ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ છૂટછાટ બાદ ગુજરાત દારૂબંધી ખતમ કરવા તરફ આગળ વધી રહ્યું છે? આ ચર્ચા સામાન્ય છે? આનો કોઈ નક્કર જવાબ નથી. પરંતુ દારૂની છૂટ પ્રાપ્ત કરવી ગિફ્ટ સિટી માટે નવાઈની વાત નથી, કારણ કે આ પ્રકારની છૂટ માટે લાબુ લિસ્ટ છે. તાજેતરની છૂટછાટ એ ગુજરાતમાં કાયદા હેઠળ આપવામાં આવેલી અન્ય વિવિધ છૂટછાટોની યાદીમાં માત્ર એક નવી એન્ટ્રી છે.

ગુજરાતમાં કોને-કોને દારૂ પીવાની છૂટ મળે છે?

21 વર્ષ અને તેથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ દારૂ પીવા માટે કામચલાઉ પરમિટ મેળવી શકે છે. પૂર્વ સૈનિકો સહિત 40 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ વ્યક્તિ સ્વાસ્થ્ય પરમિટ પર દારૂનું સેવન કરી શકે છે.

રાજ્યમાં દારૂનું ઉત્પાદન, વેચાણ અને વપરાશ લાઇસન્સ અને પરમિટની સિસ્ટમ દ્વારા નિયંત્રિત થાય છે. ગ્રાહક તરીકે દારૂ ખરીદવા અને પીવા માટે પરમિટ મેળવવી પડે છે. જ્યારે દારૂ ઉત્પાદકો અને વેચાણકર્તાઓએ લાઇસન્સ મેળવવું પડશે.

રાજ્યમાં ગ્રાહકો માટે સાત અલગ-અલગ પ્રકારની પરમિટની જોગવાઈ છે, જે ચોક્કસ શરતોને વર્ગીકૃત કરે છે કે જેના હેઠળ પીવાની પરવાનગી છે.

વિવિધ પ્રકારની પરવાનગીઓ

કુલ સાત પ્રકારની પરમિટ છે. પાંચને હેલ્થ પરમિટ અને નોન-હેલ્થ પરમિટની શ્રેણીમાં રાખી શકાય છે. અન્ય બેમાં ગ્રુપ પરમિટ અને ઇન્સ્ટન્ટ પરમિટનો સમાવેશ થાય છે. આ બંનેનો ઉપયોગ “તાકીદની જરૂરિયાતો” માટે થાય છે. તમામ પરમિટ ધારકો સમગ્ર રાજ્યમાં 77 લાઇસન્સ ધરાવતા દારૂના વિક્રેતાઓ/દુકાનોમાંથી જ વિદેશી દારૂ ખરીદી શકશે.

હેલ્થ પરમિટ મેળવવા માટે 4000 રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે. તેને દર વર્ષે રૂ. 2000 ચૂકવીને રિન્યુ કરાવવાનું રહેશે. જ્યારે નોન-હેલ્થ પરમિટ એક અઠવાડિયાથી એક મહિના માટે ઉપલબ્ધ છે. તેને મેળવવા માટે 100 થી 500 રૂપિયાનો ખર્ચ થઈ શકે છે.

હેલ્થ પરમિટ કેવી રીતે મેળવવી?

હેલ્થ પરમિટ એ ગુજરાતમાં પરમિટના સૌથી જૂના સ્વરૂપોમાંનું એક છે. આ માટે અરજદારની ઉંમર 40 વર્ષથી વધુ હોવી જોઈએ. માસિક આવક રૂ. 25,000 થી વધુ હોવી જોઈએ અને અરજી કરવા માટે તબીબી કારણ હોવું આવશ્યક છે. એરિયા મેડિકલ બોર્ડ (એએમબી) દ્વારા નક્કી કર્યા મુજબ, પરમિટ સામાન્ય રીતે પાંચ વર્ષ કે તેથી ઓછા સમય માટે માન્ય હોય છે.

બોમ્બે ફોરેન લિકર નિયમોની કલમ 64, 64B અને 64C હેઠળ હેલ્થ પરમિટ જાહેર કરવામાં આવે છે. કલમ 64 હેઠળ આરોગ્ય પરમિટ એવા લોકોને આપવામાં આવે છે, જેઓ ગુજરાતના રહેવાસી છે અને તેમના સ્વાસ્થ્યને જાળવવા માટે દારૂની જરૂર છે.

કલમ 64B હેઠળ, આરોગ્ય પરમિટ એવા લોકો માટે ઉપલબ્ધ છે, જેઓ ગુજરાતના રહેવાસી નથી, પરંતુ છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં રહે છે અને તેઓને તેમનું સ્વાસ્થ્ય જાળવવા માટે દારૂની જરૂર છે.

સેક્શન 64C હેઠળ હેલ્થ પરમિટ એવા લોકોને આપવામાં આવે છે, જેઓ સંરક્ષણ સેવામાંથી નિવૃત્ત થયા હોય અને તેમના સ્વાસ્થ્યને જાળવવા માટે દારૂની જરૂર હોય. જો કે, રાજ્યએ ઓગસ્ટ 2022 માં 64C હેઠળ પરમિટ આપવાનું બંધ કર્યું, કારણ કે આ વિભાગ સંરક્ષણ અધિકારીઓના કાર્યક્ષેત્ર હેઠળ છે.

કલમ 64 હેઠળ હેલ્થ પરમિટ માટે અરજી કરનાર વ્યક્તિએ પ્રોસેસિંગ ફી તરીકે રૂ. 2,000 અને મેડિકલ તપાસ ફી તરીકે રૂ. 2,000 ચૂકવવા પડે છે. સરકારી હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું કે, તબીબી કારણો ‘તણાવ’થી લઈને હૃદયની બીમારીઓ સુધીના હોઈ શકે છે.

રાજ્યએ કલમ 64 હેઠળ હેલ્થ પરમિટ લેનારાઓ માટે એક મહિનામાં કેટલો દારૂ પીવો તેની મર્યાદા નક્કી કરી છે. 40-50 વર્ષની વયના લોકો માટે ત્રણ યુનિટ, 50 વર્ષથી વધુ અને 65 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે ચાર યુનિટ અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પાંચ યુનિટ.

સેક્શન 64B હેઠળ હેલ્થ પરમિટ લેનારાઓ માટે, રાજ્ય સ્પષ્ટ કરે છે કે, એક મહિનામાં વધુમાં વધુ બે યુનિટ લઈ શકાય છે. આમાં કોઈ વય પ્રતિબંધ નથી.

નોન-હેલ્થ પરમિટ કોણ મેળવી શકે છે?

રાજ્યમાં અસ્થાયી રૂપે રહેતા લોકો અને વિદેશીઓને બિન-આરોગ્ય પરમિટ જાહેર કરી શકાય છે. આ પરમિટ તેમને દર મહિને વધુમાં વધુ ચાર યુનિટ ખરીદવાની મંજૂરી આપે છે.

રાજ્યમાં આવતા વિદેશી નાગરિકોને પ્રવાસી પરમિટ આપી શકાય છે. આવી પરમિટ વધુમાં વધુ એક મહિના માટે માન્ય હોય છે અને વધુમાં વધુ છ એકમો ખરીદવાની મંજૂરી આપે છે.

ગુજરાતની મુલાકાતે આવતા અન્ય રાજ્યોના રહેવાસીઓને મુલાકાતીઓની પરમિટ જાહેર કરી શકાય છે. તે ગુજરાતના રહેવાસીઓને પણ જાહેર કરી શકાય છે, જેઓ ગ્રીન કાર્ડ ધારક છે. આ પરમિટ વધુમાં વધુ સાત દિવસ માટે મેળવી શકાય છે અને જો જરૂરી હોય તો ત્રણ વખત સુધી વધારી શકાય છે. વિઝિટર પરમિટ ધરાવનાર વ્યક્તિ એક સપ્તાહમાં વધુમાં વધુ એક યુનિટ દારૂ ખરીદી શકે છે.

હવે કોઈપણ વ્યક્તિ ઓનલાઈન પોર્ટલ પર ટૂરિસ્ટ પરમિટ અને વિઝિટર પરમિટ માટે અરજી કરી શકે છે.

અન્ય કઇ પરવાનગીઓ દારૂના વપરાશને મંજૂરી આપે છે?

જૂથ પરમિટ: આ પરમિટ કોઈપણ રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ/ઇવેન્ટ માટે મેળવી શકાય છે. સરકારી સંસ્થાઓ પણ આમાં સામેલ થઈ શકે છે. કોન્ફરન્સ આયોજક દ્વારા જૂથ પરમિટ મેળવવી આવશ્યક છે. જૂથ પરમિટ કોન્ફરન્સના સમયગાળા માટે માન્ય છે. કોન્ફરન્સના પ્રતિભાગીઓ જૂથ પરમિટ મેળવ્યા પછી આલ્કોહોલ ખરીદી શકે છે, અને સ્ટોર કરી શકે છે અને તેનું સેવન કરી શકે છે.

અર્જન્ટ પરમિટ : તેને ઈમરજન્સી પરમિટ પણ કહેવાય છે. આનો લાભ ગુજરાતમાં રહેતી વ્યક્તિઓ “તેમના પરિવારના સભ્યો માટે” બ્રાન્ડી, રમ અથવા શેમ્પેન રાખવા અને તેનું સેવન કરવા માટે લઈ શકે છે. કુટુંબમાં ફક્ત એક જ વ્યક્તિને આવી પરમિટ આપી શકાય છે. આ પરમિટ 180 મિલી બ્રાન્ડી અથવા રમ અથવા 375 મિલી શેમ્પેઈનને મંજૂરી આપે છે.

દારૂની પરમિટ કોણ આપે છે?

માનવ સંસાધનના વડા અથવા નિયુક્ત અધિકારીની ભલામણો પર ગિફ્ટ સિટીના મુલાકાતીઓ માટે પરમિટ જાહેર કરવામાં આવી શકે છે.

પ્રવાસીઓ માટે પરમિટ જિલ્લા P&E અધિકારીઓ ઉપરાંત લાયસન્સવાળી દુકાનમાં નિયુક્ત નશાબંધી અને આબકારી વિભાગના શોપ ઇન્ચાર્જ દ્વારા જાહેર કરી શકાય છે. લાયસન્સવાળી દારૂની દુકાનો ધરાવતી હોટેલોના સંચાલકોને વિદેશી મુલાકાતીઓ અને NRIsને પરમિટ આપવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

‘યુનિટ’ એટલે કેટલું છે?

વિદેશી દારૂના એક યુનિટને સ્પિરિટની એક 750 મિલી બોટલ અથવા વાઇનની ત્રણ 750 મિલી બોટલ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. 2% થી વધુ ઇથિલ આલ્કોહોલ ધરાવતી વાઇન માટે, એક યુનિટ 650 ml ની 10 બોટલ અથવા 500 ml ની 13 બોટલ અથવા 330 ml ની 20 બોટલ છે. જો ઇથિલ આલ્કોહોલનું પ્રમાણ 2% કરતા વધુ ન હોય, તો એક યુનિટમાં 650 મિલીલીટરની 30 બોટલ અને 750 મિલીની 27 બોટલનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કઈ પરમિટનો સૌથી વધુ ઉપયોગ થાય છે?

છેલ્લા પાંચ વર્ષમાં, 40 વર્ષથી વધુ ઉંમરના ગુજરાતના રહેવાસીઓએ આરોગ્ય પરમિટ માટે અરજી કરી છે. તો, વ્યવસાય અને પર્યટન માટે આવતા લોકોને જાહેર કરાયેલ અસ્થાયી પરમિટ માટેની અરજીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગુજરાતમાં 1960 માં બોમ્બે પ્રાંતથી અલગ થયા બાદથી ગુજરાતમાં પ્રતિબંધ લાગુ છે.

આ પણ વાંચોGift City Liquor Guidelines : ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ ગાઈડલાઈન : લાયસન્સ કોને અને કેવી રીતે મળશે? કોણ દારૂ પી શકશે? શું છે શરતો? બધુ જ

2018 અને 2022 ની વચ્ચે રાજ્યમાં પરમિટની માંગમાં દર વર્ષે સરેરાશ 6 ટકા વધવાનો અંદાજ છે. ગુજરાત નશાબંધી અને આબકારી વિભાગના ડેટા અનુસાર, 2018 માં છ કેટેગરી હેઠળ કુલ 47, 836 પરમિટ આપવામાં આવી હતી. તેમાંથી લગભગ 51 ટકા આરોગ્ય અને 48 ટકા બિન આરોગ્ય પરમિટ હતા.

2022 માં કુલ 76,135 પરમિટ (સ્વાસ્થ્ય અને બિન-આરોગ્ય) જાહેર કરવામાં આવી હતી. તેમાંથી, હેલ્થ પરમિટનો હિસ્સો સૌથી વધુ 78 ટકા હતો, જ્યારે નોન-હેલ્થ પરમિટનો હિસ્સો 22 ટકા હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ